VADODARA : OPERATION SINDOOR થી પ્રેરાઇને 10 વર્ષના બાળકે પોતાની બચત સૈનિકો માટે આપી
- વડોદરાના બાળકે અનોખી દેશભક્તિનો પરિચય કરાવ્યો
- વીર સૈનિકો માટે પોતાની બચત જમા કરાવી
- માતાપિતાએ કહ્યું કે, તારી ગુલખ સૈનિકોના કલ્યાણ માટે દાનમાં આપીએ !
VADODARA : આતંકવાદ સામે ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદુર (OPERATION SINDOOR) થકી કરાયેલી કાર્યવાહીથી પ્રેરાઇને વડોદરા શહેરના માત્ર ૧૦ વર્ષના એક બાળકે તેમની ચાર વર્ષની બચતની ગુલખ સૈનિકોના કલ્યાણ (SAINIK WELFARE) માટે અર્પણ કરી છે. આ બાળકની દેશભક્તિ નિહાળીને વડોદરાના કલેક્ટર ડો. અનિલ ધામેલિયા પણ આશ્ચર્ય ચકિત રહી ગયા હતા. અહીંના અકોટા વિસ્તારમાં રહેતા અને શેર બજારના પોર્ટફોલિયો મેનેજમેન્ટનો વ્યવસાય કરતા નયન શાહ અને આનંદા શાહનો ૧૦ વર્ષનો પુત્ર અંશ શાહ ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. અંશની આયુ ભલે નાની હોય પણ ભગવાને તેમને હ્રદય દરિયા જેવું વિશાળ આપ્યું છે.
સખાવતી સદ્દગુણને પોષતા રહે છે
અંશની દરિયાદિલી એટલી છે કે, તે પોતાના જૂના પુસ્તકો, વસ્ત્રો સહિતની વસ્તુ સમયાંતરે દાન કરતો રહે છે. તેમની દાનવૃત્તિ પણ ગજબ છે. તેમના માતાપિતા તેમના આવા સદ્દકાર્યો માટે પ્રેરણા આપતા રહે છે અને સખાવતી સદ્દગુણને પોષતા રહે છે.
તીવ્ર દેશભક્તિ જાગૃત થઇ
તાજેતરમાં પહલગામમાં થયેલા આતંકી હુમલા અને તે બાદ તેનો જવાબ આપવા ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદુર થકી કરાયેલી કાર્યવાહીની વિગતો અંશને સમાચાર માધ્યમોથી મળી અને તેમાં તીવ્ર દેશભક્તિ જાગૃત થઇ ઉઠી. હું આપણા આવા વીર સૈનિકો માટે શું કરી શકું ? એવો પ્રશ્ન તેમણે પોતાના માતાપિતાને પૂછ્યો. સવાલ સાંભળી નયનભાઇ અને આનંદાબેન પણ ચોકી ઉઠ્યા. માતાપિતાએ કહ્યું કે, તારી ગુલખ સૈનિકોના કલ્યાણ માટે દાનમાં આપીએ ! આ સાંભળી અંશ રાજી થઇ ગયો.
કલેક્ટર ડો. અનિલ ધામેલિયાને દાનમાં આપી દીધું
અંશ છેલ્લા ચારેક વર્ષથી બચત કરે છે અને તે રકમ ગુલખમાં જમા કરે છે. આ ચાર વર્ષની તેમની બચત લઇ માતા સાથે સવારે વડોદરા કલેક્ટર ઓફિસે પહોંચી ગયો અને ગુલખ તોડ્યા વિના એમ ને એમ જ, કલેક્ટર ડો. અનિલ ધામેલિયાને દાનમાં આપી દીધી. કલેક્ટરશ્રીએ પણ આ ૧૦ વર્ષના બાળકની દેશભક્તિને બિરદાવીને એક પુસ્તક ભેટ આપ્યું હતું.
આ પણ વાંચો --- IPL 2025 Awards List : ફાઇનલ બાદ ખેલાડીઓ પર થઇ ધનવર્ષા! જાણો કોણ થયું માલામાલ