VADODARA : 'વડોદરા પર દયા કરો, રાજીનામું આપી દો', જાગૃત નાગરિકની મેયરને સલાહ
- વડોદરામાં પૂર સામે વિશ્વામિત્રી પ્રોજેક્ટની તૈયારીઓને લઇને મેયરે મૌન સેવ્યું
- પ્રથમ નાગરિકના મૌનથી લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી
- નાગરિકોનો અવાજ બનીને મહેન્દ્રસિંહ રાઠોડ મેયરને મળ્યા, અને રાજીનામું આપવા વિનંતી કરી
VADODARA : વડોદરામાં (VADODARA) પૂર રોકવા માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટની (VISHWAMITRI PROJECT) શરૂઆત કરવામાં આવી છે. કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ તાજેતરમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોનીને (MAYOR - PINKIBEN SONI) મીડિયા તથા નાગરિકો દ્વારા આ વર્ષે પૂરની (FLOOD - 2025) શક્યતાઓ અંગે સવાલ પુછતા તેમનું મોંઢું સિવાયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ (SOCIAL MEDIA VIRAL VIDEO) થયો હતો. આ ઘટના બાદ શહેરના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ પાલિકા કમિશનર અને મેયરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મેયરને પૂરનું પાણી વિશ્વામિત્રી ગ્રહણ કરવા સક્ષમ છે કે નહિં તે અંગેનો સવાલ પુછ્યો હતો. જેની સામે મેયર મૌન રહેતા આખરે તેમણે હાથ જોડીને વિનંતી કરતા કહ્યું કે, 'જો તમે જવાબ આપી શકતા ના હોવ તો બહેન પ્લીઝ તમે વડોદરા પર દયા કરો, બહેન, આપ રાજીનામું આપી દો'. આમ, મેયરનું મૌન હવે તેમની મુસીબતો વધારી રહ્યું હોય તેમ લાગે છે.
ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા મૌન સેવી લેવામાં આવ્યું
વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ આ ચોમાસામાં પૂર આવશે કે કેમ, તે અંગે કોઇ ખોંખારીને કશું બોલી રહ્યું છે. બે મહિના પહેલા ચાર્જ સંભાળનાર પાલિકા કમિશનરે અગાઉ વિશ્વામિત્રી પ્રોજેક્ટની મુલાકાત વેળાએ પૂર ના આવે તે અંગે ભગવાનને પ્રાર્થના કરીશું તેવો જવાબ આપ્યો હતો. હવે ચોમાસાની રૂતુ શરૂ થઇ ગઇ છે. ત્યારે વડોદરામાં પૂર સામેની શું તૈયારીઓ છે, તે જાણવા માટે નાગરિકો ઉત્સુક બન્યા છે. પરંતુ સત્તાપક્ષના ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા મૌન સેવી લેવામાં આવ્યું છે. જેથી હવે લોકોના મનમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. લોકોના રોષનો અવાજ બનીને મહેન્દ્રસિંહ રાઠોડ પાલિકાની કચેરીએ પહોંચ્યા હતા. અને તેમણે વડોદરાવાસીઓના મનની વાત મેયર સમક્ષ મુકી હતી.
અમને નિડરતા અને ખેલદિલી સાથે જવાબ આપવા જોઇએ
જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે મેયરને પુછ્યું કે, શું વિશ્વામિત્રી નદી પૂરનું પાણી ગ્રહણ કરવાને લાયક થઇ ગઇ છે. તેની બાંહેધારી આપો છો, જો તમે તેનો જવાબ પણ ના આપી શકતા હોવ તો, પ્લીઝ બહેન મારા વડોદરાના આવા મેયરની જરૂર નથી. અમને નિડરતા અને ખેલદિલી સાથે જવાબ આપવા જોઇએ. જો તમે જવાબ આપી શકતા ના હોવ તો બહેન પ્લીઝ તમે વડોદરા પર દયા કરો, બહેન, આપ રાજીનામું આપી દો. અથવા તો અમને જવાબ આપો.
આ પણ વાંચો --- VADODARA : રોડ પરના ખાડામાં પડતા રીક્ષા પલટી, ચાલકનું મોત


