અમેરિકામાં હાહાકાર! નોકરી છટણીનો 22 વર્ષનો રેકોર્ડ તૂટ્યો,ઓક્ટોબરમાં 1.53 લાખ લોકોએ નોકરી ગુમાવી!
- US JOB Layoffs: અમેરિકામાં 1.55 લાખ લોકોએ નોકરી ગુમાવી
- યુએસ કંપનીઓમાં રેકોર્ડબ્રેક કર્મચારીઓની છટણી કરાઇ
- શેરબજારાં પણ હાહાકાર,વૈશ્વિક મંદીના એંધાણ
અમેરિકા હાલમાં આર્થિક અરાજકતા, વધતી બેરોજગારી (US JOB Layoffs) અને રાજકીય પડકારોના સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. લોકો સતત પોતાની નોકરીઓ ગુમાવી રહ્યા છે, અને ટ્રમ્પ વહીવટીતંત્ર માટે પડકારો વધી રહ્યા છે. અમેરિકામાં વધતી જતી આર્થિક કટોકટીની અસર વિશ્વના તમામ દેશો પર પડવાની શક્યતા છે. અમેરિકમાં દોઢ લાખથી વધુ કર્મચારીઓએ નોકરી ગુમાવી છે. અમેરિકામા AIની સાઇડ અસર જોવા મળી રહી છે.
ઇતિહાસ સાક્ષી છે કે કોઈપણ આર્થિક કટોકટીનો પહેલો સંકેત શેરબજારમાં જોવા મળે છે, અને હાલમાં યુએસ શેરબજારમાં આવું જ થઈ રહ્યું છે. બજારોમાં મોટા પાયે વેચવાલી જોવા મળી રહી છે. ગુરુવાર, 6 નવેમ્બરના રોજ, યુએસ શેરબજારમાં ભારે ઘટાડો આવ્યો હતો. S&P 500 લગભગ 1.1% ઘટ્યો હતો, નાસ્ડેક ઇન્ડેક્સ 1.9% ઘટ્યો હતો, અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં પણ લગભગ 0.8% ઘટાડો જોવા મળ્યો હતો. આ પહેલા, 5 નવેમ્બરના રોજ પણ, યુએસ શેરબજારમાં ઘટાડો ચાલુ રહ્યો હતો.યુએસ શેરબજારમાં જોવા મળતા આ મોટા પાયે વેચવાલી અને ઘટાડા માટે ત્રણ મુખ્ય પરિબળો જવાબદાર છે.
US JOB Layoffs : બજારમાં ઘટાડાનાં ત્રણ મુખ્ય પરિબળો
1. AI શેરોની અસ્થિરતા
બજારમાં સૌથી મોટી ચિંતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની આસપાસના મૂલ્યાંકનને લઈને છે, જેને હવે પરપોટો ફૂટવાનો ભય કહેવામાં આવી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં AI-સંબંધિત શેરોમાં મજબૂત તેજી જોવા મળી છે, પરંતુ રોકાણકારો હવે AI કંપનીઓના ઊંચા મૂલ્યાંકન અને ભવિષ્યમાં વળતર આપવાની તેમની ક્ષમતા અંગે શંકા સેવી રહ્યા છે. રોકાણકારોનો ડર છે કે કેટલીક મોટી ટેક કંપનીઓ દ્વારા જોવા મળેલો ઉછાળો વાસ્તવિક વૃદ્ધિ સાથે મેળ ખાતો નથી, એટલે કે મૂલ્યાંકન અસાધારણ રીતે વધી ગયું છે. આથી, મજબૂત પરિણામો આપવા છતાં, ઘણી AI-સંબંધિત કંપનીઓના શેરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
2. યુએસ કંપનીઓમાં રેકોર્ડબ્રેક છટણી
યુએસ અર્થતંત્રમાં મંદીના ભયથી નોકરીની કટોકટી વકરી રહી છે. નોકરી ગુમાવવાનો આંકડો ચોંકાવનારો છે: ઓક્ટોબર 2025 માં, યુએસમાં આશરે 1.53 લાખ (1,53,074) લોકોએ તેમની નોકરી ગુમાવી, જે છેલ્લા 22 વર્ષમાં કોઈપણ ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ નોકરીઓ કર્મચારીઓની ગઇ છે. અત્યાર સુધીમાં, 2025 માં લગભગ 1.1 મિલિયન (11 લાખ) નોકરીઓ કાપવામાં આવી છે, જે ગત વર્ષની તુલનામાં આશરે 65% નો વધારો દર્શાવે છે. આ છટણી માત્ર ટેકનોલોજી સુધી મર્યાદિત નથી; છૂટક વેપાર, સેવા ક્ષેત્ર, વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ સહિતના અનેક ઉદ્યોગો પ્રભાવિત થઈ રહ્યા છે. વધતા ખર્ચ અને આર્થિક અનિશ્ચિતતા તેમજ AI દ્વારા ઓટોમેશનને કારણે કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે મજબૂર બની છે.
3. વધતું દેવું અને આર્થિક દબાણ
ત્રીજું મોટું પરિબળ યુએસ અર્થતંત્ર પર વધી રહેલું દબાણ છે, જે વ્યાજ દરમાં વધારો થવાની સંભાવનાથી વધ્યું છે. યુએસનું દેવું $38 ટ્રિલિયનને વટાવી ગયું છે, જે GDP ના આશરે 324% સુધી પહોંચે છે. જો યુએસ સમયસર આ દેવા અને આર્થિક સમસ્યાઓને ઉકેલવામાં નિષ્ફળ જાય, તો માત્ર આર્થિક જ નહીં, પરંતુ રાજકીય અને સામાજિક પડકારો પણ ઝડપથી ઉભરી શકે છે. આ સાથે ફુગાવામાં વધારો થવાનો ભય પણ વધી રહ્યો છે.
આ પણ વાંચો: ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાની મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ, 54થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત