VADODARA : લોનધારકે મેનેજર અને વેલ્યૂઅર જોડે મળીને બેંકને ચૂનો ચોપડ્યો
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરા પોલીસ મથકમાં બેંકનો લાખો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદમાં લોન ધારક, તત્કાલિન બેંક મેનેજર તથા વેલ્યુઅર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ ફરિયાદ બાદ તમામ આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. હવે પ્રકારની ઘટનાઓ ડામવા માટે બેંક ઓથોરીટી કયા પ્રકારના પગલાં લે છે તે જોવું રહ્યું.
લોન બેન્ક ફ્રોડ કરવાના ઇરાદે લેવામાં આવી હોવાનું બાદમાં ફલિત થયું
પાદરા પોલીસ મથકમાં ફરિયાદી એસબીઆઇ બેંક મેનેજર દિલીપકુમાર બાબરભાઇ બામનિયા (રહે. વીઆઇપી રોડ, વડોદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, રૂદ્રાંશ ડેવલોપર્સ અને ધૃવિત ડેવલોપર્સ નામની પેઢીના પાર્ટનર પુનમબેન વિનોદકુમાર ઠક્કર અને વિનોદકુમાર સેવકરામ ઠક્કર (બંને રહે. નિસર્ગ બંગ્લો, નવરચના સ્કુલની સામે, સમા, વડોદરા) દ્વારા ટ્રાઇ પાર્ટી એગ્રીમેન્ટ કરીને પાદરા એસબીઆઇ બેંકમાંથી કુલ મળીને રૂ. 63 લાખની લોન લેવામાં આવી હતી. આ લોન બેન્ક ફ્રોડ કરવાના ઇરાદે લેવામાં આવી હોવાનું બાદમાં ફલિત થયું હતું. આરોપીઓ દ્વારા પ્લોટની ખરીદી કરીને તેના પર કોઇ પણ બાંધકામ કરવામાં આવ્યું ન્હતું.
ઇન્સ્પેક્શન કર્યા વગર જ લોન મંજુર કરવા અભિપ્રાય આપી દીધો
એટલું જ નહીં તે મિલકતને બેંકમાં મોરગેજ પણ કરવામાં આવી ન્હતી. જેથી બેંકને નુકશાન થયું હોવાનું બેંક ઓથોરીટી દ્વારા કરવામાં આવેલી તપાસમાં સપાટી પર આવ્યું હતું. આ મામલે તત્કાલિન બેંક મેનેજર સુનિલકુમાર જે. સિન્હા (રહે. તપોવન અક્ષરધામ કોમ્પ્લેક્ષ, જ્યોતિનગર, પશ્ચિમ બંગાળ) દ્વારા યોગ્ય ખરાઇ કર્યા વગર, તેમજ જરૂરી ઇન્સ્પેક્શન કર્યા વગર જ લોન મંજુર કરવા અભિપ્રાય આપી દીધો હતો. અને કોઇ પણ જાતની તપાસણી વગર લોન મંજુર કરી આપી હતી. તથા પોતાની ફરજ યોગ્ય રીતે નહીં નિભાવી હોવાનું સપાટી પર આવ્યું હતું.
ચાર સામે નોંધાઇ ફરિયાદ
ઉપરોકત્ત મામલે બેંક પેનલ વેલ્યુઅર મજુન આર. વિમડાલાલ દ્વારા આ બાબતે સારી રીકે વાકેફ હોવા છતાં આરોપીઓને ફાયદો થાય તે રીતે માર્કેટ ભાવથી વધુને વેલ્યુએશન રીપોર્ટ આપી મદદગારી કરી હતી. અને બેંકને આર્થિક નુકશાન પહોંચાડ્યું હતું. આખરે એકબીજાના મેળાપીપળામાં રહીને પૂર્વ નિયોજીત કાવતરૂં પાર પાડવા બદલ રૂદ્રાંશ ડેવલોપર્સ અને ધૃવિત ડેવલોપર્સ નામની પેઢીના પાર્ટનર પુનમબેન વિનોદકુમાર ઠક્કર અને વિનોદકુમાર સેવકરામ ઠક્કર (બંને રહે. નિસર્ગ બંગ્લો, નવરચના સ્કુલની સામે, સમા, વડોદરા), તત્કાલિન બેંક મેનેજર સુનિલકુમાર જે. સિન્હા (રહે. તપોવન અક્ષરધામ કોમ્પ્લેક્ષ, જ્યોતિનગર, પશ્ચિમ બંગાળ) અને બેંક પેનલના વેલ્યુઅર મજુન આર. વિમડાલાલ સામે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : "તું વાત નહીં કરે તો તારા ભાઇ, બહેન અને પિતાને....", સનકી પ્રેમીની ધમકી