VADODARA : પેન્શનના અભાવે શિક્ષણ સમિતિના નિવૃત્ત મહિલા ભીખ માંગવા મજબૂર
- હાલ શિક્ષણ સમિતિના વર્ગ - 4 ના કર્મીઓ પડતર માંગણીઓને લઇને વિરોધ કરી રહ્યા છે
- આ વચ્ચે પેન્શનના અભાવે નિવૃત્ત વૃદ્ધા ભીખ માંગીને જીવન ચલાવતા હોવાનું સામે આવ્યું
- મહિલાનું કહેવું છે કે, તેમના જેવી અનેકની હાલત છે
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (NAGAR PRATHMIK SIKSHAN SAMITI) ના ચોથા વર્ગના મહિલા કર્મચારી પદમાબેન પટેલ વર્ષ 2013 માં નિવૃત્ત થયા હતા. આજે 12 વર્ષ બાદ પેન્શનના અભાવે તેઓ પોતાનું જીવન ભીખ માંગીને ચલાવી રહ્યા છે. તેઓ એકલા પોતાના ભાઇના ઘરે આશરો લઇ રહ્યા છે. તેમની લાચારીનો વીડિયો સોશિયલ મીડિયા મારફતે સપાટી પર આવ્યો છે. જેને પગલે શિક્ષણ સમિતિના મેનેજમેન્ટ ઉપર માછલા ધોવાઇ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, શિક્ષણ સમિતિના વર્ગ - 4 ના કર્મચારીઓ દ્વારા કાયમી કરવા સહિતના પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અને જ્યાં સુધી તેમની પડતર માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખનાર છે.
વૃદ્ધાની હાલત અત્યંત દયનિય
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, પદમાબેન પટેલ પાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વર્ગ - 4 માં કામાઠણ બાઇ તરીકે નોકરી કર્યા બાદ નિવૃત્ત થયા હતા. પોતાની ફરજ દરમિયાન 30 વર્ષ સુધી તેમણે શાળાની સાફસફાઇ, પાણી આપવા સહિતની કામગીરી નિભાવી હતી. સંઘ મારફતે તેમની સાથે અનેકની લડત કાયમી કરવાની સાથે કાયમી રાહે પગાર અને પેન્શન માટે વર્ષ 1992 થી ચાલી રહી છે. હાલ વૃદ્ધાની હાલત અત્યંત દયનિય છે. તેઓ વિતેલા 12 વર્ષથી ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.
કુટુંબની આબરૂ જોઇને ભીખ માંગી શકે તેવી હાલતમાં પણ નથી
પદમાબેને મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, હું મારા ભાઇના ઘરે એકલી રહું છું. માંગીને પુરૂ કરું છું, સરકાર પાસે કોઇ પણ પ્રકારની આશા નથી. તેમણે ઉમેર્યું કે, તેમના જેવી અનેકની હાલત છે, કેટલાક તો કુટુંબની આબરૂ જોઇને ભીખ માંગી શકે તેવી હાલતમાં પણ નથી. અત્રે નોંધનીય છે કે, શિક્ષણ સમિતિના વર્ગ - 4 માં કામ કરતા લોકો કાયમી કરવા સહિતની પડતર માંગણીને લઇને હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વખતે તેઓ આરપારની લડાઇના મૂડમાં છે. અગ્રણીના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી તેમની માંગ સ્વિકારમાં નહીં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન જારી રહેશે.
આ પણ વાંચો --- VADODARA : ઉચાપત કેસમાં દૂધ મંડળીના મંત્રી રિમાન્ડ પર, મોટા ખુલાસા થવાની શક્યતા