Vadodara : શહેરના મહેમાન બનેલા કેન્દ્રિય મંત્રી નારાજ, મેયર અને સાંસદને સ્ટેજ પર ખખડાવ્યા
- આજે કેન્દ્રિય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયા વડોદરાના મહેમાન બન્યા
- તેઓ સીધા જ ઓડિટોરીયમમાં જતા રહ્યા, સાંસદ-મેયર તેમની વાટ સર્કલ ઓફિસે જોતા રહ્યા
- સ્ટેજ પર મેયર અને સાંસદ આવ્યા બાદ કેન્દ્રિય મંત્રીએ બંનેને ખખડાવ્યા હતા
Vadodara : આજે કેન્દ્રિય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયા (Central Minister - Jyotiraditya Scindia) વડોદરાના મહેમાન બન્યા છે. તેઓ વડોદરા પોસ્ટ વિભાગ દ્વારા આયોજિત રોજગાર મેલામાં (Rojgar Mela) ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તેઓ વહેલા આવી જતા અને શહેરના સાંસદ તથા મેયર તેમના બાદ આવતા તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, હકીકતે તેઓ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા બાદ થોડોક સમય સર્કલ ઓફિસરની ઓફિસમાં વિતાવવાના હતા. આ વાતને ધ્યાને રાખીને સાંસદ અને મેયર તેમની ત્યાં વાટ જોઇ રહ્યા હતા. પરંતુ તેનાથી વિપરીત તેઓ સીધા જ કાર્યક્રમ સ્થળે પહોંચીને સ્ટેજ પર બેસી ગયા હતા. બાદમાં સાંસદ અને મેયરને જાણ થતા તેઓ સીધા દોડીને સ્ટેજ પર પહોંચ્યા હતા. જ્યાં કેન્દ્રિય મંત્રી દ્વારા સાંસદ અને મેયરને ઠપકો (Minister Angry) આપ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
થોડોક સમય વિતાવવાના હતા
આજે કેન્દ્રિય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સંસ્કારી નગરીના મહેમાન બન્યા છે. તેમની હાજરીમાં રોજગાર મેલાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાં અલગ અલગ સ્થળોએ આજે સરકાર દ્વારા રોજગાર મેલાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય મંત્રી વડોદરાના નેતૃત્વથી નારાજ હોય તેવી ઘટના સામે આવી છે. કેન્દ્રિય મંત્રી વડોદરા આવ્યા બાદ તેઓ સર્કલ ઓફિસરની રૂમમાં થોડોક સમય વિતાવવાના હતા. ત્યાર બાદ તેઓ કાર્યક્રમમાં ભાગ લેવાના હતા. જો કે, તેની જગ્યાએ તેઓ સીધા જ કાર્યક્રમ સ્થળે સ્ટેજ પર પહોંચી ગયા હતા.
હું વડોદરાનો જમાઈ છું અને તમે મારા પછી આવો છો
બીજી બાજુ વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી અને મેયર પિન્કીબેન સોની તેમની સર્કલ ઓફિસરની રૂમમાં વાટ જોતા રહ્યા હતા. બાદમાં તેમણે જાણ થતા તેઓ સીધા કાર્યક્રમના સ્થળે ઓડિટોરીયમમાં પહોંચ્યા હતા. જ્યાં કેન્દ્રિય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયા દ્વારા તેમને ઠપકો આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, યાર, હું વડોદરાનો જમાઈ છું અને તમે લોકો મારા પછી આવો છો. જે બાદ સાંસદ ડો. હેમાંગ જોષીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેઓ તેમની વાટ સર્કલ ઓફિસમાં જોઇ રહ્યા હતા. પરંતુ તેઓ સીધા જ કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા હતા. આ તકે કેન્દ્રિય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયા દ્વારા વડોદરા સાથેના જૂના સંબંધોને તાજા કરવામાં આવ્યા હતા. અને તેના સંસ્મરણો વાગોળ્યા હતા.
આ પણ વાંચો ----- Vadodara : હિટ એન્ડ રનની ઘટનાઓ વધતા પોલીસ એલર્ટ, ચેકીંગ સઘન કરાયું