VADODARA : ગુજસીટોકનો આરોપી રિમાન્ડ પર, બાકી લોન વાળા વાહનોનો દુરઉપયોગ કરતો
- ગુજસીટોકના આરોપીઓ સામે કડક કાર્યવાહી
- ફરિયાદ બાદ એક પછી એકની ધરપકડ જારી
- ઝુબેર મેમણના 5, મે સુધીના રિમાન્ડ મંજુર કરતી કોર્ટ
VADODARA : તાજેતરમાં વડોદરા પોલીસ દ્વારા અલ્પુ સિંધી ગેંગના 8 સાગરિતો વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગુનો નોંધાયા બાદ તે પૈકીના પપ્પુ ડાવર, રવિ દેવજાણી, અને યથ ચાવલા બાદ હવે ઝુબેર સફીભાઇ મેમણ (રહે. મોગલવાડા, વાડી, વડોદરા) ની ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ઝુબેર સામે 66 ગુના નોંધાયેલા છે. તે લોનના હપ્તા નહીં ભરી શકનાર વ્યક્તિઓને વિશ્વાસમાં લઇને તેમના વાહનો મેળવતો હતો. જેનો ઉપયોગ તે દારૂની હેરાફેરીમાં કરતો હોવાનું હાલ સપાટી પર આવી રહ્યું છે. હાલ ઝુબેર 5, મે સુધી રિમાન્ડ પર છે.
બિનહિસાબી નાણાંનું મિલકતોમાં રોકાણ કરવામાં આવ્યું
તાજેતરમાં ગુજસીટોક કેસના આરોપી ઝુબેર સફીભાઇ મેમણ ની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં અત્રેની કોર્ટમાં ગુજસીટોક કેસના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રધુવિર પંડ્યા દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આરોપી સંગઠિત ગેંગ હેઠળનો દારૂનો મુખ્ય સપ્લાયર છે. મધ્ય ગુજરાતમાં સૌથી મોટી દારૂના સપ્લાયર પૈકી સંગઠિત ગેંગનો સભ્ય છે. વડોદરા તથા દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે દારૂનું સામ્રાજ્ય ઉભુ કરીને બિનહિસાબી નાણાંનું મિલકતોમાં રોકાણ કરવામાં આવ્યું હોવાનું જણાય છે. અલ્પુ સિંધી અને ઝુબેર મેમણની અનેક ગુનાઓમાં સંયુક્ત સંડોવણી પણ સામે આવી ચુકી છે.
કોર્ટે આરોપીના 5, મે સુધીના રિમાન્ડ મંજુર કર્યા
વધુમાં જણાવ્યું કે, તેઓ ગુનાહિત પ્રવૃત્તિમાં વ્યક્તિ અથવા સંદેશો માટે કોડનો ઉપયોગ કરે છે. બોર્ડર ક્રોસ કરીને ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના નેટવર્કમાં તેની મુખ્ય ભૂમિકા છે. તેના વિરૂદ્ધ આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન, હત્યાનો પ્રયાસ જેવા 66 ગુના નોંધાયેલા છે, તેને બે વખત પાસા પણ થયા છે. ઝુબેર કારના બાકી હપ્તા હો. તેવા લોકો સુધી પહોંચતો હતો, અને તેમને વિશ્વાસમાં લઇને કાર મેળવી લેતો હતો. બાદમાં આ વાહનનો ઉપયોગ અન્યત્રેથી દારૂ ભરી લાવીને વડોદરા, નવસારી, અંકલેશ્વર, ભરૂચ ખાતે ડિલીવરી માટે થતો હતો. આખરે કોર્ટે આરોપીના 5, મે સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. આ રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો --- VADODARA : કૃણાલ ચાર રસ્તા પાસે 150 પથારાના શેડ દુર કરાયા, 7 ની અટકાયત