VADODARA : ઇતિહાસ અને કળાનું સંગમસ્થળ એટલે વડોદરાનું મ્યુઝિયમ
- સંસ્કારી નગરીનું મ્યુઝિયમ અનેક વિવિધતાઓથી ભરેલું છે
- ઐતિહાસીક વારસાના ખજાના જેવું મ્યુઝિયમ નજીવા દરે માણી શકાય છે
- શહેરના કમાટીબાગમાં મ્યુઝિયમ આવેલું છે
VADODARA : ગુજરાત રાજયનાં વિવિધ સંગ્રહાલયોમાં તેની વિશાળ સાંસ્કૃતિક સંપદા, કલા, પુરાતત્ત્વીય અને સમકાલીન માનવ સમુદાયને લગતી ચીજવસ્તુઓ તેમજ પ્રાકૃતિક ઇતિહાસનાં નમૂનાઓનું સંરક્ષણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજયનાં વિવિધ સંગ્રહાલયોમાં સંગ્રહિત અને પ્રદર્શિત આ સાંસ્કૃતિક ખજાનાઓ મુલાકાતીઓ તથા વિદ્યાર્થીઓને અવૈધિક શિક્ષણ પૂરું પાડે છે. ગુજરાત રાજયમાં વિવિધ ઐતિહાસિક નગરી, આદિવાસી વિસ્તારો અને પ્રવાસન સ્થળોએ રાજય સરકાર સંચાલિત ૧૫ સંગ્રહાલયો આવેલા છે.
ગૌરવગાથાનું ગૌરવસભર મથક
વડોદરા સ્થિત સંગ્રહાલય અને ચિત્રાલય રાજયનું નમૂનેદાર અને સૌથી મોટું સંગ્રહાલય (VADODARA MUSEUM) છે. શિક્ષણૢ ક્ષેત્રે મહાન, જાગૃત અને દ્રષ્ટિવંત રાજયકર્તા શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ( ત્રીજા ) દ્વારા ઇ.સ. ૧૮૮૭ ની સાલમાં આ સંગ્રહાલય ઇમારતનો શિલાન્યાસ થયેલ. આ સંગ્રહાલયની ઇમારતનું સ્થપતિકાર્ય બ્રિટિશ સ્થપતિઓ દ્વારા વિશિષ્ટ ઇન્ડો – સારસેનિક શૈલીથી કરવામાં આવ્યું. તેને ઇ.સ. ૧૮૯૪ માં આમ પ્રજા માટે ખુલ્લું મુકવામાં આવ્યું. આ ઇમારતને સંલગ્ન ચિત્રાલયની ઇમારત પછીથી બનાવવામાં આવી. આ કાર્ય પણ ઈ.સ. ૧૯૧૪ માં સંપન્ન થયું. વડોદરા સંગ્રહાલયનું મકાન ખુદ મનોહર શિલ્પ કળાના ઉત્કૃષ્ટ નમૂનારુપ છે. જે શહેરના વિવિધ ભાગો તરફથી સરળતાથી પહોંચી શકાય તેવા વિખ્યાત અને રમણીય સયાજીબાગમાં ( કમાટીબાગમાં ) આવેલ છે.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત
આ સંગ્રહાલય તેનાં વિરલ અને અદ્વિતીય સંગ્રહ તથા સ્થાનિક , પ્રાદેશિક , રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ માનવસંસ્કૃતિઓ અને સંસ્કારિતાનું પ્રતિનિધિત્વ કરતાં સંગ્રહને લીધે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલું છે. તેમાં યુરોપનાં તૈલચિત્રો , ઇજીપ્તની કળા, ભારત – ગ્રીક કળાઓનું સુભગ સંમિશ્રણ ધરાવતાં નમૂનાઓ અને પ્રાકૃતિક ઇતિહાસના નમૂનાઓ વગેરે ઉત્કૃષ્ટ સંગ્રહનો સમાવેશ થાય છે.
વિવિધ કલા શાખાઓના ચિત્રોનો વૈવિધ્યસભર સંગ્રહ
બરોડા મ્યુઝિયમમાં 27 વિવિધ ગેલેરીઓ છે જે 10,000 થી વધુ કલાકૃતિઓ દર્શાવે છે. ઇજિપ્તીયન બાળકીનું મમી, 72 ફૂટનું બ્લુ વ્હેલ સ્કેલેટન, પ્રાણી પક્ષીઓ અને દરિયાઈ જીવોના અવશેષો, હમઝા નામાના માસ્ટરપીસ વન ફોલિયો, રમઝા નામાના 35 ફોલિયો, ચંબા રૂમાલ, પૈથિની અને નામાવલી સાડીઓ, શુદ્ધ ચંદનના લાકડામાંથી બનાવેલ બર્મીઝ ગોંગ, અકોટા કાંસ્ય, 200 થી વધુ સંગ્રહો સાથે યુરોપિયન ચિત્ર ગેલેરી આ ભવ્ય માળખાના ઘણા મુખ્ય આકર્ષણોમાંના કેટલાક છે. આ સંગ્રહાલયમાં મુઘલ, રાજપૂત અને યુરોપિયન સહિત વિવિધ કલા શાખાઓના ચિત્રોનો વૈવિધ્યસભર સંગ્રહ પણ છે. આ ચિત્રો વર્ષોથી આ પ્રદેશને આકાર આપતી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઘટનાઓનું દ્રશ્ય વર્ણન આપે છે. સંગ્રહાલયમાં હસ્તપ્રતો, સિક્કા અને અન્ય પુરાતત્વીય શોધોનો વિશાળ સંગ્રહ પણ છે જે પ્રાચીન સમયમાં લોકોના સામાજિક, રાજકીય અને આર્થિક જીવન પર પ્રકાશ પાડે છે.
સંગ્રહાલય ફકત જાહેર રજાઓમાં બંધ
બરોડા મ્યુઝિયમ આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું છે. અહીં સંગ્રહિત વસ્તુઓની માહિતી ઓડિયો વિઝ્યુલ્સ સાથે ક્યુ.આર. કોડના માધ્યમ થકી મ્યુઝિયમ નિહાળવા આવતા મુલાકાતીઓને આપવામાં આવે છે. અન્ય ઉપયોગી માહિતીમાં મ્યુઝિયમની પ્રવેશ ફી ભારતીય નાગરીકો માટે રૂ. 100 ( પ્રતિ વ્યકિત ) અને વિદેશી વ્યકિત માટે રૂ . 250 ( પ્રતિ વ્યકિત ) ( ૪ વર્ષથી મોટી વયનાં દરેક વ્યકિત માટે ) રાખવામાં આવી છે. મ્યુઝિયમનો પ્રવેશ સમય સવારના ૧૦.૩૦ થી સાંજના ૫.૦૦ કલાક સુધી અને સંગ્રહાલય ફકત જાહેર રજાઓમાં બંધ રહે છે.
આ પણ વાંચો --- International Museum Day નિમિત્તે ASI સ્મારકો અને સંગ્રહાલયોમાં કોઈ પ્રવેશ ફી નથી