Morbi: ભત્રીજાના પ્રેમમાં કાકાનું મર્ડર, હળવદના સુરવદરમાં પ્રેમ પ્રકરણમાં હત્યા
- મોરબીમાં ભત્રીજાના પ્રેમમાં કાકાનું મર્ડર
- ભત્રીજો પરિણીતાને ભગાડી જતાં કાકાની હત્યા
- હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
- પોલીસે હત્યાના આરોપીઓને ઝડપી લીધા
મોરબીના હળવદના સુરવદર ગામમાં રહેતા કિરણ ધામેચાના ઘરે 8થી 9 જેટલા લોકો હાથમાં છરી અને ધોકા લઈ ઘુસી આવ્યા. ઘરમાં હાજર લોકો સાથે મારામારી કરવા લાગ્યા. કિરણનું અપહરણ કરવા જતા આરોપીઓને રોકવા તેના કાકા ચંદુભાઈ વચ્ચે પડ્યા. આરોપીઓએ ચંદુભાઈના છાતીના ભાગે છરીના ઘા મારી હત્યા કરી નાંખી..તેમનો દીકરો અને દીકરી છોડાવવા જતા આરોપીઓએ તેના પગ તેમજ માથાના ભાગે છરીથી હુમલો કર્યો અને ઢોર માર માર્યો હતો. જો કે, અવાજ થતા સ્થાનિકો ભેગા થઈ જતા આરોપીઓ ભાગી ગયા હતા.
પોલીસે પરિવારજનોના નિવેદન લીધા
બીજી તરફ, લોહી લુહાણ હાલતમાં ચંદુભાઈ, તેમની દીકરી સંજના અને પુત્ર જયસુખને હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, ચંદુભાઈનું તો ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પરંતુ, તેમની દીકરી અને પુત્ર હાલ સારવાર હેઠળ છે. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ હોસ્પિટલ ગઈ. પરિવારજનોના નિવેદન લીધા. કિરણ ધામેચાએ નવ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે પોલીસે કુલ નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ બધી માથાકૂટ પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
છ આરોપીઓની શોધખોળ ચાલુ
હળવદ પોલીસે ગણતરીના કલાકોમાં જે ત્રણ આરોપીને પકડયા છે. તેમાં રમેશ કોળી, શામજી કોળી અને સાગર કોળીનો સમાવેશ થાય છે. આ ગુનામાં ફરાર વિશાલ અને આશિષ સહિત છ આરોપીઓની શોધખોળ પોલીસ કરી રહી છે. મનોજ ધામેચાને રાયધ્રા ગામની પરિણીતા સાથે પ્રેમસંબંધ હતા. મનોજ પરિણીતાને ભગાડી લાવ્યો હતો. જેને લઈ પરિણીતાના પરિવારજનોએ મનોજના ઘરે વહેલી સવારે હથિયારો સાથે ધસી આવ્યા. મનોજ અને પરિણીતા ન મળી આવતા મનોજના ભાઈ કિરણનું અપહરણ કરી લઈ જતા હતા. ત્યારે, ઘરમાં હાજર તેના કાકા ચંદુભાઈ વચ્ચે પડતા આરોપીઓએ તેમને છરીના ઘા મારી દીધા. ત્યારબાદ, ચંદુભાઈની દીકરી અને દીકરા પર ઘાતકી હુમલો કરી મૂઢ માર માર્યો હતો. જેમાં ચંદુભાઈનું મોત નિપજ્યું અને તેમનો દીકરો અને દીકરી ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ પણ વાંચોઃ Surat: દર્દી કણસતો રહ્યો અને તબીબો પોતાની મસ્તીમાં મસ્ત, હોસ્પિટલના સત્તાધીશોએ મોડે મોડે ખુલાસો કર્યો
પ્રેમ સંબંધની કિંમત તેના પરિવારે ચૂકવવાનો વારો આવ્યો
યુવતી પરિણીત હોવા છતાં મનોજે તેની સાથે પ્રેમસંબંધ બાંધ્યા અને પછી તેને ભગાડી લાવ્યો હતો. તેના કારણે આખો મામલો બિચક્યો. પરિણીતાના પરિવારજનોએ આવેશમાં આવી કાયદો હાથમાં લીધો હતો.મનોજના કાકાની હત્યા કરી નાંખી તેમજ બાકીના લોકો પર જીવલેણ હુમલો કર્યો. આમ, મનોજ અને પરિણીતાના પ્રેમ સંબંધની કિંમત તેના પરિવારે ચૂકવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચોઃ Vadodra: સાવલી રોડ પર ટ્રક-રીક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમા બે ના મોત, ત્રણ ઈજાગ્રસ્ત