VADODARA : પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરથી 1774 મહિલાઓને મળી મદદ
- મહિલાઓને સક્ષમ બનાવતો સરકારનો પ્રોજેક્ટ
- વડોદરામાં મોટી સંખ્યામાં મહિલાઓને લાભ મળ્યો
- સાવલી પોલીસ સ્ટેશન ખાતે પણ નવા મહિલા સહાયતા સેન્ટરની મંજૂરી મળી
VADODARA : ગુજરાત સરકાર (GUJARAT GOVT) ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘરેલુ હિંસા સહિત અન્ય સમસ્યાઓથી અસરગ્રસ્ત અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે કાઉન્સેલીંગ, માર્ગદર્શન અને સંસ્થાકીય મદદ પૂરી પાડવાના હેતુથી સમગ્ર રાજ્યમાં પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર (POLICE STATION SUPPORT BASED CENTER - VADODARA) યોજના અમલમાં છે. જે અંતર્ગત વડોદરા જિલ્લામાં કુલ ૭ પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરમાં અત્યાર સુધીમાં કુલ ૧૭૭૪ મહિલાઓ સક્ષમ બની છે.
વકીલની સહાય મેળવીને કોર્ટમાં કેસ રજૂ કરવામાં આવે છે
આ સેન્ટર દ્વારા પોલીસ સ્ટેશનમાં રજૂ કરાયેલ મહિલા સંબધી કેસો અને પારિવારિક પ્રશ્નો બાબતે મહિલાલક્ષી કાઉન્સેલિંગ કરી સમાધાન, કાયદાકીય સલાહ અને માર્ગદર્શન પૂરી પાડવામાં આવે છે. વધુમાં જો ઘરેલુ હિંસા સંબધી કેસ દાખલ કરવાની જરૂરિયાત જણાય તો દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી સાથે સંકલનમાં રહીને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વકીલની સહાય મેળવીને કોર્ટમાં કેસ રજૂ કરવામાં આવે છે.
દર વર્ષે લાભાર્થીઓની સંખ્યામાં ક્રમશ વધારો
રાજ્ય સરકારની આ પહેલ અંતર્ગત વડોદરા જિલ્લામાં કુલ ૧૭૭૪ મહિલાઓએ લાભ લેતા ખૂબ જ અસસકારક બની છે. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં કુલ-૫૦૬ અને વર્ષ ૨૦૨૩-૨૪ માં કુલ ૪૯૭ મહિલાઓએ સહાયતા મેળવી છે. જ્યારે વર્ષ ૨૦૨૪ થી મે ૨૦૨૫ સુધીમાં કુલ ૭૭૧ મહિલાઓએ પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરનો લાભ લીધો છે.
7 સેન્ટર કાર્યરત, વધુ શરૂ કરાશે
વડોદરા જીલ્લામાં કુલ ૭ મહિલા સહાયતા કેન્દ્ર હાલ કાર્યરત છે. જેમાં બાપોદ, કારેલીબાગ, મકરપુરા, ગોરવા, પાદરા, કરજણ અને ડભોઇ પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ ગ્રામ્ય વિસ્તારમાં સેન્ટરનો લાભ પહોંચે તે માટે વર્ષ ૨૦૨૪-૨૫ માં ડભોઇ અને કરજણ ખાતે નવા મહિલા સહાયતા સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે સાવલી પોલીસ સ્ટેશન ખાતે પણ નવા મહિલા સહાયતા સેન્ટરની મંજૂરી મળી ગઈ છે.
નિર્ણય લેવા સક્ષમ બનાવવા સાથે અને સંસ્થાકીય સહાય
ઉલ્લેખનીય છે કે, આ સેન્ટર થકી લિંગભેદ, સ્ત્રી ભ્રૂણહત્યા, ઘરેલુ હિંસા, અત્યાચાર અને સામાજિક અસમાનતા જેવા પ્રશ્નોમાં અસરગ્રસ્ત મહિલાઓને પોતે નિર્ણય લેવા સક્ષમ બનાવવા સાથે અને સંસ્થાકીય સહાય કરવામાં આવી રહી છે. આ સાથે અસરગ્રસ્ત મહિલા અને તેના પરિવારજનોને આવશ્યકતા મુજબ 'કાઉન્સેલિંગ' કરીને કાયદાકીય રક્ષણ તથા અન્ય વિકલ્પો પૈકી મહિલાની પોતાની પસંદગી અને નિર્ણય મુજબની કાર્યવાહીમાં મદદ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : પાદરામાં રૂ. 95.49 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ