VADODARA : યોગ સાથે બદલાયો જીવનનો દૃષ્ટિકોણ, મહિલાએ 30 કિલો વજન ઘટાડ્યું
- વિશ્વ યોગ દિવસ (INTERNATIONAL YOGA DAY) પૂર્વે સ્થૂળતા સામેની જંગની અનોખી કહાની સામે આવી
- મહિલાએ ત્રણ વર્ષમાં કમાલ કરી દીધો
- આજે મહિલા યોગ થકી અન્યના જીવનમાં બદલાવ લાવી રહ્યા છે
VADODARA : સ્થૂળતા (OBESITY) આજે એક વૈશ્વિક આરોગ્ય પડકાર તરીકે ઊભરી રહી છે, જે માત્ર શારીરિક જ કષ્ટ નથી લાવતી પણ માનસિક અને સામાજિક સ્તરે પણ અનેક પડકાર ઉભા કરે છે. આવા સમયમાં યોગ (YOGA) જીવન બદલવાની શક્તિ ધરાવે છે એનું જીવતું ઉદાહરણ છે વડોદરાના 55 વર્ષીય મીનાબેન સચાનિયા.
નબળું શરીર, મનોબળની અછત અને વધતી તણાવભરી પળો
મૂળ સૌરાષ્ટ્રના અને અગાઉ મીઠાપુરમાં આવેલી ખાનગી કંપનીમાં ગ્રામ વિકાસ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવનાર મીનાબેન વર્ષ 2007માં વડોદરા સ્થાયી થયા હતા. તે બાદ જીવનમાં અનેક ફેરફારોમાંથી તેઓ પસાર થયા હતા. વ્યવસાય સહિત પરિવારીક જવાબદારીઓ અને જીવનશૈલીમાં થયેલા બદલાવના પરિણામે તેમનું વજન વધી 110 કિલોગ્રામ સુધી પહોંચી ગયું હતું. નબળું શરીર, મનોબળની અછત અને વધતી તણાવભરી પળો વચ્ચે એક સમય એવો આવ્યો જ્યારે એમણે પોતાની જાતને બદલી નાખવાનો મક્કમ નિણર્ય લીધો હતો.
સોફા પરથી ઊભા થવામાં ટેકાની જરૂર પડતી
વર્ષ 2020 માં મીનાબેને યોગ સાથે જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી હતી. આરંભમાં આસનો કરવામાં તકલીફોનો સામનો કરવો પડ્યો હતો, સાથે જ પગ જોડીને બેસવું મુશ્કેલ હતું, સોફા પરથી ઊભા થવામાં ટેકાની જરૂર પડતી હતી, પણ નિયમિત યોગાભ્યાસ અને મનોબળથી ત્રણ વર્ષમાં મીનાબેને આશરે 30 કિલોગ્રામ વજન ઘટાડ્યું છે. આજે તેઓ માત્ર શારીરિક રીતે સ્વસ્થ સહિત માનસિક રીતે પણ સ્વસ્થ અનુભવે છે.
આશરે 65 લોકોને યોગ તાલીમ
મીનાબેન કહે છે, “યોગ એ મને લવચીક બનાવવાની સાથે મારા ગુસ્સા અને જીવનની ગતિ પર કાબૂ મેળવવામાં પણ મદદ કરી છે. હવે જીવનમાં શિષ્ટતા અને આત્મવિશ્વાસનો સાથ છે.” તેઓ હાલમાં ગુજરાત યોગ બોર્ડ સાથે યોગ ટ્રેનર તરીકે જોડાયેલા છે અને દરરોજ વિવિધ વયજૂથના આશરે 65 લોકોને યોગ તાલીમ આપે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે તેમનો અભ્યાસ લાભદાયક સાબિત થઈ રહ્યો છે.
બીજાના જીવનમાં પણ સકારાત્મક બદલાવ લાવવાનું કામ
કોઈક સમય તે ઘરબેઠાં અથાણાં અને ઘરમાં બનાવેલા ખાદ્યપદાર્થો વેચતાં, આજે તે લોકોને સ્વાસ્થ્યના માર્ગે દોરી રહ્યાં છે. “યોગે મારા જીવનની દિશા બદલાવી. આજે હું બીજાના જીવનમાં પણ સકારાત્મક બદલાવ લાવવાનું કામ કરી રહી છું – એથી વધુ તૃપ્તિ બીજી શું હોઈ શકે?” એમ તેઓ આત્મવિશ્વાસપૂર્વક કહે છે.
યોગ એક સાર્થક અને ટકાઉ વિકલ્પ બની શકે
યોગ માત્ર કસરત નથી — તે મન, શરીર અને આત્માના સમન્વયનો માર્ગ છે. સ્થૂળતા સામેની લડતમાં યોગ એક સાર્થક અને ટકાઉ વિકલ્પ બની શકે છે. માઇન્ડફુલનેસ, શારીરિક પ્રવૃત્તિ અને તણાવ નિયંત્રણના માધ્યમથી તે ન માત્ર વજન ઘટાડે છે, પણ જીવનશૈલીમાં હકારાત્મક પરિવર્તન લાવે છે. મીનાબેનની કહાની એ સાબિતી છે કે સમયસર લેવાયેલો નિર્ણય જીવનને નવા રંગ આપી શકે છે.
આ પણ વાંચો --- Surat : આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું કેન્દ્ર, શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન માટે બેંકોને એલર્ટ રહેવા સૂચના


