Surat : સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા સામે લાલ આંખ, અઠવાડિયામાં 602 જગ્યાએ દરોડા
સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાં જ સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિ સામે લાલ આંખ કરવામાં આવી છે. એક અઠવાડિયાની ડ્રાઇવ દરમિયાન 602 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 16 જેટલા કેસ ઇમોરલ ટ્રાફિકિંગના કરવામાં આવ્યા છે. શહેર પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાંનો ધરાર ઉલ્લઘંન કરનારા હોટેલ માલિકો અને સંચાલકો વિરુદ્ધ 62 કેસો કરી 90 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 3 કેસમાં પાસા હેઠળ કાર્યવાહી થઈ છે અને એક સ્પા સામે લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંગેની જાણકારી શહેર પોલીસ કમિશ્નર અજય તોમર દ્વારા પત્રકાર પરિષદ યોજી આપવામાં આવી છે.
નવરાત્રિના પવિત્ર તહેવારનો કોઈપણ તત્વો દુરુપયોગ ન કરી શકે તે માટે શહેર પોલીસ દ્વારા આ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જે અન્વયે શહેર પોલીસ દ્વારા 602 જેટલા સ્થળો ઉપર રેડ પાડી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સિવાય સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા આ બાબતે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, કેટલાક હોટલવાળા કે જે આઈકાર્ડ વગર રૂમ આપતા હતા. કેટલીક ઓયો હોટલમાં રજીસ્ટર મેન્ટેન કરવામાં આવતું ન હોય, આ પ્રકારે 62 કેસ જાહેરનામા ભંગના કરવામાં આવ્યા છે. 100 કેસ દેહ વ્યાપારના કરવામાં આવ્યા છે અને 188 કેસ જાહેરનામા ભંગના કરવામાં આવ્યા છે.
આ સિવાય વધુમાં કહ્યું કે, એક વર્ષ દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા 47 કેસ ઇમોરલ ટ્રાફિકિંગના કરવામાં આવ્યા છે. જેમાં 101 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 197 મહિલાઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાવવામાં આવી છે. જેમાં 52 વિદેશી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આ કાર્યવાહી દરમિયાન 3 કેસમાં પાસા હેઠળ કામગીરી પણ કરવામાં આવી છે.
દશેરાના પર્વ નિમિત્તે પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યુ હતું કે,આસુરી શક્તિઓ,ગેરકાયદે શક્તિઓ સહિતની પ્રવૃતિઓ શહેરમાં બિલકુલ ચલાવી લેવામાં નહિ આવે. શહેરમાં ચાલતી આવી ગેરપ્રવૃતિ સામે શહેર પોલીસ નાગરિકોની મદદ માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે. એટલું જ નહીં પરંતુ આ નૈતિક પ્રવૃત્તિ સાથે સંડાવાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદા મુજબ પાસા હેઠળની પણ કાર્યવાહી અગાઉ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : Palanpur : નિર્માણાધીન બ્રિજ ધરાશાયી મામલે 11 સામે પોલીસમાં ફરિયાદ