Textile Policy સુધારા : મહિલા સ્વસહાય જૂથોને પૂર્ણ ઇન્સેન્ટિવ, સશક્તિકરણને નવો વેગ
- Textile Policy સુધારા : મહાનગરોમાં નોન-પોલ્યુટિંગ યુનિટોને મંજૂરી, ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ઐતિહાસિક પગલું
- ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024ના સુધારાઓને ટેક્સટાઇલ એસોસિએશન અમદાવાદે હર્ષભેર આવકાર્યા
- અમદાવાદ ટેક્સટાઇલ એસોસિએશનની પ્રેસ કોન્ફરન્સ : સરકારી સુધારાઓથી વેપારીઓમાં વિશ્વાસ વધ્યો
- ગુજરાતમાં ટેક્સટાઇલ અને ગારમેન્ટ ઉદ્યોગ માટે વિકાસના નવા દ્વાર ખુલ્યા
Textile Policy સુધારા : ગુજરાત સરકાર દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મુકાયેલી નવી ટેક્સટાઇલ પોલિસી 2024માં કરવામાં આવેલા તાજેતરના સુધારાઓને ટેક્સટાઇલ એસોસિએશન અમદાવાદના સર્વે સભ્યોએ હર્ષ અને સ્વાગત સાથે આવકાર્યા છે. આ સુધારાઓ અંગે ટેક્સટાઇલ એસોસિએશન અમદાવાદ દ્વારા દિનેશ હોલ, અમદાવાદમાં વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
Textile Policy સુધારાઓને આવકાર્યા
એસોસિએશનના ચેરમેન અશ્વિન ઠક્કરે જણાવ્યું કે મહાનગર વિસ્તારોમાં નોન-પોલ્યુટિંગ ટેક્સટાઇલ યુનિટોને મંજૂરી આપવાનો સરકારનો નિર્ણય ઐતિહાસિક અને ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર સાબિત થશે. આ પગલાથી નાના અને મધ્યમ કદના ઉદ્યોગપતિઓને સરકારની વિવિધ સહાય યોજનાઓ જેમ કે કેપિટલ સબસીડી, લોન પર વ્યાજ સબસીડી અને પાવર ટેરીફ સબસીડીનો સીધો લાભ મળશે. આનાથી રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગને નવી દિશા અને વેગ મળશે તેમજ રોજગારીની તકો વધશે.
વેપારીઓમાં વિશ્વાસ વધ્યો
આ પ્રસંગે અમદાવાદ ટેક્સટાઇલ એસોસિએશનના ટ્રસ્ટી ટી.એલ. પટેલે જણાવ્યું કે મહાનગરોમાં કાર્યરત અસંખ્ય યુનિટોને હવે કાયદેસર માન્યતા મળવાથી સંચાલકોને અનેક પ્રાયોગિક લાભ થશે. પહેલાં અનેક અડચણોનો સામનો કરવો પડતો હતો, પરંતુ આ સુધારા બાદ ઉદ્યોગ સ્થિરતા અને વિકાસ તરફ આગળ વધશે. વેપારીઓમાં વિશ્વાસ વધ્યો છે અને નવા રોકાણોની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવા સુધારામાં મળશે અનેક નવા લાભો
નવા સુધારા મુજબ મહાનગર વિસ્તારોમાં પણ નોન-પોલ્યુટિંગ યુનિટોને મંજૂરી આપવામાં આવશે અને તેમને તમામ પ્રકારના ઇન્સેન્ટિવનો લાભ મળશે. વિશેષ કરીને મહિલાઓ દ્વારા સંચાલિત સ્વસહાય જૂથો (SHGs) તેમજ સિંગલ ગ્રુપને પણ પૂર્ણ ઇન્સેન્ટિવ સહાય હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ગારમેન્ટ ઉદ્યોગમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને સરકારે મહિલાઓને માત્ર લાભાર્થી તરીકે નહીં પરંતુ આર્થિક ભાગીદાર તરીકે જોવાનો અભિગમ અપનાવ્યો છે.
આ સુધારાઓથી મહિલા સશક્તિકરણને નવો વેગ મળશે અને ગુજરાતના ટેક્સટાઇલ તેમજ ગારમેન્ટ સેક્ટરમાં વિકાસના નવા દ્વાર ખુલ્લા થશે. એસોસિએશનના મેમ્બરોએ આશા વ્યક્ત કરી છે કે આ પગલાંથી રાજ્યનો ટેક્સટાઇલ ઉદ્યોગ વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક અને સ્થિર બનશે.
આ પણ વાંચો- WEF 2026 Completed : દાવોસથી દુનિયા સુધી ગુંજ્યો ગુજરાતનો અવાજ : રોકાણ માટે ગુજરાત મજબૂત દાવેદાર
અહેવાલ- સંજય જોષી, અમદાવાદ


