VADODARA : જિલ્લાની 1216 શાળાઓમાં 50,555 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે
- પ્રવેશોત્સવની ૨૧ મી શ્રેણીને 'સમાજોત્સવ' થીમ સાથે ઉજવવામાં આવશે
- ત્રણ દિવસ સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાશે
- ૬ થી ૧૪ વર્ષના શાળા બહારના ૮૭ બાળકો પ્રવેશ મેળવશે
VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં આગામી તા. ૨૬ થી ૨૮ જૂન એમ ત્રણ દિવસ માટે તમામ સરકારી શાળાઓમાં 'સમાજોત્સવ' થીમ અંતર્ગત કન્યા કેળવણી મહોત્સવ (KANYA KELAVANI MAHOTSAV) અને શાળા પ્રવેશોત્સવ (SHALA PRAVESHOTSAV) ની ઉજવણી કરવામાં આવનાર છે. શાળા પ્રવેશોત્સવની આ ૨૧મી શ્રેણીમાં જિલ્લાની ૧૨૧૬ શાળાઓમાં કુલ ૫૦,૫૫૫ નવનામાંકિત બાળકો પ્રવેશ મેળવનાર છે.
મહત્વની બેઠક યોજવામાં આવી
શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રાજ્ય કક્ષાની બ્રિફિંગ મિટિંગનું ગાંધીનગર ખાતે આયોજન થયું હતું, તેમાં વડોદરાથી પણ તમામ અધિકારીઓ ક્લેક્ટર કચેરી ખાતેથી ઓનલાઇન જોડાયા હતા. આ મિટિંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે માર્ગદર્શન આપ્યા બાદ વડોદરા ખાતે કલેક્ટર અનિલ ધામલિયાની અધ્યક્ષતા હેઠળ જિલ્લાના તમામ અધિકારીઓ સાથે શાળા પ્રવેશોત્સવ બાબતે મહત્વની બેઠક યોજવામાં આવી હતી.
પ્રવેશોત્સવની ૨૧ મી શ્રેણીની 'સમાજોત્સવ' થીમ
આ બેઠક દરમ્યાન કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, આ વર્ષે શાળા પ્રવેશોત્સવની ૨૧ મી શ્રેણીને 'સમાજોત્સવ' થીમ સાથે ઉજવવામાં આવનાર છે. જેમાં પ્રાથમિક શાળા ઉત્તીર્ણ કરેલ મહત્તમ બાળકો માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવે તે સુનિશ્ચિત કરવા પર ભાર આપવામાં આવશે.
SMC અને SMDCને વધુ સશક્ત કરવામાં આવશે
વધુમાં ઉમેરતાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, 'ઉત્સવ બાળકના સર્વાંગી વિકાસનો' સૂત્ર હેઠળ જિલ્લાની સ્કૂલ મેનેજમેન્ટ કમિટી(SMC) અને સ્કૂલ મેનેજમેન્ટ એન્ડ ડેવલોપમેન્ટ કમિટી (SMDC)ને વધુ સશક્ત કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, ૨૧મા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જિલ્લામાં કુલ આંગણવાડીમાં ૪,૬૨૪ ભૂલકાઓ; બાલવાટિકામાં ૧૧,૬૮૫ ભૂલકાઓ અને આંગણવાડીમાંથી ધોરણ-૧ માં ૧૧,૭૧૫ બાળકોનું નામાંકન કરવામાં આવશે. જ્યારે ધોરણ-૯ માં ૧૫,૪૪૦ અને ધોરણ-૧૧ માં ૭,૦૯૨ બાળકો પ્રવેશ મેળવનાર છે.
97 દિવ્યાંગ બાળકો પણ પ્રવેશ મેળવનાર છે
આ સાથે આ વર્ષે જિલ્લામાં ૬ થી ૧૪ વર્ષના શાળા બહારના ૮૭ બાળકો પ્રવેશ મેળવશે. જ્યારે જિલ્લામાં બાલવાટિકા અને ધોરણ ૧ માં કુલ ૯૭ દિવ્યાંગ બાળકો પણ પ્રવેશ મેળવનાર છે. વધુમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર એવા વડોદરામાં માર્ચ-૨૦૨૫માં ધોરણ-૫ માં યોજાતી CET પરીક્ષા કુલ ૧૧,૫૯૮ અને ધોરણ-૮ માં યોજાતી જ્ઞાનસાધના પરીક્ષામાં કુલ ૧૦,૯૬૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.
આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રીની વહનક્ષમતા વધારવા 25 કિમીમાં સિંચાઇ વિભાગની કામગીરી પૂર્ણ