રાજ્યમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત, આગામી સપ્તાહથી વધશે ઠંડીનું જોર
રાજ્યમાં નવરાત્રી બાદ હવે ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઇ રહી છે. જોકે, હાલમાં રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગની માનીએ તો રાજ્યમાં રાત્રિના સમયે લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રીની આસપાસ રહેશે. તાજેતરમાં અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણ ફેરફાર જોવા મળી રહ્યો છે.
રાત્રે લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી રહેવાની સંભાવના
આપણે જોતા આવ્યા છીએ કે, નવરાત્રીના સમયે ઠંડીની શરૂઆત થઇ જાય છે. પરંતુ આ વખતે નવરાત્રીના અંતિમ નોરતામાં ખેલૈયાઓને ઠંડીનો થોડો અહેસાસ થયો હતો. જોકે, હાલમાં રાજ્યભરમાં બેવડી ઋતુ એટલે કે બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાત્રે લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી રહેવાની સંભાવના છે. જોકે, ગત રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. વળી આવું પણ અનુમાન છે કે, આવતા સપ્તાહથી ઠંડીનું જોર વધશે પણ ખરી ઠંડી તો ડિસેમ્બરથી જ શરૂ થશે. રાજ્યમાં હજુ 15 દિવસ વાતાવરણ મિશ્ર રહેવાની પૂરી સંભાવના છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ખરી ઠંડીનો અહેસાસ જોવા મળશે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, આગામી દિવસોમાં વરસાદ વરસવાની કોઇ સંભાવના નથી. તાપમાનમાં પણ કોઇ મોટો ફેરફાર થાય એવું લાગતું નથી. આગામી બે દિવસમાં તાપમાન એકાદ ડિગ્રી સુધી નીચે આવી શકે છે. રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની કોઈ સંભાવના નથી.
જાન્યુઆરી મહિનામાં ગાત્રો થીજવતી ઠંડી પડશે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, ઠંડીની વાત કરીએ તો 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. ભારે હિમવર્ષાને કારણે ઠંડી પડશે. ધીમે-ધીમે ગાત્રો થીજવતી ઠંડી આવશે. જાન્યુઆરી મહિનામાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. ફેબ્રઆરીની શરૂઆતમાં તો વધારે ઠંડી પડવાની શક્યતા રહેશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંત અને માર્ચના શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે.
આ પણ વાંચો - શહેરમાં વધતાં ટ્રાફિક નિયમનના ભંગને અટકાવવા ટ્રાફીક પોલીસની મેગા ડ્રાઈવ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે


