VADODARA : અષાઢી બીજની તૈયારીઓ શરૂ, સભાગૃહમાં રંગરોગાન, રથ બહાર કઢાયો
- વડોદરાના ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાની તૈયારીઓ શરૂ કરાઇ
- રથ પરિસરમાં બહાર કઢાયો, રંગરોગાન પણ શરૂ કરાયું
- વિદેશથી ફૂલો મંગાવીને સુશોભન કરાશે
VADODARA : અષાઢી બીજના દિવસે ઇસ્કોન મંદિર (ISKON - VADODARA) દ્વારા વડોદરામાં વર્ષોથી રથયાત્રા (RATHYATRA - 2025) નું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે એક મહિના બાદ 27 જુનના રોજ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજી નગરચર્યાઓ નીકળશે. આ પહેલા ઇસ્કોન મંદિર દ્વારા પૂર્વ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ઇસ્કોન મંદિરના સભાગૃહમાં રંગરોગાન સાથે ભગવાનની લીલા ફરી કંડારવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ રથયાત્રાના રથને સમારકામ અર્થે બહાર કાઢવામાં આવ્યો છે. આ વખતે વિદેશથી લાખો રૂપિયાના ખર્ચે ફુલો લાવીને વિશેષ શણગાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
રથના દરેક પાર્ટસને ચેક કરવામાં આવશે
વડોદરામાં વર્ષોથી ઇસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે 27, જુને એટલે કે એક માસ બાદ રથયાત્રામાં બેસીને ભગવાન નગરચર્યાએ નીકળશે. ઇસ્કોન મંદિર દ્વારા તે માટેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામીનું કહેવું છે કે, હાલ રથને સમારકામ અર્થે બહાર કાઢવામાં આવ્યો છે. રથના દરેક પાર્ટસને ચેક કરવામાં આવશે. તે દરમિયાન જરૂર જણાશે, તે વસ્તુને બદલવામાં આવશે. આ કામ બે દિવસમાં શરૂ કરી દેવામાં આવશે.
રૂ. 5 લાખના ખર્ચે આ ફૂલો મંગાવીને સુશોભન કાર્ય કરાશે
મંદિર સુત્રોનું કહેવું છે કે, રથયાત્રે પૂર્વ મંદિરના સભાગૃહમાં ભગવાનની લીલાને ફરી કંડારવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે. ભગવાની લીલાને અગાઉ વર્ષ 1998 માં પ્લાસ્ટીકના મોલ્ડિંગ થકી કંડારવામાં આવી હતી. જેને આ વર્ષે ફરી વખત કંડારવામાં આવનાર છે. સુત્રોએ તેમ પણ ઉમેર્યું કે, રથયાત્રા માટે આ વર્ષે વિદેશથી ફૂલો મંગાવવામાં આવ્યા છે. આશરે રૂ. 5 લાખના ખર્ચે આ ફૂલો મંગાવીને સુશોભન કાર્ય કરવામાં આવશે. જે આવનાર સમયમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ પણ વાંચો --- VADODARA : પાલિકાએ 15 દિવસ વોચ ગોઠવી શેરડીના કૂચા અને પડિયા નાંખનારને ઝડપ્યો