અમેરિકામાં ઇઝરાયલી દૂતાવાસના 2 અધિકારીઓની ગોળી મારીને હત્યા
- અમેરિકામાં ઇઝરાયલના બે અધિકારીઓની ગોળી મારીને હત્યા
- કાર્યક્રમ સ્થળેથી બહાર નીકળતા જ અજાણ્યા હુમલાખોરે બંદુક કાઢી ગોળી મારી દીધી
- હુમલાખોરે ફ્રી પેલેસ્ટાઇનના નારા લગાવ્યા હોવાનું સામે આવ્યું છે
Two Israeli embassy staff killed : તાજેતરમાં ઇઝરાયલી દૂતાવાસના બે અધિકારીઓની અમેરિકામાં ગોળી મારીને હત્યા (Two Israeli embassy staff killed) કરી દેવામાં આવી છે. આ અંગે વોશિંગ્ટન પોલીસ વડા પામેલા સ્મિથે જણાવ્યું કે, પ્રારંભિક તપાસમાં સામે આવ્યું કે, આ ઘટના બની ત્યારે બંને એક કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી બહાર નીકળી રહ્યા હતા. અમારું માનવું છે કે, આ હુમલો એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો છે, જેને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યો છે. ગોળીબાર પહેલા હુમલાખોર મ્યુઝિયમની બહાર ફરતો જોવા મળ્યો છે. જેવા લોકો મ્યુઝિયમમાંથી બહાર આવ્યા, કે તેણે એક બંદુક કાઢીને તેમાંથી ગોળી મારી દીધી છે. ગોળીબાર પછી તે મ્યુઝિયમની અંદર ગયો હતો. જ્યાં સુરક્ષા કર્મચારીઓએ તેને અટકાયતમાં લઇ લીધો છે.
દુઃખની વાત છે કે આવી ઘટનાઓ હજુ પણ બને છે
આ ઘટના અંગે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US PRESIDENT DONALD TRUMP) કહ્યું કે, વોશિંગ્ટન ડીસીમાં યહૂદી વિરોધી હત્યાઓ હવે બંધ થવી જોઈએ. અમેરિકામાં નફરત અને ઉગ્રવાદ માટે કોઈ સ્થાન નથી. પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. દુઃખની વાત છે કે આવી ઘટનાઓ હજુ પણ બને છે. અત્રે નોંધનીય છે કે, આ ગોળીબાર યહૂદી સંગ્રહાલયની બહાર થયો હતો, જ્યાં એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેનું આયોજન અમેરિકન યહૂદી સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. એફબીઆઈનું જોઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે.
હત્યાની સખત નિંદા કરીએ છીએ
અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ ઇઝરાયલી કર્મચારીઓ પરના હુમલાની કડક નિંદા કરી છે. તેમણે કહ્યું કે, અમે વોશિંગ્ટન ડીસીમાં ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યાની સખત નિંદા કરીએ છીએ. અમારી સંવેદના પીડિતો સાથે છે. આ કાયરતાપૂર્ણ યહૂદી વિરોધી હિંસા છે. અમે આ હુમલા માટે જવાબદાર લોકોને ન્યાયના કઠેડામાં લાવીશું.
સ્થાનિક અધિકારીઓ પર સંપૂર્ણ વિશ્વાસ
વોશિંગ્ટનમાં ઇઝરાયલી દૂતાવાસના પ્રવક્તા તાલ નઇમ કોહેને જણાવ્યું હતું કે ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓને નજીકથી ગોળી મારી દેવામાં આવી છે. આ બંને કર્મચારીઓ એક યહૂદી કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. અમને સ્થાનિક અધિકારીઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેઓ હુમલાખોરોને પકડી લેશે, અને ઇઝરાયલના પ્રતિનિધિઓ અને યહૂદી સમુદાયે રક્ષણ પુરૂ કરશે.
ઝડપી તપાસ કરી રહ્યા છીએ
હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના સચિવ ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે, વોશિંગ્ટન ડીસીમાં યહૂદી સંગ્રહાલય નજીક ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યા કરવામાં આવી છે. અમે આની ઝડપી તપાસ કરી રહ્યા છીએ અને જેમ જેમ હકીકતો સામે આવશે તેમ વધુ માહિતી શેર કરીશું.
ગોળીબારની જાણ કરવામાં આવી
એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે જણાવ્યું હતું કે, મારી ટીમને વોશિંગ્ટનમાં યહૂદી સંગ્રહાલયની બહાર ગોળીબારની જાણ કરવામાં આવી છે. અમે MPD સાથે મળીને બારીકાઇ પૂર્વક કામ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો --- ભારે વરસાદ વચ્ચે SKY નો સ્માર્ટ મૂવ, હર્ષા ભોગલેએ કહ્યું “ધન્યવાદ”