ગુજરાતના વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવતા સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંદાજે 1500 કરોડ રૂપિયાના જમીન NA (બિનખેતી) કૌભાંડના મામલામાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ ( Rajendra Patel) ની ધરપકડ કરવામાં આવી છે. મોડી રાતથી વહેલી સવાર સુધી ચાલેલી તપાસ બાદ તેમને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી 10 દિવસનાં રિમાન્ડની માગ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં જમીન બિનખેતી કરવાના બદલામાં આચરવામાં આવેલા આ કરોડોના ભ્રષ્ટાચારના કેસમાં EDની ત્રણ ટીમોએ સઘન તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, તપાસ દરમિયાન રાજેન્દ્ર પટેલના સરકારી નિવાસસ્થાનેથી મોટી માત્રામાં સોનું અને ચાંદી કબ્જે કરવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અગાઉ 23 ડિસેમ્બરે EDએ એકસાથે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં ડૉ. રાજેન્દ્ર પટેલ સહિત નાયબ મામલતદાર અને કલેક્ટરના પી.એ.ના રહેઠાણોનો સમાવેશ થાય છે.
અધિકારીઓની સંડોવણી અને ધરપકડ
અગાઉ આ કેસમાં તપાસ દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, પૂર્વ કલેક્ટરના પી.એ. જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયૂરસિંહ ગોહિલ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની તો અગાઉ જ ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેમને રિમાન્ડ હેઠળ પૂછપરછ માટે દિલ્હી લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ગુજરાત ATS પાસેથી તપાસ હવે NIA ના હસ્તક!, થઈ શકે છે મોટા ખુલાસા
લાંચના નાણાં ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યા હોવાની આશંકા
તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, દિલ્હીની એક સોલાર કંપનીની જમીન NA કરવા માટે ચંદ્રસિંહ મોરીએ 42 લાખ રૂપિયાની લાંચ લીધી હતી. આ લાંચના નાણાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યા હોવાની આશંકાના આધારે EDએ કલેક્ટર વિરુદ્ધ ગાળિયો કસ્યો છે. સુરેન્દ્રનગર એસીબી (ACB) કચેરી ખાતે પણ રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયેલ છે, જેના આધારે હવે ED મની લોન્ડરિંગના પાસાઓ પર તપાસ કરી રહી છે.
વહીવટી આલમમાં ફફડાટ એક જિલ્લા કલેક્ટર કક્ષાના અધિકારીની ED દ્વારા ધરપકડ થતા રાજ્યના મહેસૂલ વિભાગ અને વહીવટી તંત્રમાં ભારે ફફડાટ ફેલાયો છે. 1500 કરોડની કિંમતની સરકારી અને ખાનગી જમીનોના હિતો સાથે ચેડા કરીને જે રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, તેમાં હજુ પણ અનેક મોટા માથાઓના નામ બહાર આવવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ Gujarat: રૂ.1500 કરોડના જમીન સ્કેમ મામલે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર EDના સકંજામાં આવ્યા