VADODARA : RAPIDO ના રાઇડરે યુવતિને ખોટા રસ્તે લઇ જઇને અડપલાં કર્યા
- વડોદરામાં RAPIDO ના રાઇડરે યુવતિની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો
- ઓફિસથી ઘરે લઇ જતી વેળાએ શોર્ટ કટના નામે અવાવરૂ જગ્યાએ લઇ ગયો
- યુવતિ જોડે બળજબરી કરવા જતા ઝપાઝપી થઇ ગઇ
VADODARA : ટુ વ્હીલર પર રાઇડની સેવા આપતી RAPIDO એપ્લીકેશનના વડોદરા (VADODARA) ના રાઇડરે યુવતિને તેના ઘરે જવાની જગ્યાએ શોર્ટ કટના બહાને અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. ત્યાં જઇને તેણે યુવતિ જોડે અડપલાં કર્યા હતા. યુવતિએ આ વાતનો જોરમાં વિરોધ દર્શાવતા RAPIDO ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. આ મામલે યુવતિએ અટલાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ગણતરીના સમયમાં આરોપીને દબોચી લઇને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તમે રોજ આ રીતે આવ-જા કરો છો
વડોદરાના કલાલી વિસ્તારમાં રહેતી મૂળ આસામની યુવતિ કોલ સેન્ટરમાં કામ કરતી હતી. કાર્યના સ્થળે જવા માટે યુવતિએ RAPIDO એપ પરથી રાઇડ બુક કરી હતી. દરમિયાન તેની વાતચીત રાઇડર મહેશ વાઘેલા સાથે થઇ હતી. પહેલી રાઇડમાં મહેશે પુછ્યું કે, તમે રોજ આ રીતે આવ-જા કરો છો, જે બાદ યુવતિએ હા પાડતા તેણે ફોન નંબર લઇ લીધો હતો. બાદમાં મહેશ ઘરેથી ઓફિસે લાવવા-લઇ જવા જતો હતો. તાજેતરમાં મહેશ યુવતિને ઓફિસે લેવા ગયો હતો. ત્યાંથી ઘર તરફ આવતા તેણે અચાનક રસ્તો બદલી કાઢ્યો હતો.
બુમબુમ થતા રાઇડર ત્યાંથી નાસી છુટ્યો
આ અંગે યુવતિએ પુછતા તેણે જણાવ્યું કે, શોર્ટ કટ લઇને ઘરે જઇ રહ્યા છીએ. દરમિયાન વચ્ચે રાઇડરે વાહન ઉભુ રાખીને યુવતિ જોડે જબરદસ્તી કરીને તેની જોડે અડપલાં કર્યા હતા. જેનો યુવતિએ વિરોધ કર્યો હતો. જે બાદ બુમબુમ થતા રાઇડર ત્યાંથી નાસી છુટ્યો હતો. બીજી તરફ યુવતિએ તેના ઓફિસના મિત્રોને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે પીડિત યુવતિએ અટલાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપી મહેશ વાઘેલાની અટકાયત કરીને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો --- VADODARA : ઓવરબ્રિજના પાયા ખોદતી વેળાએ બેદરકારીને પગલે પાણીની રેલમછેલ