VADODARA : 'આ મનરેગા યોજના નથી, અહિંયા ખોટું નહીં થવા દઉં' - દીનું મામા
- બરોડા ડેરીના એમડીના રાજીનામાં બાદ આરોપોનો દોર ફરી શરૂ થયો
- સાવલીના ધારાસભ્યએ કરેલા આરોપ સામે ડેરી અગ્રણી દીનું મામા આવ્યા
- દીનું મામાએ સાફ શબ્દોમાં કહ્યું કે, અહિંયા તો ખોટું નહીં થાય, નહિં થવા દઉં, અને કોઇ કરશે તેને છોડું પણ નહીં
VADODARA : બરોડા ડેરીના વહીવટી સામે સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઇમાનદાર અને ડેરીના પૂર્વ અગ્રણી દ્વારા ગેરરીતિના આરોપો લગાડવામાં આવ્યા હતા. તે બાદ અચાનક ડેરીના એમડીએ અંગત કારણોસર રાજીનામું આપ્યાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ ફરી કેતન ઇનામદારે ગેરરીતિમાં મોટા માથાઓની સંડોવણી હોવાનો આરોપ મુક્યો હતો. આ બાદ પ્રથમ વખત ડેરીના સિનિયર આગેવાન દિનું મામા સામે આવ્યા છે. અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ મનરેગા નથી, અમે કિલોના ભાવે માલ ખરીદીએ છીએ, અને તે પ્રમાણે તેની ચૂકવણી કરી દેવામાં આવે છે. ગેરરીતિ મામલે મોટા માથાની સંડોવણી કાલે સામે આવતી હોય તો આજે આવી જાય.
ભ્રષ્ટાચાર ના થાય તેની કાળજી રાખે
બરોડા ડેરીના અગ્રણી દિનું મામા (દિનેશભાઇ પટેલ) એ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, મોટા માથાના નામો કાલે ખુલતા હોય તો આજે ખુલે, અમે તેનાથી ડરતા નથી. અમે ઉપરવાળાથી ડરીએ છીએ. આ મનરેગા યોજના નથી. આતો કિલો પ્રમાણે લઈએ છીએ, અને કિલો પ્રમાણે આપીએ છીએ. એટલે બાકીની વાતો ઠીક છે, પણ સહકાર મામલે જે થઇ રહ્યું છે તે તો હું પેપરમાં વાંચુ જ છું. કેતન ભાઇની પુરી જવાબદારી છે કે, તેમના વિસ્તારમાં થતા કામોમાં ભ્રષ્ટાચાર ના થાય તેની કાળજી રાખે. અહિંયા તો ખોટું નહીં થાય, નહિં થવા દઉં, અને કોઇ કરશે તેને છોડું પણ નહીં.
ઘણી સંસ્થાઓ બંધ થઇ ગઇ છે
વધુમાં કહ્યું કે, મોટા માથા કાલે ખુલવાના હોય તો આજે ખોલાવી નાંખે. મારી પર આરોપ મુકવાના, કારણકે અમે વહીવટમાં બેઠા છીએ. વડોદરા જિલ્લામાં સહકારી ક્ષેત્રની આ એક સંસ્થા સારો વહીવટી કરે છે. ઘણી સંસ્થાઓ બંધ થઇ ગઇ છે. તે સંસ્થાઓ ચાલુ કરાવવા માટે કેતનભાઇ થોડો સહયોગ આપે, અને ખેડૂતોને મદદ કરવાના પ્રયાસો કરે તેવી આશા રાખું છું.
કોઇ કૌભાંડ સામે આવ્યું નથી
બીજી તરફ કંપનીના એમડી અજય જોષીએ ધારાસભ્ય કેતન ઇમાનદારના આરોપોને ફગાવ્યા હતા. તેમણે કહ્યું કે, આમાં કોઇ તથ્ય નથી. અમારા દ્વારા કરવામાં આવેલી તપાસમાં કોઇ કૌભાંડ સામે આવ્યું નથી. અમે તપાસનો રિપોર્ટ જિલ્લા રજીસ્ટ્રારને મોકલી આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મનરેગા યોજનામાં કૌભાંડ આચરવામાં નેતાઓના પરિજનોના નામો આવી રહ્યા છે. જો કે, આ મામાલે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટની સમીક્ષા કરતા પાલિકાના સત્તાધીશો, 95 ટકા કામગીરી પૂર્ણ