Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં આરોપીને સજા ફટકારવામાં આવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટનો આભાર માન્યો
- ‘ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ એ ગુનેગારો માટે લાલ આંખ સમાન’
- ‘આ કાયદો ભોગ બનનાર માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ રહ્યો છે’
- ‘આ નવા કાયદા હેઠળ કોર્ટમાં ઝડપથી કેસ ચલાવવામાં સફળતા પ્રાપ્ત થઈ’
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટનો આભાર વ્યક્ત કર્યો.
હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ એ ગુનેગારો માટે લાલ આંખ અને ભોગ બનનાર માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ રહી છે. આ નવા કાયદા હેઠળ કોર્ટમાં ઝડપથી કેસ ચલાવવામાં સફળતા પ્રાપ્ત થઈ રહી છે. ગુજરાત સરકારે આ નવા કાયદા અંતર્ગત અનેક લોકોને સજા અપાવવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારે સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં બનેલી ઘટના એક નાની દીકરી પર જે રેપની ઘટના બની માત્ર 130 દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ ત્રણે ત્રણ આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર માનું છું. અને ખાસ કરીને આ ભોગ બનનાર પરિવારને જે ન્યાય આપ્યો છે અને કડકમાં કડક સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ સુરત જિલ્લા પોલીસને હું અભિનંદન આપુ છું. આ નવા કાયદા અંતર્ગત આવા અનેક ગુનાઓ છે કે જેમાં ગુનેગારોને આપણે સજા અપાવવામાં ખૂબ ઝડપથી સફળતા પ્રાપ્ત થઈ છે. હું નવા કાયદા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજ પ્રકારે આવનારા દિવસોમાં અનેક ગુનાઓમાં આ ગુનેગારોને સજા અપાવવા માટે ગુજરાત સરકાર રાત-દિવસ એક કરીને કામગીરી કરી રહી છે. અને દરેક દીકરીઓને ન્યાય અપાવીને જ ઝપશે.
માંગરોળ ગેંગરેપ કેસમાં દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ગેંગરેપના દોષિત મુન્ના પાસવાન અને રાજુને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. મળતી વિગતો પ્રમાણે આ કેસમાં 18 જેટલા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ 47 જેટલા સાક્ષીઓ પણ તપાસવામાં આવ્યાં હતાં. આ જ કેસના આરોપી શિવ શંકર ચૌરસિયાનું બિમારીના કારણે મોત થયું હતું.
માત્ર 130 દિવસમાં પોક્સો કોર્ટે કેસ ચલાવ્યો
આ કેસની વાત કરવામાં આવે તો, ઘટના બન્યાના માત્ર 72 કલાકમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ સાથે સાથે આરોપીઓ સામે 17 કલમો લગાવાઈ હતી અને 15 દિવસમાં ચાર્જશીટ પણ રજૂ કરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે, 130 દિવસમાં આરોપીને કસૂરવાર ઠેરવાયો અને આજીવન કેદની સજા આપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, આ કેસ માત્ર એક મોટર સાયકલ પરથી ઉકેલાયો હતો.
કોર્ટે 10 લાખની સહાય આપવાની જાહેરાત પણ કરી
આ કેસના મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાળાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આરોપીને જેલમાં અંતિમ શ્વાસ સુધી સજાનો હુકમ કરવામાં આવ્યો છે. પીડિતાને આધાર મળે તે માટેની માગ કરવામાં આવી હતી. જ્યાં કોર્ટે દસ લાખની સહાય આપવાની જાહેરાત પણ કરી છે.’ નોંધનીય છે કે, આરોપીઓના મોબાઈલમાંથી પણ કેટલીક ક્લિપો મળી આવી હતી, તેને પણ પુરાવા રૂપે રજૂ કરવામાં આવી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે આરોપીઓને આજીવન કેદની સજા કરી દેવામાં આવી હતી. આ સાથે સાથે પરિવારજનોને દસ લાખની સહાય આપવાની પણ કોર્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી.
આ પણ વાંચો: Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં આરોપી મુન્ના પાસવાન અને રાજુને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી