VADODARA : કોરોના પોઝિટિવ દર્દીનો આંક 22 પર પહોંચ્યો, 6 માસનું બાળક ઓક્સિજન પર
- વડોદરા સહિત રાજ્યભરમાં કોરોના કેસોમાં વધારો નોંધાયો છે
- પરિસ્થિતી સામે પહોંચી વળવા આરોગ્ય તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરી લેવાઇ
- વિતેલા 24 કલાકમાં વડોદરામાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે
VADODARA : વડોદરા (VADODARA) શહેર સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો (CORONA CASE) માં ઉછાળો આવ્યો છે. વિતેલા 24 કલાકમાં કોરોનાના 5 પોઝિટિવ (COVID POSITIVE) કેસો નોંધાયા હોવાની પુષ્ટિ વડોદરા પાલિકા (VADODARA - VMC) દ્વારા જારી કરવામાં આવેલી યાદી થકી સામે આવી છે. જેને પગલે અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 22 પર પહોંચી છે. જે પૈકી મોટા ભાગના કોરોના પોઝિટિવ દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ ખસેડવામાં આવ્યા છે. અને એક માત્ર 6 માસનું બાળક હોસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ બાળકને ઓક્સિજન પર રાખવામાં આવ્યું હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે.
21 દર્દીઓને હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા
વડોદરા પાલિકાની યાદી અનુસાર, વિતેલા 24 કલાકમાં હરણી, મુજમહુડા, વારસિયા, અકોટા અને એકતાનગર વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા છે. જેને પગલે વડોદરા શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 22 પહોંચ્યો છે. તે પૈકી 21 દર્દીઓને હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે એક 6 માસના બાળકને એસએસજી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું છે. હાલ આ બાળક ઓક્સિજન સપોર્ટ હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.
તૈયારીઓની ચકાસણી માટે મોકડ્રિલનું આયોજન કરાયું
અત્રે નોંધનીય છે કે, રાજ્યભરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધતા જ વડોદરાની એસએસજી હોસ્પિટલ દ્વારા અલાયદી વ્યવસ્થાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. તંત્ર દ્વારા હોસ્પિટલના 2 મોટા ઓક્સિજન યુનિટ, આઇસોલેશન વોર્ડ, વેન્ટીલેટર સહિતની ચકાસણી કરતી મોકડ્રિલ પણ યોજી હતી. હાલની સ્થિતીએ મધ્યગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં 22 બેડ સાથે આઇસોલેશન વોર્ડ તૈયાર કરીને તેમાં સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો છે. જરૂર પડ્યે બેડની સંખ્યા વધારવામાં આવનાર હોવાનું હોસ્પિટલના સત્તાધીશોનું કહેવું છે.
આ પણ વાંચો --- VADODARA : સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નહીં આપતા 7 શાળા સીલ કરાઇ