VADODARA : જિલ્લામાં ખરીફ ઋતુમાં 12 હજારથી વધુ હેક્ટરમાં વાવણી પૂર્ણ
- ચોમાસા પૂર્વે ખેડૂતોએ કમર કસી લીધી
- મોટી સંખ્યામા વાવણી પૂર્ણ, કપાસ પાકે ટોચનું સ્થાન જાળવ્યું
- સરકારે ખેડૂતો માટે ખાતર મેળવવાની ઉત્તમ વ્યવસ્થા કરી
VADODARA : ભારત કૃષિપ્રધાન દેશ હોવાથી, કૃષિ ક્ષેત્રે સારો વરસાદ અનિવાર્ય છે. ધરતીપુત્રો આતુરતાપૂર્વક વરસાદની રાહ જોતા હોય છે. આ વર્ષે આકાશી કંચન વરસી રહ્યો હોવાથી વડોદરા જિલ્લાના ખેડૂતોમાં હર્ષોલ્લાસનો માહોલ છવાયો છે. ચાલુ ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં જિલ્લા (VADODARA DISTRICT) માં ૧૨,૯૫૦ હેક્ટર કૃષિ વિસ્તારમાં વાવણી પૂર્ણ થઈ ચૂકી છે.
1-1 હેક્ટરમાં કેળ અને પપૈયાનું વાવેતર કરવામાં આવ્યું
વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં કુલ ૧૨,૯૫૦ હેક્ટરમાં થયેલા ખરીફ પાકના વાવેતરમાં, ૮,૮૯૧ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું છે, જે સૌથી વધુ છે. આ ઉપરાંત, ૨,૦૪૨ હેક્ટર જમીનમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. શાકભાજીનું વાવેતર ૧,૭૮૧ હેક્ટરમાં, સોયાબીનનું ૧૨૫ હેક્ટરમાં, અને તુવેરનું ૬૦ હેક્ટરમાં થયું છે. જયારે ૧-૧ હેક્ટરમાં કેળ અને પપૈયાનું વાવેતર કરવામાં આવ્યું છે. તાલુકા પ્રમાણે ખરીફ પાકનો વાવેતર વિસ્તાર જોઇએ તો ડભોઇમાં ૪૨૦૧, ડેસરમાં ૪૯, કરજણમાં ૧૩૬૩, પાદરામાં ૪૩૯૯, સાવલીમાં ૫૫૨ અને શિનોરમાં ૨૩૮૬ હેક્ટર જમીનમાં વાવણી થઇ ચૂકી છે.
ખેડૂતોને ખાતર મેળવવામાં કોઇ તકલીફ પડી નથી
રાજ્ય અને કેન્દ્ર સરકારના દ્વારા થયેલા સુદ્રઢ આયોજનને પગલે ખેડૂતોને ખાતર મેળવવામાં કોઇ તકલીફ પડી નથી. બીજી તરફ આકાશમાંથી વરસી રહેલા કંચન સમાન વરસાદ વરસતા વેંત ધરતીપુત્રો અન્નના એક કણને મણ સ્વરૂપ આપવા ઉત્સાહભેર કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો --- Gujarat rain : હવામાન વિભાગની 1 જુલાઈ સુધી વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી


