દિલ્હી-NCR માં પારો ગગડ્યો! પંજાબ-હરિયાણામાં જોવા મળી હાડ થીજવતી ઠંડી
- દિલ્હી-એનસીઆરમાં કડકડતી ઠંડીથી જનજીવન અસ્તવ્યસ્ત
- દિલ્હી: ઠંડી અને પ્રદૂષણનું દુષણ વઘ્યું
- પંજાબ-હરિયાણામાં ઠંડીનું જોર વધારે
- પ્રદૂષણ અને ઠંડીની જોડ બફાટ: જનતા મુશ્કેલીમાં
- હિસારમાં તાપમાન 1.7°C: ઠંડીનો રેકોર્ડ તૂટ્યો
- IMDની ચેતવણી: ઠંડીથી બચવા માટે તકેદારી રાખો
- પંજાબ-હરિયાણામાં ઠંડીની અસર તીવ્ર બની
- દિલ્હીનો AQI નબળી કેટેગરીમાં: આરોગ્ય માટે ખતરો
Weather Report : દિલ્હી-એનસીઆરના વિસ્તારના લોકો તાજેતરમાં કડકડતી ઠંડીથી અત્યંત પરેશાન છે. ઠંડીનું પ્રમાણ એટલું વધ્યું છે કે લોકોને રોજિંદા કામકાજમાં પણ મુશ્કેલી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો નોંધાયો છે. રવિવારે સાંજે 5:30 વાગ્યે દિલ્હીમાં તાપમાન 4.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેના કારણે સવારે મોર્નિગ વોકમાં જતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે.
દિલ્હીના વિવિધ વિસ્તારોમાં તાપમાનના આંકડા
દિલ્હીના પુસા વેધશાળાના રેકોર્ડ મુજબ, ત્યાંનું લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને 3.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. નરેલાના વિસ્તારમાં પણ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ સાથે, તાપમાનમાં વધુ ઘટાડાના સંકેત મળ્યાં છે, જેના કારણે ઠંડીનો કહેર વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. દિલ્હીમાં માત્ર ઠંડી જ નહીં પરંતુ પ્રદુષણ પણ મોટો પ્રશ્ન બન્યો છે. રવિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) નબળી કેટેગરીમાં નોંધાયો હતો, જે શહેરના લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાઓમાં વધારો કરી શકે છે. વધતી ઠંડી અને વધતા પ્રદૂષણના કારણે લોકોની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે.
પંજાબ, હરિયાણામાં ઠંડીનું મોજું
દિલ્હી જેવી જ સ્થિતિ પડોશી રાજ્યો પંજાબ અને હરિયાણામાં પણ છે. IMD મુજબ, પંજાબના ગુરદાસપુર અને ભટિંડામાં લઘુત્તમ તાપમાન અનુક્રમે 2 ડિગ્રી સેલ્સિયસ અને 4.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પઠાણકોટમાં 3.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તો અમૃતસરમાં 3.9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. પંજાબના લુધિયાણામાં લઘુત્તમ તાપમાન 6.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે પટિયાલામાં તાપમાન 3.8 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું હતું. હરિયાણામાં પણ ઠંડીનું મોજું જોરશોરથી વર્તાઈ રહ્યું છે. રાજ્યના હિસાર જિલ્લામાં લઘુત્તમ તાપમાન માત્ર 1.7 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું હતું, જે આ વિસ્તાર માટે ખૂબ જ ટૂંકા સમયમાં સૌથી ઠંડા દિવસોમાંથી એક હતું. નારનોલમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે હવામાનની ગંભીર પરિસ્થિતિ તરફ ઇશારો કરે છે.
IMDની ચેતવણી અને આગાહી
IMDના નિવેદન મુજબ, આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના છે, અને તે માટે લોકોને તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને અન્ય નબળા આરોગ્યવાળા લોકોને આ ઠંડીથી બચવાના સંપૂર્ણ ઉપાયો કરવાનું સૂચન કરાયું છે.
ઠંડીના મોજાથી બચવા શું કરવું?
અધિકારીઓએ લોકોને વધુમાં વધુ ઘરમાં રહેવાનું, ગરમ કપડાં પહેરવાનું અને શરીરનું તાપમાન જાળવવાની સલાહ આપી છે. એટલું જ નહીં, પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને બહાર નીકળતી વખતે માસ્ક પહેરવા અને પ્રદૂષણગ્રસ્ત વિસ્તારોમાં અવરજવર ટાળવા વિનંતી કરાઈ છે.
આ પણ વાંચો: કડકડતી ઠંડીને લઈને IMD ની આગાહી, રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કેવું રહેશે વાતાવરણ!