VADODARA : વકીલને ધમકી, કહ્યું, 'અમે ચાહીએ તો તને કોર્ટમાં કે ઓફિસમાં મારી નાંખીશુ'
- બાર એસો.ના પ્રમુખને ધમકી
- હત્યાના કેસમાં નિર્દોષ છુટેલા આરોપી દ્વારા ધમકી અપાઇ
- વકીલના જીવને જોખમ જણાતા આખરે મામલો પોલીસ મથક પહોંચ્યો
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા પાદરા (PADRA) માં બાર એસોના પ્રમુખ અને પ્રેક્ટીસીંગ વકીલને ખુનના કેસમાં નિર્દોષ છુટેલા આરોપીએ દ્વારા જાનથી મારી નાંખવાની (THREAT TO LAWYER) ધમકી આપી છે. તે બાદ મામલો પાદરા પોલીસ મથક પહોંચ્યો છે. આ મામલે ત્રણ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.
કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા
પાદરા પોલીસ મથક (PADRA POLICE STATION) માં દિપકભાઇ મથુરભાઇ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ વકીલાત કરે છે, અને પાદરા બાર એસો.ના પ્રમુખ તરીકે વિતેલા 6 વર્ષથી સેવા આપી રહ્યા છે. વર્ષ 2017 માં ભાયલી ખાતે ભૌમિક પટેલ નામના વ્યક્તિનું મર્ડર થયું હતું. જે તેમના સાથી વકીલ મિત્ર સુનિલ પટેલનો ભાણેજ જમાઇ હતો. આ મર્ડર કેસમાં સેશન્સ કોર્ટ ખાતે ટ્રાયલ દરમિયાન ફરિયાદી મિત્ર સાથે વાતચીત કરતા હતા. આ મામલે 5 મે, 2025 ના રોજ ચુકાદો આવ્યો હતો. જેમાં ગુનો સાબિત ના થતા કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા હતા.
તેને મર્ડર કેસમાં ચાર્જશીટકરવાનો બહું શોખ હતો
આ ગુનામાં સંડોવાયેલા પૈકી સહેજાદ ઉર્ફે બિલાલ ઇકબાલભાઇ વ્હોરા અને શાહરૂખભાઇ ઇકબાલભાઇ વ્હોરાની પાદરા ટાઉનના રામજી કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં દુકાન આવેલી છે. આ કોમ્પ્લેક્ષમાં બીજા માળે ફરિયાદી વકીલની ઓફિસ આવેલી છે. ફરિયાદીના વકીલ મિત્ર કિરીટ પટેલને આરોપીએ પુછ્યું હતું કે, ઉપર ઓફિસ આવેલી છે, તે દિપકભાઇ વકીલ ક્યાં છે, તેને મર્ડર કેસમાં ચાર્જશીટકરવાનો બહું શોખ હતો. આ અંગેની હકીકત વકીલ મિત્ર દ્વારા ફરિયાદીને જણાવવામાં આવી હતી.
આ કેસમાં રાખેલા પંચો અને સાહેદોને પણ હવે હું જોઇ લઇશ
ત્યાર બાદ 30, મે ના રોજ સાંજે ફરિયાદી ઓફિસથી પાદરા કોર્ટ તરફ જતા હતા. તે દરમિયાન શહેજાદ જોડે એક નજર થઇ જતા તેણે કહ્યું કે, તું મને શું જુએ છે, જેથી ફરિયાદી તેમની દુકાને ગયા હતા. જ્યાં શાહરૂખ, તેના પિતા ઇકબાલભાઇ અને અન્યએ મળીને તેમને ગાળો આપી હતી. અને કહ્યું કે, તે અમારા કેસમાં બહુ રસ લીધો છે, આ કેસમાં રાખેલા પંચો અને સાહેદોને પણ હવે હું જોઇ લઇશ. અમે ચાહીએ તો તને કોર્ટમાં આવીને કે તારી ઓફિસમાં આવીને જાનથી મારી નાંખીશું. ત્યાર બાદ ફરિયાદી વકીલ ત્યાંથી જતા રહ્યા હતા. બંનેની ઓફિસ એક જ કોમ્પ્લેક્ષમાં આવેલી હોવાથી વકીલના જીવને જોખમ જણાતું હતું. જેથી આખરે ઉપરોક્ત મામલે સહેજાદ ઉર્ફે બિલાલ ઇકબાલભાઇ વ્હોરા, શાહરૂખભાઇ ઇકબાલભાઇ વ્હોરા, અને ઇકબાલ અબ્દુલભાઇ વ્હોરા (રહે. પાદરા ટાઉન, પાદરા, વડોદરા ગ્રામ્ય) વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો --- VADODARA : મિત્ર સુધી ચિઠ્ઠી પહોંચાડી લાપતા બનેલો કોન્સ્ટેબલ હરિદ્રારથી મળ્યો


