VADODARA : નશામાં ધૂત PSI ની કારનો અકસ્માત, બાળકી ઇજાગ્રસ્ત
- વડોદરાના છાણીમાં મોડી રાત્રે કાર અકસ્માતની ઘટના બની
- કાર ચાલક પીએસઆઇ નશામાં ધૂત હોવાનું ખૂલ્યું
- પીએસઆઇએ જીએસટી કમિશનરની કારને ટક્કર મારી
- આ ઘટનામાં ઇજાગ્રસ્ત બાળકી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ
VADODARA : વડોદરામાં ગત રાત્રે રાજપીપળામાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઇ રજા પર હોવાથી કારમાં બોટાદ જઇ રહ્યા હતા. તે દરમિયાન વડોદરાના છાણી બ્રિજ પાસે પીએસઆઇની કારનો જીએસટી કમિશનરની કાર જોડે અકસ્માત સર્જાયો હતો. આ ઘટના બાદ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. આ વચ્ચે કારમાં વર્દિમાં બેઠેલા પીએસઆઇને બહાર કાઢતા તે નશામાં ધૂત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવ્યું હતું. આખરે પોલીસે નશામાં ધૂત પીએસઆઇની અટકાયત કરીને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં એક બાળકી પણ ઇજાગ્રસ્ત થઇ છે, જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
પીએસઆઇને પોલીસ મથકે લાવવામાં આવ્યા
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, રાજપીપળામાં ટ્રાફિક પોલીસમાં પીએસઆઇ વાય. એચ. પઢીયાર ફરજ બજાવતા હતા. તેઓ રજા પર હોવાથી કારમાં બોટાદ જઇ રહ્યા હતા. દરમિયાન વડોદરાના છાણી બ્રિજ પાસે પીએસઆઇની કારે જીએસટી કમિશનર ડી. વી. ત્રિવેદીની કારને અડફેટે લઇને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં કારને નુકશાન પહોંચ્યું હતું. ઘટના બાદ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને પીએસઆઇને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. પીએસઆઇ એ હદે નશામાં ધૂત હતા કે કંઇ પણ સ્પષ્ટ બોલી શકે તેમ ન્હતા.
કારમાંથી શંકાસ્પદ પીણાની બોટલ મળી આવી
આ ઘટનામાં જવાહરનગર વિસ્તારમાં રહેતી એક નાની બાળકી ઇજાગ્રસ્ત થઇ હતી. જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના બાદ સામે આવેલા વીડિયોમાં પીએસઆઇની કારમાંથી શંકાસ્પદ પીણાની બોટલ પણ મળી આવી હોવાનું સપાટી પર આવ્યું છે. છાણી પોલીસ દ્વારા નશામાં ધૂત પીએસઆઇ પઢીયાર વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો --- VADODARA : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં 17 દેશના વિદ્યાર્થીઓ અભિવાદનમાં જોડાશે