VADODARA : ખોડિયાર નગરમાં માટી ભરેલી ટ્રક ખાડામાં પડતા પલટી ગઇ
- શહેરના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોનીના વોર્ડની ઘટના
- કાંસની કામગીરી બાદ રોડ જેમ તેમ પુરીને મુકી રખાયો
- માટી ભરેલો ટ્રક પસાર થતા ટાયર ખૂંપ્યું અને પલટી ગયો
VADODARA : વડોદરા (VADODARA) ના ખોડિયાર નગર (KHODIYAR NAGAR) વિસ્તારમાં ગત રાત્રે ખાડામાં ટ્રકનું ટાયર રસ્તાના ખાડામાં ખૂંપી જવાના કારણે પલટી (TRUCK TURNED) હોવાની ઘટના સામે આવી છે. જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. ટ્રક માટીથી ભરેલી હોવાથી પલટી જવાના કારણે રોડ પર માટી વેરાઇ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં પાલિકા તંત્ર દ્વારા વરસાદી કાંસની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ તે બાદ રોડનું યોગ્ય સમારકામ હાથ ધરવામાં નહીં આવતા આ ઘટના સર્જાઇ છે. આ બાદ હવે પાલિકાનું તંત્ર ક્યારે રોડનું સમારકામ કરે છે તે જોવું રહ્યું.
માટી ભરેલી ટ્રક રાત્રીના સમયે જઇ રહી હતી
વડોદરામાં આજે પણ રોડ રસ્તા અને પાણી જેવી પાયાની જરૂરિયાતો સુદ્રઢ નહીં હોવાની બુમો ઉઠતી હોય છે. બંને મુદ્દે સમયાંતરે મોરચા પાલિકાની કચેરીએ જતા હોય છે. છતાં તંત્ર બંને સુવિધાઓ દુરસ્ત કરવામાં કાચુ પડી રહ્યું છે. ચોમાસા પહેલા રોડ-રસ્તાની હાલત સુધારી દેવાની હોય, પરંતુ હકીકત તેનાથી વિપરીત જણાઇ રહી છે. શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં માટી ભરેલી ટ્રક રાત્રીના સમયે જઇ રહી હતી. દરમિયાન ખાડામાં ટાયર ખૂંપી જતા ટ્રક પલટી ખાઇ ગઇ હતી. અને માટી વેરાઇ ગઇ હતી. જેને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા.
રોડનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી
આ ઘટના સમયે આસપાસથી કોઇ પસાર થતું નહીં હોવાના કારણે મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર, ખોડિયાર નગર વિસ્તારમાં પંચમ ત્રણ રસ્તાથી સરદાર એસ્ટેટ પાછળ જવાના રસ્તે વરસાદી કાંસની કામગીરીને લઇને ખાડા ખોદવામાં આવ્યા હતા. જેની કામગીરી પૂર્ણ થયા બાદ અઠવાડિયાનો સમય વિતી ગયો છે. પરંતુ રોડનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી. જેને પગલે આ ઘટના સર્જાઇ છે. આ ઘટના મેયર પિન્કીબેન સોનીના વોર્ડની હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નહીં આપતા 7 શાળા સીલ કરાઇ