વીજ કનેકશન પેટે 5-5 હજાર પડાવતો DGVCL નો નાયબ ઇજનેર લાંચ લેતા ઝડપાયો
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) નો એક લાંચિયો નાયબ ઇજનેર એન્ટી કરપ્શન બ્યૂરોની ઝપટે ચઢ્યો છે. સુરત કડોદરા-2 DGVCL પેટા વિભાગી કચેરી ખાતે Team ACB એ ડીકોય ગોઠવી રવીશકુમાર છોટકુન રામને 10 હજાર રૂપિયાની લાંચ માગી/સ્વીકારતા ઝડપી પાડ્યો છે. સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશન (Surat Rural ACB Police Station) ખાતે લાંચ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ACB ને સતત ફરિયાદો મળતી હતી
સુરત એસીબીના અધિકારીઓને છેલ્લાં કેટલાંક સપ્તાહથી DGVCL માં ફૂલી ફાલી રહેલા ભ્રષ્ટાચારની ફરિયાદો મળતી હતી. વીજ કનેકશન મેળવનાર અરજદાર પ્રત્યેક અરજી પર રૂપિયા 5 હજાર ના ચૂકવે ત્યાં સુધી તેમને જોડાણ મળતું ન હતું. વર્ષ 2012માં જુનીયર ઇજનેર તરીકે ભરતી થયેલા રવીશકુમારને વર્ષ 2023માં બઢતી મળતા DGVCL કડોદરા-2 પેટા વિભાગીય કચેરી ખાતે નાયબ ઇજનેર તરીકે નિમણૂક થઈ હતી. રવીશકુમારને મહિને રૂપિયા 1 લાખ 6 હજારનો પગાર મળતો હતો. રવીશકુમાર રૂપિયા વિના કોઈપણ કામ કરતા ન હતા હોવાની ફરિયાદો ઊઠી હતી.
કોન્ટ્રાક્ટરની મદદથી ડીકોય ગોઠવાઈ
સુરત જિલ્લાના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં વીજ જોડાણ અપાવવાનું કામ કરતા કોન્ટ્રાક્ટરે DGVCL માં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલમાં મદદ કરી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (Dakshin Gujarat Vij Company Limited) ના કડોદરા-2 પેટા વિભાગીય કચેરીમાં વીજ કનેકશન લેવા માટે બે અરજી કરવામાં આવી હતી. વીજ જોડાણની અરજી મંજૂર કર્યાના અવેજ પેટે રવીશકુમાર છોટકુન રામે એક અરજી પેટે 5 એમ બે અરજીના રૂપિયા 10 હજાર માગ્યા હતા.
આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી 4 દિવસ રહેશે ગરમી : અંબાલાલ પટેલ
પોતાની ઑફિસમાં જ લાંચ સ્વીકારી
એસીબીએ ગોઠવેલી ડીકોય (Decoy) દરમિયાન લાંચ લેવાનો આદી બની ગયેલા રવીશકુમારે 10 હજારની લાંચ માગતા કોન્ટ્રાક્ટરે તુરંત રોકડા પકડાવી દીધા હતા. ઑફિસમાં લાંચ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમ કચેરીમાં ધસી આવી હતી અને રોકડ કબજે કરી રવીશકુમારને અટકમાં લીધા હતા. ડીકોય સફળ જતાં એસીબીની અન્ય ટીમોએ આરોપીની ઑફિસ તેમજ બારડોલી ખાતેના નિવાસસ્થાને સર્ચ શરૂ કર્યું છે.
આ પણ વાંચોઃ Gujarat Corona : સુરતમાં કોરોના સંક્રમણ વધ્યુ, એક જ દિવસમાં વધુ 4 કેસ આવ્યા