Vadodara : મહિલાઓએ ગૌ છાણમાંથી બનાવેલા દીવા કાશી ઘાટે પ્રજ્વલિત થશે
- દેવ દિવાળી પર દિવા કાશીમાં પ્રજ્વલિત કરવામાં આવશે
- મહિલાઓનું મંડળ રોજ 400 દીવા તૈયાર કરે છે
- મહિલાઓને એક દીનો બનાવવા બદલ રૂ. 1 ની ચૂકવણી કરવામાં આવે છે
Vadodara : સનાતન ધર્મમાં દિવાળી (Diwali - 2025) એટલે પ્રકાશનો પવિત્ર તહેવાર દીપોત્સવ. અને જ્યારે આ દીપ ગૌછાણથી બનેલા હોય ત્યારે તેનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ અનેક ગણું વધી જાય છે. વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આવેલા ઉમ્મીદ સેન્ટર (સોનેશ્વર પાર્ક) ખાતે છેલ્લા ૧૫ દિવસથી મહિલાઓ ગૌછાણમાંથી દીવા (Cow Dung Based Diya - Vadodara) બનાવવાની અનોખી કામગીરી કરી રહી છે. આ દીવા હવે કાશી નગરી સુધી પહોંચશે જ્યાં ગંગાજીના ઘાટ પર દેવદિવાળીના (Dev Diwali - Kashi) દિવસે પ્રજ્વલિત કરવામાં આવશે.
સ્લમ વિસ્તારની 60 મહિલાઓ જોડાઇ
વડોદરાની સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ, રેવા વુમન્સ વેલ્ફેર ફાઉન્ડેશન અને નરનારાયણ દેવ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે "સશક્ત સ્ત્રી, સમૃદ્ધ સમાજ"ના સૂત્ર સાથે આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ સંસ્થા ના મંજુબેન પટેલ અને અક્ષીતાબા સોલંકીની આગેવાની હેઠળ આશરે 60 મહિલાઓ ડભોઇના સ્લમ વિસ્તારોમાંથી જોડાઈ છે, જે દરરોજ 300 થી 400 દીવા તૈયાર કરે છે. દરેક દીવા બદલ તેમને રૂ. 1 ચૂકવવામાં આવે છે, જેના કારણે મહિલાઓને રોજગાર અને આત્મનિર્ભર બનવાની તક મળી રહી છે.
ઓર્ગેનિક ‘મૈદા સ્ટિક’ સાથે મિશ્રિત કરવામાં આવે
મંજુબેન પટેલ જણાવ્યુ કે આ પ્રોજેક્ટ માટેનું છાણ દેશી ગાયોની ગૌશાળાઓમાંથી એકત્ર કરવામાં આવે છે. તેને પલ્વરાઇઝર મશીન દ્વારા બારીક પાવડરમાં રૂપાંતરિત કરીને, ઓર્ગેનિક ‘મૈદા સ્ટિક’ સાથે મિશ્રિત કરવામાં આવે છે. દરેક કિલો છાણ માટે ફક્ત 20 ગ્રામ મૈદા સ્ટિકનો ઉપયોગ થાય છે. આ દીવા વિશેષતાએ છે, કે સંપૂર્ણપણે બળી જાય છે અને તેની રાખ જમીનમાં ખાતર અથવા જંતુનાશક તરીકે વાપરી શકાય છે. એટલે કે પર્યાવરણને અડચણ ન પહોંચે તેવો શુદ્ધ અને સ્વદેશી ઉપક્રમ.
ગૌમાતાનું મહત્વ અને સ્વચ્છતા-પર્યાવરણનું સંરક્ષણ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત” અને “સ્વદેશી વસ્તુઓ”ના સંદેશને સાકાર કરતી આ પહેલ દ્વારા ડભોઇની મહિલાઓ માટે રોજગારનું દ્વાર ખુલ્યું છે. સાથે સાથે ગૌમાતાનું મહત્વ અને સ્વચ્છતા-પર્યાવરણનું સંરક્ષણ બંને હેતુઓનું સંકલન થયેલું આ દીપોત્સવના તહેવારનું અનોખું ઉદાહરણ બની રહ્યું છે.
આ પણ વાંચો ---- Diwali : ફટાકડા વિષે આપ શું જાણો છો ?