Surat: ડાયમંડ સિટીમાં તરખાટ મચાવનાર ગેંગને પકડવામાં પોલીસને મળી સફળતા
- વતનથી 200 કિમી અંતર કાપી આવતા ગુના આચરવા
- ટોળકીમાં સામેલ ત્રણ શખ્સો પોલીસના સકંજામાં
- જેલમાંથી છુટ્યા બાદ ફરી અપનાવ્યો ગુનાનો રસ્તો!
Surat: ગુનો કરી એકવાર જેલની હવા ખાધા બાદ કોઈ પણ વ્યક્તિ એવું વિચારે છે કે, ફરી જેલમાં જવું પડે હવે એવું કોઈ કામ નહીં કરે. પરંતુ, આ ક્રાઈમ રિપોર્ટમાં વાત કરીશું એક એવી ટોળકીની જેમની માટે ગુનો કરવો અને જેલમાં જવું સામાન્ય વાત છે. ડાયમંડ સિટીમાં તરખાટ મચાવનાર ગેંગને પકડવામાં પોલીસને સફળતા મળી છે. ગળામાં સોનાની ચેઈન, મંગળસૂત્ર કે હાથમાં મોબાઈલ દેખાય એટલે ધૂમ સ્ટાઈલમાં બાઈક લઈને આવવાનું અને ઘડીના છઠ્ઠા ભાગમાં તેના ગળામાં પહેરેલી સોનાની ચેઈન ખેંચી ફરાર થઈ જવું.
બાતમીદારોને કામે લગાવી પોલીસે ચેઈન સ્નેચિંગ કરતી ત્રિપુટીને ઝડપી
સુરતના અલગ-અલગ વિસ્તારમાં સોનાની ચેઈન અને મોબાઈલ સ્નેચિંગના બનાવો વધી રહ્યા હતા. તેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરતા હાથમાં સીસીટીવી ફૂટેજ લાગ્યા હતા. તે ફૂટેજમાં ગુનાને અંજામ આપી સ્પોર્ટ્સ બાઈક પર ભાગતા શખ્સો નજરે પડ્યા હતા. આ જોઈ પોલીસને તરત અંદાજ આવી ગયો કે, આ કંઈ ગેંગનું કામ છે. બસ, બાતમીદારોને કામે લગાવી પોલીસે ચેઈન સ્નેચિંગ કરતી ત્રિપુટીને ઝડપી લીધી છે.
ઝૂંટવેલી સોનાની ચેઈન ક્યાં વેચતા હતા તે દિશામાં તપાસ ચાલુ
શહેર ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે 2022માં ચેઇન સ્નેચિગ અને મોબાઈલ સ્નેચિગના ગુનામાં ઝડપાયેલી ગેંગના સભ્યો બે વર્ષથી જેલમાં હતા. જેલમાંથી છૂટી ફરી એક વખત સુરતમાં એક બાદ ગુનાને અંજામ આપી રહ્યા છે. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે અડાજણ એલ.પી.સવાણી રોડ, ટી.જી.બી.સર્કલ નજીકથી અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે મિતેષ બેલદાર, મહાવીર સિંહ નટુભાઈ ચૌહાણ અને ઉદેસિંગ ઉર્ફે ઉદો ઠાકોરને લીધા હતા. આરોપીઓ પાસેથી 7 સોનાની ચેઈન અને એક બાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ઝૂંટવેલી સોનાની ચેઈન ક્યાં વેચતા હતા તે દિશામાં તપાસ ચાલુ છે.
વતનથી 200 કિમી અંતર કાપી આવતા ગુના આચરવા
પોલીસના કહેવા મુજબ, ઝડપાયેલા તમામ આરોપીઓ રીઢા ગુનેગાર છે. ચેઈન સ્નેચિંગ કરી જેલમાં જવું તેમની માટે કોઈ નવી વાત નથી. આરોપીઓ વિરુદ્ધ્ અગાઉ પણ ગુના નોંધાયેલા છે. આરોપી અશોક ઉર્ફે નિકુંજ 2005થી 2015 સુધી સુરતમાં રહેતો હતો. આ દરમિયાન ચેઈન અને મોબાઈલ સ્નેચિંગ ગુનામાં પકડાયા બાદ પોતાના વતનમાં રહેવા જતો રહેતો હતો. મહાવીરસિંહ સાથે મળી ગુજરાતના અલગ અલગ શહેરોમાં ચેઈન સ્નેચિંગના ગુના આચરતા હતા. 2020માં પોલીસે પકડતા તે ગુનામાં આશરે એક વર્ષ જેલમાં રહ્યા એ પછી, પોતાના વતન તારાપુરથી સુરત આવી ગુના આચરવાનું શરૂ કર્યુ હતું.
આવા રીઢા ગુનેગારો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવી જરૂરી
તારાપુરથી સ્પોર્ટ્સ બાઈક ઉપર 200 કિમી જેટલું અંતર કાપી વહેલી સવારે અને રાત્રે વૉકમાં નીકળતા લોકોને ટાર્ગેટ કરતા હતા. ચેઈન કે મોબાઈલ સ્નેચિંગ કરતા હતા. જોકે 2022માં આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી 8 ચેઈન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો એ ગુનાઓમાં બે વર્ષ સુધી જેલમાં રહી મે 2024માં આરોપીઓ જેલમાંથી મુક્ત થતા ફરી ચેઈન સ્નેચિંગના ગુના આચરવાનું શરૂ કરી દીધું આમ, આરોપીઓ ગુના કરવા ટેવાયેલા છે. આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અશોક વિરુદ્ધ 23 ગુના, મહાવીરસિંહ વિરુદ્ધ 15 ગુના જ્યારે આરોપી ઉદેસિંગ વિરુદ્ધ 5 ગુના નોંધાયેલા છે. હવે વધુ એકવાર ત્રિપુટી પોલીસના સકંજામાં આવી છે. જેલમાંથી છુટ્યા બાદ આરોપીઓ ફરીથી આ રસ્તો ન અપનાવે તે માટે આવા રીઢા ગુનેગારો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવી જરૂરી છે.
આ પણ વાંચો: BZ Group Scam : કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરાયો, વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર