Vadodara : ગેસ લીકેજથી ઘરમાં આગ, ગંભીર રીતે દાઝતા જુવાનજોધ દિકરાનું મોત
- સમા વિસ્તારમાં ઘરમાં ગેલ લીકેજના કારણે આગ
- પરિવારના ચાર સભ્યો આગમાં દાઝ્યા
- પરિવારને બચાવવા પડેલા જુવાનજોધ દિકરાનું મોત
Vadodara : વડોદર (Vadodara) ના સમા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરમાં ગેસ લિકેજના કારણે આગ (Gas Leakage Fire - Vadodara) લાગવાની ઘટના બની હતી. જેમાં પરિવારના ચાર સભ્યો સામાન્યથી લઇને ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનામાં પરિવારનો જુવાનજોધ દિકરો ગંભીર રીતે દાઝી જતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનામાં પરિવારના અન્ય સભ્યોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. લાભ પાંચમના શુભ દિને ગેસ દુર્ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે. હવે આ મામલે વધુ તપાસમાં શું સામે આવે છે, તેના પર સૌ કોઈની નજર રહેશે.
ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી
વડોદરાના સમા વિસ્તારમાં મનહર પાર્ક નામની સોસાયટી આવેલી છે. સોસાયટીમાં આવેલા ઘરનં - 6 માં ગુપ્તા પરિવાર રહેતો હતો. આજે સવારે આ મકાનમાં ગેસ લિકેજ થવાના કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે. જેને પગલે ઘરમાં હાજર માતા-પિતા અને પુત્ર-પુત્રી સામાન્યથી લઇને ગંભીર રીતે ઘાયલ થતા દોડધામ મચી જવા પામી છે. ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્થિતી પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મૃતક ખાનગી કંપનીમાં કામ કરતો હતો
આ ઘટનામાં પરિવારને બચાવવા માટે દોડેલો જુવાનજોધ દિકરો વિશ્વજીત ગુપ્તા ગંભીર રીતે દાઝ્યો હતો. જેમાં તેનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. વિશ્વજીત ગુપ્તાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ કરવા માટે એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે. વિશ્વજીત ગુપ્તા ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના કેવી રીતે ઘટી, ઘરમાં ગેસનો બોટલ હતો કે, ગેસની લાઇન, આ ઘટનામાં કોની નિષ્કાળજી જવાબદાર છે, સહિતના અનેક મહત્વના સવાલો હાલની સ્થિતીએ અસ્પષ્ટ છે. હવે આ મામલાની યોગ્ય તપાસમાં કયા તથ્યો સામે આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો ----- Surendranagar: વઢવાણના ગોમટા ગામે અંદાજિત 60થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગ