VADODARA : દૂધ મંડળીના કૌભાંડમાં સંડોવાયેલા બેંક એકાઉન્ટ સીઝ, ચેરમેને કહ્યું, 'સજા અપાવીશું'
- સાવલીના ધારાસભ્યએ કૌભાંડ ઉજાગર કર્યા બાદ કાર્યવાહી શરૂ
- જિલ્લા રજીસ્ટ્રારે બે વિરૂદ્ધ ફરિયાદ નોંધવા હૂકમ કર્યો
- બેંક દ્વારા શંકાસ્પદ એકાઉન્ટને સીઝ કરવામાં આવ્યા
- આગામી દિવસોમાં સ્ફોટક ખુલાસા થવાની શક્યતાઓ સેવાઇ રહી છે
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદાર (BJP MLA - KETAN INAMDAR) દ્વારા મેરાકુવા દૂધ મંડળીમાં મૃત સભાસદોના બેંક એકાઉન્ટમાં નાણાં લઇને ગેરરીતિ આચરવામાં આવી હોવાનો સ્ફોટક ખુલાસો કર્યો હતો. આ મામલે તપાસના અંતે જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા દૂધ મંડળીના મંત્રી તથા અન્ય વિરૂદ્ધ ફરિયાદના આદેશો આપવામાં આવ્યા છે. આ વચ્ચે કથિત કૌભાંડમાં બરોડા સેન્ટ્રલ કો. ઓ. બેંક (BARODA CENTRAL CO OP BANK) થકી નાણાંકિય વ્યવહારમાં સંડોવાયેલા શંકાસ્પદ એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવ્યા હોવાનું ચેરમેન રાજુ પટેલ દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટ પણે ઉમેર્યું કે, અમે પોલીસને સહકાર આપીશું. જેણે ખોટું કર્યું છે, તેને સજા અપાવવામાં બેંક અગ્રેસર રહેશે.
મંત્રી સહી કરેલું વાઉચર લઇને આવે
મેરાકુવાની દૂધ મંડળીમાં કથિત ભ્રષ્ટાચારના આરોપો બાદ બરોડા સેન્ટ્રલ કો. ઓ. બેંકના ચેરમેન રાજુ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અમે સિસ્ટમને અનુસરી રહ્યા છીએ. થોડુંક બાકી છે. આ થયું તો હવે બેંકને સૂચના પણ આપી દીધી છે કે કોઇને આ રીતે આપવું નહીં. ડેસરમાં એક જ બ્રાન્ચ આવેલી છે, તેની સામે ડેસરમાં 40 જેટલી દૂધ મંડળીઓ આવેલી છે. 10 દિવસે તેમને પેમેન્ટ કરવામાં આવતું હોય છે. 8000 ગ્રાહકો પૈસા લેવા માટે આવતા હોય છે. કેટલાક કિસ્સામાં રૂ. 300 ની ચૂકવણી કરવાની હોય તો ક્યાં તેઓ 10 કિમી દુર બેંકમાં આવે..! તેવા કિસ્સામાં મંત્રી સહી કરેલું વાઉચર લઇને આવે, એટલે બેંક તેની સામે પૈસાની ચૂકવણી કરી દેતી હોય છે.
બેંક તમામ ઓથોરીટીને સહકાર આપશે
વધુમાં જણાવ્યું કે, ધારાસભ્ય કેતનભાઇ ઇનામદારને ખબર પડી, તેમણે કાગળ લખ્યો છે, તે બાદ અમે શંકાસ્પદ ખાતાને સીઝ કરી દીધા છે. અરજી અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. અમે પોલીસને સહકાર આપીશું. જેણે ખોટું કર્યું છે, તેને સજા અપાવવામાં બેંક અગ્રેસર રહેશે, તેમાં કોઇ સવાલ નથી. બેંક તમામ ઓથોરીટીને સહકાર આપશે. અમે ડિટેઇલ રિપોર્ટ આપીશું. ડેરીનું રૂ. 25-30 કરોડનું અહિંયા ટ્રાન્ઝેક્શન થાય છે. મેં જે જાણ્યું, તે મેં તમને કહ્યું. જે થયું તે ખોટું થયું છે. જેણે ખોટું કર્યું તેને સજા અપાવવામાં બેંક પોતાનો ભાગ ભજવશે. અમે સંપૂર્ણ સહકાર આપીશું.
આ પણ વાંચો --- VADODARA : મેરાકુવાની દૂધ મંડળીના મંત્રી-પ્રમુખ સામે ફરિયાદ નોંધવા હુકમ