VADODARA : SRP એ અચાનક રસ્તો બંધ કરતા સ્થાનિકોમાં રોષ, સિનિયર સિટીઝન બેહાલ
- લાલબાગ પાસે એસઆરપીએ રસ્તો બંધ કરતા સ્થાનિકો નારાજ
- કોર્પોરેટર સાથે મળીને એસઆરપીના સેનાપતિને રજુઆત કરવા પહોંચ્યા
- વર્ષોથી ખુલ્લો રસ્તો અચાનક બંધ કરી દેવામાં આવ્યો છે
VADODARA : વડોદરા (VADODARA) ના લાલબાગ પાસે એસઆરપી (SRP) ના વિવિધ માળખા આવેલા છે. તાજેતરમાં એસઆરપી દ્વારા અહિંયાથી પસાર થતો રસ્તો બંધ કરી દીધો છે. જેને પગલે રાજસ્થંભ સોસાયટી (RAJSTAMBH SOCIETY - VADODARA) ના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સિનિયર સિટીઝન બેહાલ બન્યા છે. સમગ્ર મામલે સ્થાનિકોએ એકત્ર થઇને એસઆરપીના સેનાપતિને રજુઆત કરવા માટેનું મન બનાવી લીધું છે. સ્થાનિકોના આ પ્રયાસમાં કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વેનો સાથ મળ્યો છે. કોર્પોરેટરનું કહેવું છે કે, વહેલી તકે રસ્તો ખોલી આપવામાં આવે, નહિં તો અમે મુખ્યમંત્રી સુધી રજુઆત કરીશું.
અમારી રજુઆત કોઇ સાંભળતું નથી
સ્થાનિક સર્વેએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આ રસ્તો 25 વર્ષથી ચાલુ હતો. છેલ્લા 20 દિવસથી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તો બંધ કરવામાં આવ્યો અને ત્યાર બાદ તેના પર ઝાડવા નાંખી દેવામાં આવ્યા છે. તેમણે પતરા પણ મારી દીધા છે, જેને પગલે ત્યાં સાપ નીકળે છે, અને મચ્છરોનો ત્રાસ પણ વધ્યો છે. અમારી રજુઆત કોઇ સાંભળતું નથી. અમે રજુઆત કરવા જઇએ તો અમને રોકી લે છે. તેઓ જવા માટે રસ્તો ખોલી આપે તેવી અમારી માંગ છે. થોડાક અંતરે ચેક પોસ્ટ પણ આવેલી છે. તેઓ આગળથી રસ્તો બંધ કરે તેમાં અમને કોઇ વાંધો નથી. રસ્તો બંધ થતા રાજસ્થંભ સોસાયટીમાં રહેતા તમામને તકલીફ પડી રહી છે. અમારે આખું ફરીને જવું પડી રહ્યું છે. બાળકોને શાળા-ટ્યુશને મુકવા લેવા-જવાની ભારે મુશ્કેલી પડી રહી છે. વરસાદ-પાણી સમયે અમારી શું હાલત થશે..?. કાશી વિશ્વનાથ મંદિરમાં ચાલીને જવાય તેવું રહ્યું નથી.
નવા ફતવા જારી કરે છે
કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વેએ જણાવ્યું કે, વિતેલા 30 વર્ષથી સોસાયટી માટેનો આ રસ્તો ચાલુ હતો. એસઆરપીના નવા કમાન્ડર આવે નવા અધિકારી આવે, તેઓ નવા ફતવા જારી કરે છે. તેમણે રસ્તા પર પતરાં મારી દીધા છે. તેવું કહેવાય છે કે, અહિંયા હથિયાર અને દારૂગોળો હોય છે, જેના કારણે અહિંયા મુશ્કેલી ના થાય તે માટે આમ કરવામાં આવ્યું છે. પરંતુ મેચો ચાલતી હોય છે, કોમર્શિયલ એક્ટિવિટી થતી હોય છે, નવા કાર્યક્રમો થાય છે. આવા સમયે કાયમી રસ્તો બંધ કરી દેવામાં આવ્યા છે. અમરરૂ કહેવું છે કે, લોકો ચાલતા જઇ શકે તેવી રીતે રસ્તો ખોલી કાઢવામાં આવે. આજે રાજસ્થંભ સોસાયટીના સ્થાનિકો એકત્ર થયા છે. અમે મુખ્યમંત્રીને રજુઆત પણ કરવાના છીએ.
આ પણ વાંચો --- VADODARA : ખોડિયાર નગરમાં માટી ભરેલી ટ્રક ખાડામાં પડતા પલટી ગઇ