VADODARA : શિક્ષણ વિભાગે AI થકી ડ્રોપ આઉટની શક્યતા ધરાવતા બાળકો શોધી કાઢ્યા
- વડોદરા જિલ્લાનું શિક્ષણ વિભાગ હાઇટેક બન્યું
- ટેક્નોલોજીના સથવારે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તંત્ર કામે લાગ્યું
- વ્યવસ્થાપન સમિતિની રચના કરીને સમજાવટનો રસ્તો અપનાવાશે
VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) ના શિક્ષણ વિભાગ (EDUCATION DEPARTMENT) દ્વારા આર્ટીફિશયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી શિક્ષણ વિભાગ (AI FOR EDUCATION) દ્વારા પ્રથમ વખત શાળા છોડી દેવાની સંભાવના ધરાવતા બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા આ પદ્ધતિને અર્લી વોર્નિંગ સિસ્ટમ નામ આપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે ટેક્નોલોજીના વિનિયોગથી આધુનિક પ્રકારનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. એમાં સરકારી શાળાઓમાં ભણતા તમામ બાળકોના અભ્યાસ ઉપરાંત શૈક્ષણિક પ્રગતિને સતત મોનિટર કરવામાં આવે છે.
પાત્રતાની સ્થિતિએ યાદી મળી જાય
આ ઉપરાંત આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી બાળકના જન્મ થતાં જ શાળામાં પ્રવેશ પાત્રતાની સ્થિતિએ યાદી મળી જાય છે. આથી આંગણવાડી, બાલવાડી અને પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન સંપૂર્ણપણે થઇ જાય છે. પણ, એક વખત બાળક અભ્યાસ શરૂ કરે તે બાદના વર્ષોમાં પણ શાળા છોડી જવાની શક્યતા રહે છે.
આર્થિક સ્થિતિ કે સ્થળાંતર સહિતના પરિબળો જવાબદાર
બાળકની શાળામાં ૮૦ ટકાથી ઓછી હાજરી, પરિવારની આર્થિક સ્થિતિ કે સ્થળાંતર સહિતના પરિબળો-કારણોથી બાળક અધ વચ્ચેથી શાળા છોડી દે છે. આવા બાળકોની ઉપલબ્ધ માહિતીનું એઆઇ મારફત વિશ્લેષણ કરાવવામાં આવતા ડ્રોપ આઉટ થવાની શક્યતા ધરાવતા બાળકો મળી આવ્યા છે. જેની યાદી તૈયાર કરવામાં આવી છે.
અધિકારીનું શું કહેવું છે
જિલ્લા પ્રાથમિક શિક્ષણાાધિકારી મહેશ પાંડેએ જણાવ્યું કે, વડોદરા જિલ્લાની ૧૬૪ શાળાઓમાંથી આવા ૭૯૩ બાળકો મળી આવ્યા છે. જેમાં ડભોઇમાં ૧૪૮, ડેસરમાં ૩૦, કરજણમાં ૧૫૩, પાદરામાં ૧૧૪, સાવલીમાં ૭૫, શીનોરમાં ૧૮, વડોદરા તાલુકામાં ૯૮, વાઘોડિયામાં ૧૫૭ બાળકો ડ્રોપ આઉટ થવાની શક્યતા ધરાવે છે.
સમિતિ વિશેષ પ્રયાસો કરશે
આ વખતના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમાજોત્સવ બનાવવાની અપીલ કરી છે. ત્યારે, ડ્રોપ આઉટની શક્યતા ધરાવતા બાળકો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી શાળાના આચાર્ય, સીઆરસી, બીઆરસી કે શાળા વ્યવસ્થાપન સમિતિ મારફત બાળક અભ્યાસ છોડે નહી તેવા પ્રયત્નો કરવામાં આવશે.
આ પણ વાંચો --- VADODARA : મિત્ર સુધી ચિઠ્ઠી પહોંચાડી લાપતા બનેલો કોન્સ્ટેબલ હરિદ્રારથી મળ્યો