VADODARA : સોના-ચાંદીની વસ્તુ વેચવાની ફિરાકમાં ફરતા તસ્કરોને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા
- વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સિટી પોલીસ મથકનો કેસ ઉકેલ્યો
- બાતમીના આધારે બે તસ્કરોને દબોચ્યા
- બંને પાસેથી મોટી માત્રામાં સોના-ચાંદીની વસ્તુઓ જપ્ત કરવામાં આવી
VADODARA : વડોદરા (VADODARA) શહેરના સિટી પોલીસ મથક (CITY POLICE STATION) માં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. જેમાં તસ્કરો દ્વારા ધોળીકુઇ, મહાદેવ મંદિરની બાજુમાં આવેલા ઘરમાં હાથફેરો કરવામાં આવ્યો હતો. અહિંયાથી તસ્કરો સોનાના દાગીના તથા ચાંદીના વાસણો મળીને કુલ રૂ. 1.97 લાખનો મુદ્દમાલ ચોરીને જતા રહ્યા હતા. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીઆઇને બાતમી મળી કે, બે ઇસમો ચોરીના સોના-ચાંદીના મુદ્દામાલ સાથે કારેલીબાગ વિસ્તારમાં વેચવા માટે ફરી રહ્યા છે. તેમની પાસેનો મુદ્દામાલ શંકાસ્પદ જણાઇ આવે છે.
ક્રાઇમ બ્રાન્ચે કડકાઇ દાખવતા બંને ભાંગી પડ્યા
બાતમી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. અને ત્યાંથી શંકાના આધારે મનસુખભાઇ ઉર્ફે મનીષ વિષ્ણુભાઇ દંતાણી (રહે. ભાથુજીનગર, અલવાનાકા, માંજલપુર) અને આકાશ ઉર્ફે પપ્પુ નગીનભાઇ દેવીપુજક (રહે. ટાઉનહોલ, બિગ બજાર, વિદ્યાનગર, આણંદ) ની અટકાયત કરી હતી. બંનેની તપાસ કરતા ખીસ્સા અને થેલીમાંથી સોના ચાંદીની વસ્તુઓ મળી આવી હતી. તે બાદ બંને પાસે બીલ-પુરાવા માંગવામાં આવ્યા હતા. જે તેઓ આપી શક્યા ન્હતા. બાદમાં ક્રાઇમ બ્રાન્ચે કડકાઇ દાખવતા બંને ભાંગી પડ્યા હતા. અને આ મુદ્દામાલ ચોરીનો હોવાનું જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે બંનેની અટકાયત કરીને સિટી પોલીસ મથકમાં સુપરત કર્યા છે.
બંનેનો ગુનાહિત ઇતિહાસ
ક્રાઇમ બ્રાન્ચે બંને પાસેથી ફેન્સી ડિઝાઇનના પાટલા, વિંટી, સોનાનો સેટ-બુટ્ટી તથા ચાંદીનો લોટો, ડીશ, ચમચી, વાટકી, ગ્લાસ અને થાળી મળીને કુલ રૂ. 5.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી પૈકી મનસુખ દંતાણી વિરૂદ્ધ નડિયાદ ટાઉન પોલીસ મથક, કપડવંજ પોલીસ મથક, અને વડોદરા રેલવે મથકમાં ચોરીના કેસોમાં ઝડપાયો હોવાનું જણાવ્યું હતું. જ્યારે આકાશ દેવીપુજક સામે નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ચોરીના કેસમાં પકડાયો હોવાનું તેણે જણાવ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : સાવલીમાં ગેરકાયદેસર માટી ઉલેચતા તત્વો વિરૂદ્ધ કાર્યવાહી