કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે બર્લિન સંવાદમાં આપ્યું મોટું નિવેદન, ભારત દબાણમાં કે ઉતાવળમાં વેપાર કરાર નહીં કરે
- Berlin Dialogue: જર્મનીમાં પીયૂષ ગોયલે 'બર્લિન સંવાદ' માં હાજરી આપી
- કોઈપણ વેપાર કરારને લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી જોવો જોઈએ
- ટેરિફ મામલે ભારત વૈકલ્પિક અને નવા બજારો શોધી રહ્યું છે
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે (Piyush Goyal Trade Agreement) શુક્રવારે જર્મનીમાં 'બર્લિન સંવાદ' માં (Berlin Dialogue)હાજરી આપી હતી અને આ પ્રસંગે બોલતા જણાવ્યું હતું કે ભારત તેના વેપાર કરારો રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખીને જ કરશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારત કોઈ પણ સંજોગોમાં ઉતાવળમાં કે બાહ્ય દબાણમાં આવીને વેપાર કરારો પર હસ્તાક્ષર કરતું નથી અને યુરોપિયન યુનિયન (EU) તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ સહિતના વિવિધ દેશો સાથે સક્રિયપણે વાટાઘાટો કરી રહ્યું છે.
Berlin Dialogue: જર્મનીમાં પીયૂષ ગોયલે US વેપાર પર કરી આ મોટી વાત
જર્મનીમાં 'બર્લિન સંવાદ'માં ભાગ લેતા મંત્રી ગોયલે કહ્યું, "અમે યુરોપિયન યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિતના વિવિધ દેશો અને જૂથો સાથે સક્રિય રીતે વાટાઘાટો કરી રહ્યા છીએ. પરંતુ અમે ઉતાવળમાં કોઈ કરાર કરતા નથી, કે અમે સમયમર્યાદા નક્કી કરીને કે દબાણમાં કોઈ કરાર કરતા નથી.મંત્રી ગોયલે ભારપૂર્વક જણાવ્યું કે, કોઈપણ વેપાર કરારને લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી જોવો જોઈએ. તેમણે ઉમેર્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફનો સામનો કરવા માટે ભારત વૈકલ્પિક અને નવા બજારો શોધી રહ્યું છે.
Berlin Dialogue: પીયુષ ગોયલે સ્વતંત્ર ભારતની વિદેશ નીતિ પર આપ્યું નિવેદન
રાષ્ટ્રીય હિત અંગે બોલતા તેમણે વધુમાં કહ્યું, "મને નથી લાગતું કે ભારતે ક્યારેય રાષ્ટ્રીય હિત સિવાય અન્ય કોઈ બાબતના આધારે નિર્ણય લીધો છે કે તેના સાથી કોણ હશે. જો કોઈ મને કહે કે તમે યુરોપિયન યુનિયન કે કેન્યા જેવા દેશો સાથે મિત્રતા કરી શકતા નથી, તો તે અસ્વીકાર્ય છે.કેન્દ્રીય મંત્રીની ટિપ્પણીઓ ખાસ કરીને મહત્ત્વની છે, કારણ કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી બંધ કરવા તૈયાર છે, જેનો ભારતે ઇનકાર કર્યો હતો.આ અંગે ગોયલે સ્પષ્ટતા કરી કે કોઈપણ દેશમાંથી ચોક્કસ ઉત્પાદન ખરીદવાનો નિર્ણય વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે, જે એક રીતે ભારતની સ્વતંત્ર વિદેશ અને વેપાર નીતિનો સંકેત આપે છે.
ભારતીય અર્થતંત્ર અંગે કેન્દ્રીય મંત્રી ગોયલે કહ્યું કે, ભલે ભારતનું અર્થતંત્ર નાણાકીય મૂલ્યની દૃષ્ટિએ $4 ટ્રિલિયનનું હોય, પરંતુ ખરીદ શક્તિ સમાનતા (Purchasing Power Parity - PPP) ના સંદર્ભમાં ભારતનું અર્થતંત્ર પહેલેથી જ $15 ટ્રિલિયન છે. તેમણે કહ્યું કે ભારતીયોની વધતી મહત્વાકાંક્ષાઓ જેમ કે વધતા પગાર, સારી રહેવાની સ્થિતિ દેશના વિકાસને આગળ ધપાવી રહી છે, જેને વિશ્વએ ઓળખવી જ જોઇએ.
આ પણ વાંચો: બિહાર ચૂંટણીમાં સ્વર્ગસ્થ કર્પૂરી ઠાકુરની ભૂમિ પરથી PM મોદીએ ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું,RJD પર કર્યા પ્રહાર