VADODARA : હું જજ છું, કહીને પાણીપૂરીવાળાને દમદાટી આપનાર વિરૂદ્ધ ફરિયાદ
- વડોદરામાં અજાણ્યા કાર ચાલકે પાણીપુરીના વેપારીને ધમકાવ્યો
- તું બાંગ્લાદેશી છે, તેવો આરોપ મુકી ઓળખ પત્રો માંગ્યા
- પોલીસને ફોન કરવાનો ડોળ કરીને શખ્સ નાસી છુટ્યો
VADODARA : વડોદરા (VADODARA) માં પોતે જજની ઓળખ આપીને પાણીપૂરીવાળાને દમદાટી આપનાર શખ્સ વિરૂદ્ધ મકરપુરા પોલીસ મથક (MAKARPURA POLICE STATION) માં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીને દબોચવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. બની બેઠેલે શખ્સે પાણીપુરીના વેપારીને કહ્યું કે, હું કોર્ટનો જજ છું. મને સાહેબ કરીને વાત કરવાની, નહીંતર એક સેકન્ડમાં તારી લારી હટાવી નાંખીશ. તે બાદ તેણે અજાણ્યા શખ્સ જોડે પોલીસ મોકલવાની વાત પણ કરી હતી. પછી તે શખ્સ નાસી છુટ્યો હતો.
તારૂ આધારકાર્ડ અને પાનકાર્ડ બતાવ
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, મકરપુરા રાજીવનગરમાં રહેતા નારાયણસિંહ કુશ્વાહા આમ્રપાલી વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે સાવરીયા પાણીપુરીની લારી ચલાવે છે. તાજેતરમાં રાતના સમયે તેઓ લારી પર હતા. તે દરમિયાન એક શખ્સ તેમની પાસે પાણીપુુરી ખાવા માટે આવ્યો હતો. શખ્સે પાણીપુરીની લારી પરનું સ્કેનર મોબાઇલથી સ્કેન કરીને તેને કહ્યું કે, તારૂ આધારકાર્ડ અને પાનકાર્ડ બતાવ, તું બાંગ્લાદેશી છે, તને અહિંયા રહેવાનો કોઇ અધિકાર નથી, તું મને ઓળખતો નથી.
પોલીસ આવે તે પહેલા તે ત્યાંથી નાસી છુટ્યો
તે બાદ શખ્સે પોતે જજ હોવાની ઓળખ આપીને પાણીપુરીવાળાને દમદાટી આપી હતી. તેણે કહ્યું કે, હું કોર્ટનો જજ છું. મને સાહેબ કરીને વાત કરવાની, નહીંતર એક સેકન્ડમાં તારી લારી હટાવી નાંખીશ. તે બાદ તેણે અન્યને ફોન લગાવ્યો હતો. અને કહ્યું કે, હું જજ બોલું છું, પોલીસ મોકલો. જો કે, પોલીસ આવે તે પહેલા તે ત્યાંથી નાસી છુટ્યો હતો. આખરે ઉપરોક્ત મામલે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો --- VADODARA : લાઇટો ગુલ થયા બાદ કારેલીબાગ અને છાણી વિજ કચેરીએ ખાલી ખુરશીઓ મળી