VADODARA : ચા પીતા કરેલી મશ્કરી ભારે પડી, ચાકુના એક જ ઘા માં મિત્ર ઢળી પડ્યો
- વડોદરામાં થયેલી હત્યાનો કેસ ગણતરીના કલાકોમાં ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ
- રાવપુરામાં મળસ્કે યુવકનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો
- ક્રાઇમ બ્રાન્ચે 6 ટીમો બનાવીને તપાસ કરતા આરોપીઓ સુધી પહોંચી
VADODARA : આજે સવારે શહેરના રાવપુરા (VADODARA - RAOPURA) વિસ્તારમાં સરકારી પ્રેસ પાસે એક યુવકનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ (YOUNG MAN MURDER) મળી આવ્યો હતો. જાહેર રોડ પર મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી. મૃતકની ઓળખ યશ ઠાકોર (રહે. તરસાલી, વડોદરા) તરીકે કરવામાં આવી હતી. મૃતકના માતા-પિતા કોઇ હયાત નથી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) પણ તપાસમાં જોડાઇ હતી. ક્રાઇમ બ્રાન્ચની 6 ટીમોને ગણતરીના કલાકોમાં જ આ કેસને ઉકેલવામાં સફળતા મળી છે. આરોપી અને મૃતક એકબીજાના મિત્રો હતા, અને રાત્રીના સમયે ચ્હા પીતા સમયે મશ્કરી બાદ મામલો બિચક્યો હતો. જેના અંતે ઝનુનામાં આવીને યુવકની હત્યા કરવામાં આવી હતી.
તમામ એકબીજાના મિત્રો હતા
ક્રાઇમ બ્રાન્ચના ACP રાઠોડે જણાવ્યું કે, આજે રાવપુરામાં અજાણ્યા ઇસમનો મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ યશ ઠાકોર તરીકે થઇ હતી. ગુનો ઉકેલવા માટે સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ જોડાઇ હતી. ગણતરીના કલાકોમાં જ કેસ ઉકેલી કાઢવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા ભીમબહાદુર (રહે. નેપાળ) અને સન્ની મહેશભાઇ માળીની ધરપકડ કરવામાં આવી છે. તમામ એકબીજાના મિત્રો હતા. ગત મોડી રાત સુધી એકબીજાની સાથે હતા. ટુ વ્હીલર ભીમબહાદુરનું હતું. તેઓ એસએસજી હોસ્પિટલ બહાર ચ્હા પીવા આવ્યા હતા.
ભીમબહાદુરે મૃતકના ગળે છરી મારી દીધી
વધુમાં જણાવ્યું કે, ત્યાં બંને વચ્ચે મજાક મજાકમાં બોલાચાલી થઇ ગઇ હતી. અને બાદમાં મારા મારી પણ થઇ હતી. અહિં મૃતકને ટુ વ્હીલર પર નહીં બેસાડવાની વાત થઇ હતી. બાદમાં તેને સમજાવીને તેને ઘટના સ્થળ સુધી લાવ્યા હતા. ત્યાં ભીમબહાદુર અને મૃતક વચ્ચે મારામારી થઇ હતી. જ્યાં ભીમબહાદુરે મૃતકના ગળે છરી મારી દીધી હતી. જેમાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યાર પછી બંને ત્યાંથી જતા રહ્યા હતા. બંનેની ધરપકડ કરી છે. આ મામલાની તપાસ રાવપુરા પીઆઇ કરી રહ્યા છે. ભીમબહાદુર વિરૂદ્ધ પ્રોહીબીશન અને મારામારીના 8 જેટલા ગુનાઓ દાખલ થયા છે.
ચ્હા પીધા સુધી તમામ વચ્ચે કોઇ માથાકુટ ન્હતી
વધુમાં ઉમેર્યું કે, અગાઉ ખૂનના ગુનામાં તે સગીર હોવાના કારણે તેના પર કાર્યવાહી થઇ શકી ન્હતી. તેને બે વખત પાસા પણ થયા છે. ક્રાઇમ બ્રાન્ચના ત્રણ પીઆઇ અને ત્રણ પીએસઆઇની 6 ટીમો કામે લાગી હતી. અલગ અલગ ટીમોએ અલગ અલગ કામગીરી વહેંચી લીધી હતી. આરોપીને તરસાલી બાજુથી પકડી પાડવામાં આવ્યા છે. તમામ એકબીજાના મિત્રો હતા. આરોપીના રિમાન્ડ લઇને તેની વધુ પુછપરછ કરવામાં આવશે. ચ્હા પીધા સુધી તમામ વચ્ચે કોઇ માથાકુટ ન્હતી. મશ્કરીમાંથી વધારે બોલાચાલી થતા વાત વણસી હતી, એક જ ઘા મારતા યુવકનું મૃત્યું થયું છે. તેનું હથિયાર મળી આવ્યું નથી. ભીમબહાદુર કોઇ કામધંધો કરતો નથી. તમામ સાંજે ભેગા થયા હતા, તરસાલી સર્કલ પાસે બેઠા હતા. મૃતકના માતા-પિતા નથી. તેના માતા 25 વર્ષ પહેલા અને પિતા ત્રણ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે.
આ પણ વાંચો ---- VADODARA : ડભોઇ તાલુકા પંચાયત પ્રમુખની દાદાગીરી, કોન્ટ્રાક્ટર પર હુમલો