VADODARA : અકોટામાં 21 મો ભૂવો પ્રગટ થયો, આરતી કરી-શ્રીફળ વધેરીને અનોખો વિરોધ
- ચોમાસાની શરૂઆત પહેલા જ ભૂવા પડવાનું શરૂ
- અકોટા વિસ્તારમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત
- સામાજિક કાર્યકરે નોંધાવ્યો અનોખો વિરોધ
VADODARA : વડોદરા (VADODARA) ના અકોટા (AKOTA) વિસ્તારમાં રોડ-રસ્તા પર ભૂવા પડવાની વણઝાર શરૂ થઇ હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં અકોટામાં મુજમહુડા રોડ પર 21 મો ભૂવો (POTHOLE) પ્રગટ થયો છે. જેના વિરોધમાં સામાજિક કાર્યકરે શ્રીફળ વધેરી અને તેની આરતી ઉતારી છે. સામાજિક કાર્યકરનું કહેવું છે કે, વડોદરામાં બીજે ક્યાંય ભૂવો પડ્યો નહીં હોય, પરંતુ અકોટામાં ભૂવા પડશે જ. અત્રે ઉલ્લેખનીય છે કે, અકોટાના મુજમહુડામાં ગત વર્ષે ચોમાસામાં મસમોટા ભૂવા સામે આવ્યા હતા. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રસ્તે ભૂવો પડતા સામાજિક કાર્યકર પહોંચ્યા
વડોદરામાં ગત વર્ષે પૂરની સ્થિતી સર્જાઇ હતી. આ પૂરમાં અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. દરમિયાન મુજમહુડા રોડ પરથી પસાર થતી 30 વર્ષ જુની ડ્રેનેજ લાઇન જર્જરિત થઇ ગઇ હતી. જેને પગલે અકોટા-મુજમહુડામાં એક પછી એક 20 જેટલા ભૂવા પડ્યા હતા. જેના સમારકામ પાછળ રૂ. 2 કરોડથી વધુનો ખર્ચ થયો હતો. આટલો મોટો ખર્ચ કર્યા બાદ પણ ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે. તાજેતરમાં અકોટામાં 21 મો ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. મુજમહુડાથી અકોટા તરફ જવાના રસ્તે ભૂવો પડતા સામાજિક કાર્યકર પહોંચ્યા છે. અને તેમણે આરતી કરીને, શ્રીફળ વધેરીને અનોખો વિરોધ નોંધાવ્યો છે.
સીઆરપી રિહેબીલીટેશન કાર્ય હાથમાં લેવામાં આવ્યું
સામાજિક કાર્યકરનું કહેવું છે કે, અહિંયા વારંવાર પડતા ભૂવાના કારણે લોકો પરેશાન થઇ જાય છે. વડોદરામાં બીજા કોઇ જગ્યાએ ભૂવો પડે કે ના પડે, પરંતુ અકોટામાં તો ભૂવો પડે જ. અત્રે નોંધનીય છે કે, મુજમહુડાથી પસાર થતી લાઇનનું સીઆરપી રિહેબીલીટેશન કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે. જેનો અંદાજીત ખર્ચ રૂ. 78 કરોડ આંકવામાં આવે છે. તે બાદ ભૂવાની સમસ્યા ઉકેલાય છે કે નહીં તે તો આવનાર સમયમાં જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો ---- VADODARA : ટુ વ્હીલરની ડીકીમાંથી રૂ. 15 લાખનો હાઇબ્રીડ ગાંજો જપ્ત, બે ની ધરપકડ