VADODARA : SOG એ પકડેલા નશાકારક મુદ્દામાલનો નાશ, ધૂમાડો બહાર ના જાય તેનું પણ ધ્યાન રખાયું
- વડોદરા એસઓજી પોલીસ દ્વારા પકડાયેલા નશાના મુદ્દામાલનો દહેજમાં નાશ
- વિતેલા 2 વર્ષમાં 20 કેસો સફળતાપૂર્વક પકડી પાડ્યા
- નશાખોરી ડામવા માટે એસઓજી પોલીસની અસરકારક કામગીરી
VADODARA : વડોદરા પોલીસ (VADODARA POLICE - SOG) ના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ શાખા દ્વારા વિતેલા બે વર્ષ દરમિયાન શહેરભરમાં કરેલી વિવિધ કાર્યવાહીમાં એનડીપીએસ એક્ટ (NDPS ACT) હેઠળ નશાના સામાનનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેની કિંમત રૂ. 88 લાખથી વધુની આંકવામાં આવી હતી. આ મુદ્દામાલનો પ્રોટોકોલ અનુસાર કંપનીમાં નિકાલ કરવામાં આવ્યો છે. આ તકે પોલીસ અધિકારીઓ અને કંપની સત્તાધીશો હાજર રહ્યા હતા.
કોર્ટમાંથી મંજૂરી મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરાઇ
વડોદરામાં નશાખોરી ડામવા માટે એસઓજી પોલીસ દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત વિતેલા બે વર્ષોમાં એસઓજી પોલીસ દ્વારા વિવિધ કાર્યવાહીમાં દરોડા પાડીને ચરસ, ગાંજો, એમડી ડ્રગ, બ્રાઉન શુગર, ટેબ્લેટ્સ અને ઇન્જેક્શનનો મોટા પ્રમાણમાં જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ મુદ્દામાલની અંદાજીત કિંમત રૂ, 88 લાખથી વધુની આંકવામાં આવી રહી છે. તાજેતરમાં આ તમામ જથ્થાના નાશ અંગે કોર્ટમાંથી મંજૂરી મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાદમાં આ જથ્થાને દહેજની કંપનીમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સક્ષમ અધિકારીની હાજરીમાં ઇન્સિનરેશન મશિનમાં ઉચ્ચ તાપમાને બાળીને તેનો નિકાલ કરવામાં આવ્યો છે.
પોલીસની નિગરાનીમાં આ જથ્થો દહેજ પહોંચ્યો
આ તકે બળેલા એનડીપીએસના મુદ્દામાલનો ધૂમાડો પણ બહાર ના જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. વડોદરા પોલીસની નિગરાનીમાં આ જથ્થો દહેજ પહોંચ્યો હતો. વિતેલા 2 વર્ષમાં 20 ગુનામાં એસઓજી પોલીસ દ્વારા પકડવામાં આવેલા નશાના મુદ્દામાલનો સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યો છે. આ ગુનાઓ શહેરના સયાજીગંજ, જેપી રોડ, હરણી, મકરપુરા, કારેલીબાગ, ડીસીબી, જવાહરનગર, રાવપુરા પોલીસ મથકમાં નોંધાયેલા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો --- Surat : આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું કેન્દ્ર, શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન માટે બેંકોને એલર્ટ રહેવા સૂચના