VADODARA : પેટ્રોલપંપમાં ભાગીદારી છોડવા દબાણ મામલે નેતા-પોલીસ સામે સનસનીખેજ આરોપ
- વડોદરામાં પેટ્રોલપંપ પડાવી લેવા મામલે રાજકારણ રમાયું હોવાનો આરોપ
- ગૃહમંત્રીને કરેલી અરજીમાં પૂર્વ શહેર ભાજપ પ્રમુખ, ડે. મેયર સહિતના પર ગંભીર આરોપ
- સામે એસસી ક્વોટામાં પંપનું સંચાલન મેળવાર વિરૂદ્ધ આર્થિક ગોટાળા અંગે પોલીસ અરજી કરાઇ
VADODARA : વડોદરા (VADODARA) ના અટલાદરામાં આવેલા પેટ્રોલ પંપમાં ભાગીદારી જતી કરવા માટે ગંદુ રાજકારણ રમાયું હોવાના આરોપ સામે આવ્યા છે. આ મામલે યજ્ઞેશકુમાર શાસ્ત્રી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી-ગૃહમંત્રીને લેખિતમાં ફરિયાદ કરીને રજુઆત કરવામાં આવી છે. આ પત્રમાં નેતા અને પોલીસ બંનેએ મળીને તેમને દબાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અગાઉ આ મામલે મ્યુનિસિપલ કમિશનરને વિશ્વાસમાં લીધા વગર પોલીસ અરજી કરીને પરત ખેંચનારા પાલિકાના મહિલા એન્જિનિયર વિરૂદ્ધ ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.
અટલાદરા સ્થિત પેટ્રોલપંપ છીનવી લીધો
અરજદાર યજ્ઞેશકુમાર શાસ્ત્રીએ અરજીમાં કરેલા આરોપો અનુસાર, તેઓ આણંદના ગંભીરા રોડ પર 17 વર્ષથી પેટ્રોલ પંપ ચલાવે છે. ભાજપના હોદ્દોદારો અને પોલીસ અધિકારીઓએ સત્તાનો દુરઉપયોગ કરીને તેમના સાળા રોનક અશોકકુમાર પંડ્યાનો અટલાદરા સ્થિત પેટ્રોલપંપ છીનવી લીધો છે. તે પંપ પર જાય તો તેને એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવે છે. અને સાંઇ શ્રીનાથજી પેટ્રોલિયમ વાળો પેટ્રોલપંપની માંગણી કરતા જણાવે છે કે, પાર્ટી ફંડમાં પૈસા આપવા પડે છે.
કમિશનના 7 - 8 કરોડ રુપિયા આવ્યા
લેખિત ફરિયાદમાં વધુમાં જણાવ્યા અનુસાર, ત્રણ વર્ષ અગાઉ વાસણા-ભાયલી રોડ પર નવી રેસ્ટોરેન્ટ શરૂ કરી હતી. જેમાં ડે. મેયર ચિરાગ બારોટ, અનિલસિંહ ચૌહાણ, અને જયેશ પરમારને બોલાવ્યા હતા. આ તકે એસ્ટેટ બ્રોકર મૃગેશ પટેલે જણઆવ્યું કે, ચિરાગ બારોટનો વહીવટી હું સંભાળું છું. કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો પાસેથી કમિશનના 7 - 8 કરોડ રુપિયા આવ્યા છે. તેનાથી બોરસદમાં ખેતીની જમીનો ખરીદી છે, અને હોટલો-પેટ્રોલ પંપ બનાવ્યા છે. વડોદરામાં એક પેટ્રોલ પંપ અપાવો.
પેટ્રોલપંપ ભુલી જવાનો તને કશું નહીં મળે
ફરિયાદમાં વધુ આરોપ મુકતા જણાવ્યું કે,ચિરાગ બારોટે ફાઇનાન્સની વ્યવસ્થા કરવા જણઆવતા મારા સાળાને ભાગીદાર બનાવીને રૂ. 30 લાખનું રોકાણ કરાવ્યું હતું. તેમજ નડિયાદમાં બીજો પેટ્રોલપંપ ખરીદવાનું નક્કી કર્યું હતું. જો કે, ચિરાગ બારોટે બાકીના પૈસા ચૂકવ્યા વગર જ પેટ્રોલ પંપ પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. અને પાર્ટી કાર્યાલય પર બોલાવીને પૈસા પાછા લઇને ઝપાઝપી કરીને કાઢી મુક્યો હતો. જેથી પૈસાની માગણી કરતા પછી આપીશું, અને બાદમાં તારે પેટ્રોલપંપ ભુલી જવાનો તને કશું નહીં મળે તેવી ધમકી આપી હતી. આ પત્રમાં ભાજપના પૂર્વ અધ્યક્ષ ડો. વિજય શાહ, ડે. મેયર ચિરાગ બારોટ, અનિલ ચૌહાણ, નીલ બારોટ, અકોટા પીઆઇ સહિતના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બેંકમાં એક તરફી પત્ર લખ્યો
બીજી તરફ એસસી ક્વોટામાં પેટ્રોલ પંપ મેળવનાર રોનક પંડ્યા અને યજ્ઞેશ શાસ્ત્રી વિરૂદ્ધ હર્ષદ રોહિતે પોલીસ અરજી કરી છે. જેમાં જણાવ્યા અુસાર, કંપની સંચાલકોએ શિડ્યુલ કાસ્ટ ક્વોટાનો પેટ્રોલપંપ ચલાવવા જાહેરાત આપી, હર્ષદ રોહિતનો વર્ષ 2024 માં ઓપરેટર તરીકે જાહેર કર્યો હતો. બાદમાં હર્ષદ રોહિતે તેના મિત્રનું રોકાણ કરાવ્યું હતું. પેટ્રોલપંપ શરૂ થઇ ગયાના થોડાક સમયમાં જ હર્ષદ રોહિતની જાણ બહાર યજ્ઞેશકુમાર શાસ્ત્રી અને રોનક પંડ્યાએ બેંકમાં એક તરફી પત્ર લખ્યો હતો. અને હર્ષદ રોહિતને મુસાફરી કરવી પડતી હોવાથી પંપનો વહીવટ રોનક પંડ્યા કરશે તેમ જણાવ્યું હતું. આ અંગેની જાણ હર્ષદ રોહિતને થતા તેણે બેંકમાં જાણ કરી હતી. અને રૂ. 74 લાખની ઠગાઇ મામલે બંને વિરૂદ્ધ પોલીસમાં અરજી કરી હતી.
આ પણ વાંચો --- Jamnagar : લોકરક્ષક દળની પરીક્ષા આપવા જઈ રહેલા SRP જવાનનું અકસ્માતમાં મોત