VADODARA : બ્રિજ દુર્ઘટનામાં મૃતકોના વ્હારે આવ્યા ધારાસભ્ય, બે વર્ષનો પગાર આપશે
- ગંભીરા બ્રિજ અકસ્માતમાં મૃતકોના પરિવાર માટે ધારાસભ્યની જાહેરાત
- પરિવાર દીઠ રૂ. 1 - 1 લાખ આપશે
- દુર્ઘટનામાં વ્યક્તિગત રીતે મદદ કરવા આગળ આવેલા સંભવિત આ પહેલા ધારાસભ્ય છે
VADODARA : તાજેતરમાં વડોદરા પાસે આવેલા પાદરાના ગંભીર બ્રિજ તુટી પડવાની ઘટના (GAMBHIRA BRIDGE TRAGEDY) સામે આવી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 20 જેટલા લોકોના મોત નીપજ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા જવાબદાર ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ મૃતક અને ઇજાગ્રસ્તોના પરિવારને વળતરની જાહેરાત કરી છે. આ વચ્ચે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર (SAVLI BJP MLA - KETAN INAMDAR) મૃતકોના વ્હારે આવ્યા છે. તેમણે મૃતકોના પરિવારને રૂ. 1 લાખની જાહેરાત કરી છે. આ રીતે મૃતકોના સમર્થનમાં આવનારા આ પહેલા ધારાસભ્ય છે.
આજે પણ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
પાદરા પાસે જર્જરિત બ્રિજ હોવાની રજુઆત વર્ષ 2022 થી કરવામાં આવતી હતી. પરંતુ તંત્રએ વાત ધ્યાને લાધી ન્હતી. દરમિયાન ચાર દિવસ પહેલા સવારના સમયે આ બ્રિજનો એક ભાગ ધરાશાયી થતા અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત નીપજ્યા છે. હજી પણ એક શખ્સ લાપતા હોવાથી તેની ભાળ મેળવવા માટે વહીવટી તંત્ર દ્વારા આજે પણ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા મૃતકો અને ઇજાગ્રસ્તો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ જવાબદાર ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
મૃતકોના પરિવાર માટે રૂ. 1 - 1 લાખની જાહેરાત કરી
આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારના વ્હારે સાવલી વિધાનસભાના ધારાસભ્ય આવ્યા છે. તેમણે મૃતકોના પરિવાર માટે રૂ. 1 - 1 લાખની જાહેરાત કરી છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પોતાના બે વર્ષના પગારમાંથી મૃતકોના પરિવારને સહાય આપશે. આ રીતે દુર્ઘટનામાં ચૂંટાયેલા પ્રતિનિધી દ્વારા વ્યક્તિગત ધોરણે મદદ કરવામાં આવી હોવાનો આ પ્રથમ કિસ્સો હોવાની લોકચર્ચા છે. આ જોતા આગામી સમયમાં અન્ય લોકો પણ મૃતક પરિવારોની મદદ માટે આગળ આવે તો નવાઇ નહીં.
આ પણ વાંચો ---- VADODARA : બ્રિજ દુર્ઘટનામાં રેસ્ક્યૂ જારી, પુલનો ભાગ તોડવા મશીન કામે લાગ્યું