VADODARA : રૂ. 86 ના બાકી વીજ બીલ માટે કંપનીએ કનેક્શન કાપી મીટર ઉઠાવી લીધું
- વડોદરામાં આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો સામે આવ્યો
- બાકી વીજ બીલની સામે મહિલાએ અનેકઘણા રૂપિયા ચૂકવ્યા
VADODARA : વડોદરા (VADODARA) માં વિજ કંપની એમજીવીસીએલ (MGVLC) દ્વારા માત્ર રૂ. 86 વીજ બિલ બાકી હોવાના કારણે વીજ કનેક્શન કાપીને મીટર ઉઠાવી લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સામે વીજ કચેરી દ્વારા મહિલા જોડે રૂ. 650 ભરાવડાવ્યા છે, અને બાદમાં તેમનું મીટર ફરી મુકવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે વીજ કંપની દ્વારા નાના બાકીદારો પર જોર અજમાવવામાં આવતું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પરિવાર બહાર ગયો હોવાથી તેમનું બીલ બાકી હોવાનું મહિલાએ મીડિયા સમક્ષ જણાવ્યું છે.
પરિવારે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં શ્રીજય મહાકાળી નગર આવેલું છે. અહિંયા શશીકલાબેન હરિશભાઇ મોરે રહે છે. અને ઘરકામ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. તાજેતરમાં તેઓ પોતાના પુત્ર સાથે બહારગામ ગયા હતા. બે મહિના બાદ તેઓ પરત ફરતા તેમનું રૂ. 86 વીજ બીલ બાકી બોલતું હતું. જેથી વીજ કંપની એમજીવીસીએ દ્વારા તેમનું કનેક્શન કાપીને મીટર ઉઠાવી લેવામાં આવ્યું હતું. જેને પગલે પરિવારે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી
મહિલાનું કહેવું છે કે, સામાન્ય રીતે અમારૂ વીજ બીલ રૂ. 200 ની આસપાસ આવે છે. હું બહારગામ ગઇ હોવાથી મારૂ ઘર બંધ હતું. જેથી તે સમયનું બીલ રૂ. 86 બાકી હતું. જેને લઇને વીજ કંપનીએ કનેક્શન કાપી લીધું અને મીટર ઉઠાવી ગયા હતા. બાકી બીલની રકમ સામે મેં રૂ. 650 ભર્યા હતા. બીજી તરફ વીજ કંપનીના અધિકારીનું કહેવું છે કે, અમારા દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ઘર કેટલાક સમયથી બંધ હોવાના કારણે વીજ મીટર કાઢી લેવામાં આવ્યું છે. અને ગ્રાહકે બીલના પૈસા ભરપાઇ કરતા જ મીટર પરત મુકી આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : કોર્ટ પરિસરમાં વકીલ જોડે માથાકુટ કરનાર PI-કોન્સ્ટેબલની બદલી