VADODARA : વરસાદી માહોલ વચ્ચે સમલાયા સ્ટેશન પાસે જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી
- ચોમાસાની શરૂઆતમાં જ જર્જરિત માળખાની દુર્ઘટના સામે આવી
- સમલાયા સ્ટેશન નજીક પાણીની ટાંકી સવારે ધડાકાભેર ધરાશાયી થઇ
- ટાંકીના કાટમાળમાં એક શખ્સ દબાઇને ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું સુત્રોએ જણાવ્યું છે
VADODARA : વડોદરા સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલીના સમલાયામાં આજે સવારે એક દુર્ઘટના સામે આવી છે. સમયાલા રેલવે સ્ટેશન પાસે આવેલી જર્જરિત જૂની પાણીની ટાંકી એકાએક ધડાકાભેર ધરાશાયી થતા સ્થાનિકોમાં ડરનો ફેલાયો છે. આ ટાંકીના કાટમાળ નીચે એક શખ્સ દબાઇ જતા ગંભીર ઇજાગ્રસ્ત થયો હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. ઘટનને પગલે સ્થાનિકોએ દોડી આવીને યથાશક્તિ મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. ઘટનાને પગલે વડોદરા શહેર-જિલ્લામાં આવેલા જર્જરિત માળખા કોઇને જીવનને જોખમ ઉભૂ કરે તે પહેલા જ તે માટેનો યોગ્ય નિર્ણય તંત્ર લે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.
કાર્યવાહીમાં જિલ્લાનું વહીવટી તંત્ર સમયસર જાગ્યું નહીં
વડોદરા શહેર જિલ્લામાં જર્જરિત માળખાની ભરમાર છે. ખાસ કરીને ચોમાસાની રૂતુમાં આ માળખા મુશ્કેલી સર્જી શકે તેમ હોય છે. જેથી અગમચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા નોટીસ આપીને સુરક્ષાના પગલાં ભરવામાં આવે છે. આ કાર્યવાહીમાં જિલ્લાનું વહીવટી તંત્ર સમયસર જાગ્યું નહીં હોવાની વાતની સાબિતી આપતી ઘટના સામે આવી છે. વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલી તાલુકાના સમલાયા સ્ટેશન પાસે પાણીની જર્જરિત ઓવરહેડ ટાંકી આવેલી હતી. આજે સવારે આ ટાંકી અચાનક ધડાકાભેર ધરાશાયી થઇ ગઇ હતી. જેને પગલે સ્થાનિકોમાં ભય પ્રસર્યો હતો.
હજી તો ચોમાસાની શરૂઆત છે
મોટા ધડાકો થતા જ સ્થાનિકો અવાજની દિશામાં દોડી આવ્યા હતા. આ પાણીની ટાંકીના કાટમાળ નીચે એક શખ્સ દબાયો હોવાનું ધ્યાને આવતા તેને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યો છે. આ શખ્સી ઓળખ સફી સત્તાર વોરા તરીકે કરવામાં આવી છે. તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. હજી તો ચોમાસાની શરૂઆત છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનાને પગલે જર્જરિત માળખા નજીક રહેતા લોકોમાં ભારે ફફડાટની લાગણી પેંસી જવા પામી છે. અને જર્જરિત માળખા કોઇના જીવને જોખમ ઉભૂ કરે તે પહેલા જ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આ ઘટના પરથી બોધપાઠ લઇને તંત્ર દ્વારા લોકોની સલામતીને ધ્યાને રાખીને કયા પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- VADODARA : SSG હોસ્પિટલમાં નિર્માણાધીન બિલ્ડિંગના કોન્ટ્રાક્ટરને દંડ ફટકારતું તંત્ર