VADODARA : ફાયરના હાઇડ્રોલિક પ્લેટફોર્મને ઉંદરે કોતરી કાઢતા મોટા ખર્ચનું ભારણ
- વડોદરામાં દિવસેને દિવસે હાઇરાઇસ બિલ્ડિીગોનો વ્યાપ વધતો જાય છે
- ઉંચાઇ પર રેસ્ક્યૂ મિશન માટે પાલિકા પાસે બે હાઇડ્રોલિક વાહનો ઉપલબ્ધ
- બંનેને રાખવા માટે યોગ્ય જગ્યાના અભાવે નુકશાન વેઠવું પડે છે
- અગાઉની ઘટના બાદ પણ પાલિકા તંત્રએ કોઇ કાળજી ના રાખી
VADODARA : વડોદરા ફાયર (FIRE DEPARTMENT - VADODARA) બ્રિગેડ પાસે ઉંચાઇ પર આગ અકસ્માત વેળાએ ઉંચાઇ પર રેસ્ક્યૂ સહિતની કામગીરી માટે ઉપયોગી 44 મીટરના હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ મશીનની અવદશા સામે આવી છે. આ મશીનના વાયર સહિતના પાર્ટસ ઉંદરોએ કોતરી ખાધા છે (RAT MENACE) . જેના કારણે તેનું તાત્કાલિક રીપેરીંગ કરાવવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે. આ પાછળ રૂ. 45 લાખથી વધુનો ખર્ચ થાય તેવું અનુમાન છે. આ ફાયર મશીનને રાખવા માટે યોગ્ય સ્થાનના અભાવે તેને પતરાના શેડમાં મુકવામાં આવે છે. જ્યાં ઉંદરોનો ભારે ત્રાસ છે.
ફાયર વિભાગ પાસે બે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે
વડોદરામાં હવે હાઇરાઇઝ બિલ્ડીંગો બની રહી છે. વડોદરાના રીયલ એસ્ટેટનો વિકાસ હવે નવી ઉંચાઇઓ સર કરી રહ્યો છે. તેવામાં ઉંચાઇ પર આગ અકસ્માત સમયે મદદ મળી રહે તે માટે વડોદરા પાલિકા પાસે 44 મીટરનું હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ અને 81 મીટરનું ઐરાવત સ્કાય લિફટ છે. તે પૈકી 44 મીટરની ક્ષમતા ધરાવતા મશીનને જીઆઇડીસી ફાયર સ્ટેશન ખાતે રાખવામાં આવ્યું છે, જ્યારે અન્યને વાસણા ફાયર સ્ટેશન ખાતે મુકવામાં આવ્યું છે. જીઆઇડીસી ફાયર સ્ટેશનમાં મુકવામાં આવેલા 44 મીટરના એલિવેટેડ પ્લેટફોર્મને તાજેતરમાં ઉંદરો દ્વારા કાતરી કાઢવામાં આવ્યું છે. જેના કારણે તેમાં મોટું નુકશાન પહોંચ્યું છે.
અગાઉ પણ મોટો ખર્ચ આવ્યો હતો
અગાઉ આ હાઇડ્રોલિક પ્લેટફોર્મને અગાઉ પણ ઉંદરો દ્વારા કાતરી કાઢવામાં આવતા તેનું અંદાજીત રૂ. 9 લાખના ખર્ચે રીપેરીંગ કરાવવું પડ્યું હતું. તે ઘટના બાદથી કોઇ બોધપાઠ નહીં લેતા હવે ફરી આ ઉંદરો દ્વારા તેને કાતરી કાઢવામાં આવ્યું છે. આ વખતે અગાઉની સરખામણીએ પાંચ ઘણો વધુ ખર્ચ થવાનો અંદાજ છે. ઉંદરોએ કાતરી કાઢતા હાઇડ્રોલિક પ્લેટફોર્મનું બુમ સેન્સર, વિન્ડ સ્પીડ સેન્સર, ટેબલ ડિસ્પ્લે સહિતના 13 પાર્ટસ ક્ષતિગ્રસ્ત થયા છે. આ વખતે મોટું નુકશાન પહોંચતા રીપેરીંગ પાછળ રૂ. 45 લાખથી વધુ ખર્ચાશે. આ ઘટના બાદ પાલિકાનું તંત્ર શું બોધપાઠ લે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- VADODARA : IPL પ્લેયર શિવાલિક શર્મા સામે દુષ્કર્મની ફરિયાદથી ખળભળાટ