જુનાગઢમાં દુ:ખદ ઘટના : એકતરફી પ્રેમમાં યુવકે ટ્યુશન ક્લાસમાં જ કર્યું આત્મવિલોપન
- રાયજી નગર ખાતે યુવકે જ્વલનશીલ પદાર્થ વડે આગ લગાવી કર્યું આત્મવિલોપન
- જુનાગઢ : જાબીન કાદરી નામના યુવકે ટ્યુશન ક્લાસમાં કરી આત્મહત્યા, એકતરફી પ્રેમનું કારણ
- ટ્યુશન ક્લાસમાં અફરાતફરી : યુવકે આગ લગાવીને કર્યું આત્મવિલોપન, પોલીસે શરૂ કરી તપાસ
- યુવાનોમાં વધતી માનસિક તણાવની ચેતવણી : એકતરફી પ્રેમમાં યુવકની આત્મહત્યા
જુનાગઢ શહેરમાં એક દુ:ખદ અને હચમચાવી દેનારી ઘટના બની છે. રાયજી નગર વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં ચાલતા પ્રાઈવેટ ટ્યુશન ક્લાસમાં જ એક યુવકે આત્મવિલોપન કરીને આત્મહત્યા કરી લીધી છે. મૃતકની ઓળખ જાબીન કાદરી તરીકે થઈ છે.
ટ્યુશન ક્લાસમાં જ આત્મવિલોપન
પ્રાપ્ત માહિતી અનુસાર, યુવકે એકતરફી પ્રેમના કારણે માનસિક રીતે ભારે તણાવ અનુભવી રહ્યો હતો. આ તણાવના કારણે તેણે ટ્યુશન ક્લાસમાં જ જ્વલનશીલ પદાર્થ વડે આગ લગાવીને આત્મહત્યા કરી લીધી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. આ ઘટના બનતાં જ આખા કોમ્પ્લેક્સમાં અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના લોકો અને ટ્યુશનમાં ભણતા વિદ્યાર્થીઓમાં ભારે ભય અને આઘાતનો માહોલ સર્જાયો હતો.
જૂનાગઢ પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ જુનાગઢ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે અને પોલીસે આત્મહત્યાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર પ્રેમના કારણે જ યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જોકે, તે છતાં પણ પોલીસે વિસ્તારપૂર્વક તપાસ ચાલું કરી છે.
યુવાઓમાં વધી રહ્યું છે માનસિક તણાવ
આ ઘટના ફરી એકવાર યુવાનોમાં વધતા માનસિક તણાવ, એકતરફી પ્રેમની અસર અને ભાવનાત્મક દબાણના મુદ્દાને ગંભીર રીતે ઉજાગર કર્યો છે. આજના સમયમાં યુવાનો એકતરફી સંબંધો, અભ્યાસનું દબાણ, ભવિષ્યની ચિંતા અને સોશિયલ મીડિયાની અસરને કારણે ભારે માનસિક તણાવનો શિકાર બની રહ્યા છે.
પોલીસ કરશે દૂધનું દૂધ પાણીનું પાણી
આ ઘટનાને લઈને જૂનાગઢ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવકે અચાનક કેમ આત્મવિલોપન કર્યું, તે પ્રશ્નનો તથ્યપૂર્ણ જવાબ અને માહિતી મેળવવા માટે પોલીસે પોતાની તપાસ ચાલું કરી છે. શું યુવકને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આવ્યો હતો કે, તેને પોતાની રીતે જ આત્મહત્યા કરી લીધી છે? જેવા પ્રશ્નોના જવાબ મેળવવા માટે પોલીસે તપાસ આરંભી છે. આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે પોલીસ મૃતકના સંબંધિત પરિચિતોની પૂછપરછ કરીને સત્ય સુધી પહોંચવાની કોશિશ કરશે.
આ પણ વાંચો-Rajkot: સેવા અને સમર્પણનું અજોડ ઉદાહરણ, વિરપુરમાં 206 વર્ષથી ધબકતું સદાવ્રત!


