VADODARA : બિયાસ કુંડ ટ્રેકિંગ, દિકરીએ નાની ઉંમરે બહાદુરી દાખવી શિખર સર કર્યો
- વડોદરાના સાહસિકોએ નવો ઇતિહાસ સર્જ્યો
- હવામાન સામે પડકારોનો સામનો કરીને બિયાસ કુંડ ટ્રેક પર સફળ ચઢાણ
- 4 મેના રોજ ટીમે મનાલી નજીક સોલાંગ ધોધથી યાત્રાની શરૂઆત કરી
VADODARA : વડોદરા (VADODARA) ની "ઈકો એડવેન્ચર ટ્રેઇલ"ના (ECO ADVENTURE TRAIL) નેતૃત્વ હેઠળ એક અનોખા અને પ્રેરણાદાયી ટ્રેકિંગ અભિયાન બિયાસ કુંડ ટ્રેક (Beas Kund Trek) ની સફળ પૂર્ણાહુતિ થઇ છે. 4 મે થી 12 મે 2025 દરમિયાન આ અભિયાનમાં ભારતના ત્રણ રાજ્યોમાંથી આવેલા 19 સાહસિકોએ ભાગ લીધો હતો. વિવિધ ટીમમાં બેંગ્લોર (૩), પુણે (૧), કલ્યાણ-મુંબઈ (૧) અને વડોદરા (૧૪) ના સહભાગીઓનો સમાવેશ થતો હતો.
સાહસના ચાહકો માટે પ્રેરણાસ્ત્રોત
અહીં ખાસ વાત એ છે કે, દરેક વયના સભ્યો સામેલ હતા – સૌથી નાની 2 વર્ષની બાળકી સાવી સિકેનિસ થી લઈને 60 વર્ષના વરિષ્ઠ ટ્રેકર વિજય ભટ્ટ સુધી ! સાવીની સાથે તેની બહેન 9 વર્ષની ત્વિષા સિકેનિસ અને માતા પિતા પણ જોડાયા હતા, જેમણે 10,000 ફૂટની ઊંચાઈ સુધી ટ્રેક કરીને દેશભરમાં સાહસના ચાહકો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે.
12,300 ફૂટની ઊંચાઈએ પર્વત શિખર
આ સમગ્ર યાત્રાનું નેતૃત્વ જાણીતી પર્વતારોહણ નિષ્ણાત પ્રાચી અને પ્રાર્થનાએ કર્યું હતું. બદલાતી હવામાન પરિસ્થિતિઓ, કરા, તીવ્ર ઠંડી અને બરફથી ઢંકાયેલા પાથરો વચ્ચે પણ ટ્રેકર્સે આ મિશન વિજયપૂર્વક પૂર્ણ કર્યું અને પવિત્ર બિયાસ નદીના ઉદ્ગમસ્થાન "બિયાસ કુંડ" પર પહોંચ્યા હતા. 12,300 ફૂટની ઊંચાઈએ પર્વત શિખરથી જોતાં મનમોહક હિમશૃંખલાના દૃશ્યોએ દરેકનું મન મહેકાવી દીધું.
ટ્રેકનો પ્રારંભ
4 મેના રોજ ટીમે મનાલી નજીક સોલાંગ ધોધથી યાત્રાની શરૂઆત કરી હતી. આગળના દિવસોમાં 9,000 ફૂટના બેઝકેમ્પથી ધુંડી કેમ્પ સુધી (૧૦,૦૦૦ ફૂટ) ટ્રેક કરીને, 8 મેના રોજ સવારે 9:30 વાગ્યે અંતિમ ચઢાઈ માટે કૂચ કરી હતી. ટ્રેક દરમ્યાન હળવા કરા અને ઠંડી પવન સાથે ઝમાવટનો અનુભવ પણ થયો – પણ ઉત્સાહ અડગ રહ્યો હતો. બપોરે 2 વાગ્યે ટ્રેકર્સ પવિત્ર બિયાસ કુંડ પર પહોંચ્યા. જ્યાં પર્વતોથી ઘેરાયેલું આ શાંત અને નમ્ર સ્થળ શારિરિક રીતે પણ અને ભાવનાત્મક રીતે પણ દરેક માટે આધ્યાત્મિક ઊંચાઈનો અનુભવ હતો.
મૌસમમાં પલટો, પણ ઉમંગ અઢળક
3 વાગ્યે વરસાદ વચ્ચે ઉતરાણ શરૂ થયું, છતાં જબરદસ્ત સહકાર અને ઉત્સાહ સાથે સમગ્ર ટીમ 7:00-7:30 વચ્ચે બેઝકેમ્પ પર પાછી ફરી. ત્યાં એક નાનકડી, પણ દિલથી ભરેલી ઉજવણી પણ કરવામાં આવી. આ સાબિત કરે છે કે સાહસમાં માત્ર મંજિલ નહીં, યાત્રાની સાથે મળેલી યાદો પણ અનમોલ હોય છે. આ ટ્રેક માત્ર પર્વતો સર કરવાનું નહીં, પણ સંવેદનાને સ્પર્શતો અનુભવ બની રહ્યો. બાળકોથી લઈને વયવૃદ્ધ સભ્યો સુધી દરેકે પોતપોતાના અંદરના દ્રઢવિશ્વાસ, ધીરજ અને પર્વતોના પ્રેમને અનુભવીને આ યાત્રાને જીવનભર માટે યાદગાર બનાવી. આ બિયાસ કુંડ સાહસ એક એવું પ્રેરણાસ્ત્રોત છે, જે દર્શાવે છે કે ઉંમર સાહસ માટે બાધક નથી – જો હોય તો દ્રઢ મન અને સહકારની ભાવના!
આ પણ વાંચો --- VADODARA : જળાશયોમાં ડૂબી જવાની ઘટના રોકવા તંત્ર સજ્જ બન્યું