VADODARA : 'ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કાર પણ અનિવાર્ય છે' – મુખ્યમંત્રી
- નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ દ્વારા વિજ્ઞાન પ્રવાહ તરફ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળ્યું છે
- માત્ર એક વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૭ ટકાનો વધારો નોંધાયો
- મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી શિક્ષણમાં સ્ટાન્ડર્ડ અને ક્વોલિટી બંને બાજુ વિકાસ થયો
- વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે સૌએ શિક્ષિત, સંસ્કારયુક્ત અને સંકલ્પશીલ એવી "અમૃત પેઢી" ઘડવી પડશે
VADODARA : આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM BHUPENDRA PATEL) ડભોઇ (DABHOI) માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદ્દઘાટન કરી વિદ્યારંભ કરાવ્યો છે. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, શિક્ષણને વિકાસ માટેનું સૌથી શક્તિશાળી સાધન માનનારા વડાપ્રધાનશ્રીએ નવી શિક્ષણ નીતિ દ્વારા ભારતના ભવિષ્યના નાગરિકોને આધુનિકતા અને સંસ્કાર સાથે ઘડવાની દિશામાં મજબૂત પગલાં ભર્યાં છે. ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કાર પણ અનિવાર્ય છે.
ગુરુકુળ સંસ્કૃતિ આજે પ્રાચીન પરંપરાને ઉજાગર કરી રહી છે
તેમણે કહ્યું કે, પ્રાચીન ગુરુકુળ પરંપરામાં રાજકુમારો ઋષિ મુનિઓ પાસેથી શિક્ષા અને દિક્ષા મેળવતા હતા. ભગવાન રામે વશિષ્ઠ અને વિશ્વામિત્ર મુનિ પાસેથી શિક્ષણ લીધું હતું, તો ભગવાન શ્રી કૃષ્ણે સાંદીપની ઋષિ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એ જ ગુરુકુળ સંસ્કૃતિ આજે આધુનિક માધ્યમો સાથે ફરી પ્રાચીન પરંપરાને ઉજાગર કરી રહી છે.
સંતોમહંતો અને મહાનુભાવો પણ જોડાયા
મુખ્યમંત્રીશ્રીએ વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદ્દઘાટન કરી વિદ્યારંભ કરાવ્યો હતો. તેમની સાથે સંતોમહંતો અને મહાનુભાવો પણ જોડાયા હતા. ભૂપેન્દ્ર પટેલે ઉક્ત સંદર્ભમાં ઉમેર્યું કે, આજના સમયમાં આવી સંસ્થાઓ આપણી ગુરુકુળ પરંપરાને આધુનિકતાની સાથે જોડીને વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન નહીં, પરંતુ જીવન ઘડતર માટેની મૂલ્યનિષ્ઠ, સંસ્કારયુક્ત તાલીમ પણ આપી રહી છે.
વડાપ્રધાનશ્રીએ સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓની સ્થાપના કરી
આધુનિક છાત્રાલય અને ટેક્નોલોજીથી સુસજ્જ સ્કૂલ કેમ્પસની સ્થાપનાથી શિક્ષણક્ષેત્રે એક નવી યાત્રા શરૂ થઈ રહી છે. સ્વામિનારાયણ સંસ્થાનું આ ગુરુકુળ, વિશિષ્ટ રીતે રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને આધ્યાત્મના આધાર પર ઉજ્જવળ ભવિષ્ય માટેની પેઢી તૈયાર કરશે. તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, પ્રાચીન નાલંદા, તક્ષશિલા જેવી વિદ્યાપીઠોની પરંપરાને આગળ વધારતી નવી શિક્ષણ નીતિ હેઠળ વડાપ્રધાનશ્રીએ સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓની સ્થાપના કરી છે. પ્રથમવાર ભારતની પરંપરા સાથે સંકળાયેલી અને માતૃભાષા આધારિત શિક્ષણ વ્યવસ્થા અમલમાં આવી છે.
વિજ્ઞાન પ્રવાહ તરફ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળ્યું
રાજ્ય સરકાર વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ શાળાઓમાં ગુણોત્સવ અભિયાન થકી ગુણવત્તામાં સુધારો લાવી રહી છે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના માધ્યમથી દીકરીઓના શિક્ષણમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમ મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક કહ્યું હતું. શ્રી પટેલે સગૌરવ જણાવ્યું કે, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ દ્વારા વિજ્ઞાન પ્રવાહ તરફ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળ્યું છે. માત્ર એક વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૭ ટકાનો વધારો નોંધાયો છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી શિક્ષણમાં સ્ટાન્ડર્ડ અને ક્વોલિટી બંને બાજુ વિકાસ થયો છે.
"એક પેડ માટે કેટ ધ રેન" અને "સિંગલ યુઝ પ્લાસ્ટિક વિમુક્તિ"
પ્રધાનમંત્રીશ્રીએ ૨૦૪૭ સુધી ભારતને વિકાસશીલ નહિ, પણ "વિકસિત ભારત" તરીકે સ્થાપિત કરવાનો સંકલ્પ લીધો છે. આ સંકલ્પ સાકાર કરવા માટે આપણે સૌએ શિક્ષિત, સંસ્કારયુક્ત અને સંકલ્પશીલ એવી "અમૃત પેઢી" ઘડવી પડશે, તેવું આહ્વાન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જેવી સંસ્થાઓ "એક પેડ માટે કેટ ધ રેન" અને "સિંગલ યુઝ પ્લાસ્ટિક વિમુક્તિ" જેવા વડાપ્રધાનશ્રીએ શરુ કરેલા પર્યાવરણ હિતના અભિયાનોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ભવિષ્યની પેઢીઓને દેશસેવા માટે પ્રેરણા આપશે
ઓપરેશન સિંદૂરની અવિસ્મરણીય સફળતા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ભારતમાતાની રક્ષા માટે અપ્રતિમ શૌર્ય દર્શાવનાર ભારતીય સેનાના તમામ બહાદુર જવાનોને પ્રારંભે અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રી પટેલે કહ્યું કે, આ અભિયાન દ્વારા વડાપ્રધાનશ્રીએ આતંકવાદ સામેની ભારતની લડાઈને એક નવી દિશા આપી છે. તેમણે રાષ્ટ્રરક્ષાનું એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જે ભવિષ્યની પેઢીઓને દેશસેવા માટે પ્રેરણા આપશે.
દર્ભાવતી નગરીના ભવિષ્ય માટે નવો અધ્યાય લખાયો
ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ મહેતાએ કહ્યું કે, દર્ભાવતી નગરીની તાસીર જોઈને, અહીં આવું સંસ્કારયુક્ત શિક્ષણ આપતું ગુરુકુલ એક અત્યંત જરૂરી બાબત બની ગઈ હતી. સંસ્થા સંચાલક શ્રી કે. પી. સ્વામી અને શ્રી નૌતમ સ્વામી તથા શ્રી બાપુ સ્વામીના અધ્યક્ષ સ્થાને આ ગુરુકુલ આજે માત્ર ઉદ્ઘાટિત થયું નથી, પણ દર્ભાવતી નગરીના ભવિષ્ય માટે નવો અધ્યાય લખાયો છે.
વ્યાવસાયિક લોકો ચલાવે ત્યારે તેમાં નફાકારક દૃષ્ટિકોણ હોય
મુખ્યમંત્રીશ્રીએ પણ દર્ભાવતી માટે વિશેષ પ્રેમ દાખવીને અનન્ય ગ્રાન્ટો અને વિકાસકારી યોજનાઓ આપી છે અને તેથી હું ગર્વભેર આજે કહું છું કે દર્ભાવતીના વિકાસ માટે મુખ્યમંત્રીશ્રીનું યોગદાન અમુલ્ય છે. એ માટે તેમનો વિશેષ આભાર માનું છું. ભાવનગરના ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, સામાન્ય રીતે કોઈપણ શૈક્ષણિક સંસ્થા જ્યારે વ્યાવસાયિક લોકો ચલાવે ત્યારે તેમાં નફાકારક દૃષ્ટિકોણ હોય છે, પણ જ્યારે સંતો સંસ્થા ચલાવે છે, ત્યારે તેમાં સેવાના ભાવ સાથે સંસ્કારનો સાર હોય છે, એ વાતને સમાજે અનુભવેલી છે.
જીવવાની રીત શીખવવામાં યોગદાન આપે
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા એ માત્ર શૈક્ષણિક સંસ્થા નથી, એ સંસ્કારનું ધામ છે. આવી આધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ, સંસ્કારયુક્ત સંસ્થાઓ વિદ્યાર્થીઓને માત્ર ભણાવવામાં નહીં પરંતુ જીવવાની રીત શીખવવામાં યોગદાન આપે છે. વિદ્યાર્થીઓને અહીં આવવાનું મન થાય, અહીં ભણવાનું મન થાય અને ભણવાની સાથે ભારતીયતા, નૈતિકતા અને રાષ્ટ્રભાવના સાથે ઘડાવા મળે એ જ ગુરુકુલની સાચી સિદ્ધિ છે.
શ્રી નૌતમ સ્વામિએ સ્વામિનારાયણ ગુરુકુળની પ્રવૃત્તિની રૂપરેખા પ્રસ્તુત કરી હતી.
આ પણ વાંચો --- VADODARA : મજુરીમાં મુક્ત કરાયેલુ ગરીબ પરિવારનું બાળક ફ્લાઇટમાં વતન પહોંચ્યું