VADODARA : નેપાળમાં આયોજિત સંમેલનમાં નિશાકુમારીએ કર્યું દેશનું પ્રતિનિધિત્વ
- નિશા કુમારીએ વધુ એક વખત દેશનું ગૌરવ વધાર્યું
- નેપાળમાં આયોજિત કાર્યક્રમમાં સાડી પહેલી રાષ્ટ્રધ્વજ સાથે એન્ટ્રી લીધી
- નિશા કુમારીએ વડોદરાથી લંડન સાયકલ રાઇડ કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે
VADODARA : 2023 માં વિશ્વના સહુથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ (MOUNT EVEREST) નું આરોહણ કરીને, તેના શિખર પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવનાર વડોદરા (VADODARA) ની દીકરી નિશાકુમારી (NISHA KUMARI) ને નેપાળમાં આયોજિત એવરેસ્ટ આરોહકો ના સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું બહુમાન મળ્યું છે. ક્લિમ્બ ફોર ક્લાઈમેટ: પર્યાવરણ રક્ષણ માટે આરોહણ વિષયક આ માઉન્ટ એવરેસ્ટ સમિટીયર્સ સમીટ 2025 નું પહેલીવાર નેપાળના કાઠમંડુમાં આયોજન કરવામાં આવ્યું, જેમાં નિશાને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મળેલી તકનો ઉપયોગ એણે ક્લાઈમેટ ચેન્જ અટકાવવાનો વૈશ્વિક સંદેશ આપવામાં માટે કર્યો, અને જણાવ્યું કે પ્રકૃતિની રક્ષા અને પર્યાવરણની કાળજી એ જ વિશ્વમાં સહુથી મોટો વિજય ગણાય.
સહુએ એને વધાવી લીધી
આ સંમેલન એવરેસ્ટ આરોહકોને અનુભવ આધારિત માર્ગદર્શન આપવાની સાથે પર્યાવરણ રક્ષક પહેલો સાથે આ જોખમી સાહસ હાથ ધરવાની પ્રેરણા આપવા અને ઉચિત વાતાવરણનું સર્જન કરવાના હેતુસર યોજવામાં આવ્યું છે જે બે દિવસ ચાલશે. નિશાએ ભારતીય નારીની અસ્મિતાના પ્રતિક સમાન સાડી પહેરી અને હાથમાં ભારતીય રાષ્ટ્ર ધ્વજ લઈને કાર્યક્રમમાં પ્રવેશ કર્યો ત્યારે સહુએ એને વધાવી લીધી હતી. આ સમીટનું આયોજન એવરેસ્ટ એલાયન્સ નેપાળ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં 200 જેટલા આરોહકો અને પર્વતારોહણ ક્ષેત્રના માર્ગદર્શકો એ ભાગ લીધો હતો. નેપાળના પ્રવાસન મંત્રીએ નિશાને સન્માન પ્રમાણપત્ર પ્રદાન કર્યું હતું.
કોચ અને માર્ગદર્શક નિલેશ બારોટનું ભારે યોગદાન રહ્યું
યાદ રહે કે નિશાએ 2023માં અત્યંત વિષમ વાતાવરણમાં એવરેસ્ટ વિજય મેળવ્યો હતો અને ઉતરાણ વખતે હિમ દંશની કાતિલ પીડા ભોગવી હતી. તે પછી 2024 માં આ સાહસિક દીકરીએ વડોદરાથી લંડનનો 16 હજાર કિલોમીટરનો અતિ અઘરો સાયકલ પ્રવાસ કપરા પડકારો વેઠીને પૂરો કર્યો અને તે દરમિયાન પ્રવાસ માર્ગના સોળ જેટલા દેશોમાં, ત્યાંના નિવાસીઓ અને ભારતીયોના સહયોગ થી વૃક્ષો રોપવાની સાથે ક્લાઈમેટ ચેન્જને રોકવા વૃક્ષ ઉછેરવાનો સંદેશ આપ્યો હતો. તેના આ બંને સાહસોની સફળતામાં તેના કોચ અને માર્ગદર્શક નિલેશ બારોટનું ભારે યોગદાન રહ્યું છે. તેમણે વડોદરા થી લંડનના સાયકલ પ્રવાસમાં મોટર વાહન સાથે જોડાઈને મોટર માર્ગે પ્રવાસની સિદ્ધિ મેળવી છે.
વિદ્યાર્થીઓ અને યુવા સમુદાય માટે પ્રેરણા અને માર્ગદર્શન
એક પુસ્તકમાં તેના એવરેસ્ટ આરોહણના આ અપ્રતિમ સાહસની સાફલ્ય ગાથા વિગતવાર વણી લેવામાં આવી છે. ફૌજી પરિવારની નિશા પ્રકૃતિ રક્ષણ નું લક્ષ્ય રાખી સતત અભિનવ સાહસો હાથ ધરતી રહે છે અને તેની સાથે વિદ્યાર્થીઓ અને યુવા સમુદાયને પ્રેરણા અને માર્ગદર્શન આપે છે.
આ પણ વાંચો ---- VADODARA : અષાઢી બીજની તૈયારીઓ શરૂ, સભાગૃહમાં રંગરોગાન, રથ બહાર કઢાયો