VADODARA : ગંભીરા બ્રિજ તુટતા મદદે આવી 'નાવડી', લોકો માટે જળ પરિવહન સરળ ઉપાય
- ગંભીરા બ્રિજ તુટતા અવર-જવરનો મોટો પ્રશ્ન સર્જાયો
- સ્થાનિકો માટે નાવડીમાં અવર-જવર કરવી સરળ ઉપાય બન્યું
- ગંભીરા બ્રિજની જગ્યાએ નવો બ્રિજ સરકાર દ્વારા મંજુર કરાયો છે
VADODARA : તાજેતરમાં વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરામાં (VADODARA RURAL - PADRA) આવેલો ગંભીરા બ્રિજનો એક ભાગ તુટી પડ્યો (GAMBHIRA BRIDGE TRAGEDY) હતો. આ દુર્ઘટનામાં 20 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પાદરા અને આણંદ વચ્ચે અવર જવર કરવા માટે આ મહત્વનો બ્રિજ હતો. આ બ્રિજની દુર્દશા અંગે અગાઉ સરકારી તંત્રની આંખ ઉઘાડવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જો કે, તેમાં કોઇ સફળતા મળી ન્હતી. હાલ ગંભીરા બ્રિજનો ઉપયોગ થઇ શકે તેમ નથી. તેવામાં સ્થાનિકો માટે નાવડીની સવારીએ સરળતા કરી આપી છે. સ્થાનિકના જણાવ્યા પ્રમાણે, રોજ 100 જેટલા લોકો જળ પરિવહન થકી ગંભીરા બ્રિજ નીચે આવેલી મહિસાગર નદીની એક પારથી બીજે પાર જઇ રહ્યા છે.
જળ પરિવહન મારફતે રસ્તો કાઢ્યો
વડોદરાના પાદરામાં આવેલો ગંભીરા બ્રિજ પાદરા અને આણંદને જોડતો મહત્વનો બ્રિજ હતો. આ બ્રિજનો એક ગાળો તુટી જવાના કારણે દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા. આ બ્રિજ દુર્ઘટનામાં 20 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલ આ બ્રિજને અવર-જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેને પગલે પાદરા અને આણંદ વચ્ચે પહેલાની જેમ સરળતાથી અવર-જવર થઇ શકતી નથી. હવે સ્થાનિકોએ આ વાતનો જળ પરિવહન મારફતે રસ્તો કાઢ્યો છે. વિતેલા કેટલાક દિવસોથી ગંભીરા બ્રિજની એક પારથી બીજી પાર જવા માટે સ્થાનિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ નાવડીનો ઉપયોગ કરી રહ્યા છે. જે સમય અને પૈસા બંને બચાવતા હોવાનો તેમનો મત છે.
પ્રતિદિન 100 જેટલા લોકોની મદદ
સ્થાનિકે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, હાલના દિવસોમાં મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઇ છે. ત્યાર બાદ કેટલાય વિદ્યાર્થીઓ, ખેડૂતો, નોકરી જતા કામદારો અને કેટલાય પરિવારો તુટી ગયા છે. આ ઘટનાને લઇને સ્થાનિકો અને નોકરીયાત વર્ગ અવર-જવર કરવા માટે નાવડીનો ઉપયોગ કરી રહ્યા છે. અગાઉ બસ, ટ્રક અથવા અન્ય વાહનો મારફતે અવર-જવર કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ, નાવિકો એક તરફથી બીજી તરફ જવા માટે પ્રતિદિન 100 જેટલા લોકોની મદદ કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે, નાવડીમાં અવર-જવર કરતા સમયે જરૂરી સેફ્ટી જેકેટ્સ હોતા નથી. જેથી જલ માર્ગે પરિવહન કરતા લોકોની સુરક્ષા સામે સવાલો ઉઠે તેમ છે.
આ પણ વાંચો ---- VADODARA : ડભોઇ-વડોદરાને જોડતો કેલનપૂર બ્રિજ બેહાલ, સ્થાનિકોમાં ચિંતા